નવી દિલ્હી: અમેરિકાની (America) મુલાકાત પછી ભારતના (India) વડાપ્રધાન (PM) 24 અને 25 તારીખના રોજ ઈજિપ્તના પ્રવાસે છે. 1997 પછી પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન ઈજિપ્ત (Egypt) પહોંચ્યા છે. ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ શનિવારે પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પીએમ મોદીનો ઈજિપ્તની મુલાકાતનો આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી સદીની અલ-હાકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર લોકો સાથે વાત કરી હતી. ત્યારબાદ તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીને પણ મળ્યા હતા.
મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન પછી પીએમ મોદીએ હેલિયોપોલિસ વોર મેમોરિયલની મુલાકાત લીધી હતી તેમજ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હેલિયાપોલિસ વોર મેમોરિયલ ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા લગભગ ચાર હજાર સૈનિકોની શૌર્યગાથાઓ આજે પણ આ યુદ્ધ સ્મારક પર નોંધાયેલી છે.
પીએમ મોદીની ઈજિપ્તની મુલાકાત અંગે ઇજિપ્તમાં ભારતના રાજદૂતે જણાવ્યું હતું કે ભારત અને ઇજિપ્ત વચ્ચેના વેપાર સંબંધો 4000 વર્ષ જૂના છે. આ મુલાકાત સંબંધોને વધુ મજબૂત બનાવશે. શનિવારે PM મોદી ઇજિપ્તના મુસ્તફા મદબૌલી અને ટોચના કેબિનેટ મંત્રીઓને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ વેપાર સંબંધોને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગેના વિષય પર ચર્ચા કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામને પણ મળ્યા હતા. બંનેએ ભારત અને ઇજિપ્ત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક સંબંધો અને બંને દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્કના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ દરમિયાન સમાજમાં સામાજિક અને ધાર્મિક સૌહાર્દ ઉપરાંત આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઈ અંગે પણ ચર્ચા થઈ હતી.