રવિવારે ચાંદ દેખાતા આજે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં જઈ સમૂહમાં નમાજ પઢી, એકબીજાને ગળે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ઈદ-ઉલ-ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે, જે રમઝાન મહિનો પૂરો થયા પછી તેની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર ભાઈચારો, દાન અને આનંદનું પ્રતીક છે. રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ (રોઝા), ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે. આ પવિત્ર તહેવારની સુરતમાં રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી.
ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ-ઉલ-ફિત્ર ઉજવાય છે. આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે, જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહને દુઆ કરે છે. મુસ્લિમ બિરાદરોએ આજના દિવસે ઘરે પણ વિશેષ તૈયારીઓ કરી હોવાથી લોકોને પોતાના ઘરે તથા બીજાના ઘરે જઈને પણ શુભકામના પાઠવી હતી.
આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2025થી થઈ હતી અને 30 માર્ચના રોજ ચાંદ દેખાયો એટલે ઈદ-ઉલ-ફિત્ર 31 માર્ચે ઉજવવામાં આવી રહી છે. આ દિવસે લોકો એકબીજાને ‘ઈદ મુબારક’ કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે. ઈદ-ઉલ-ફિત્રને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ખીર, સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.
