સુરત: (Surat) દક્ષિણ ભારતનાં રાજ્યો ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કેસ જોવા મળતાં એક તબક્કે ત્રણ દિવસ અગાઉ ચિકનના (Chicken) મીટનો ભાવ 120 રૂ.કિલો સુધી ગગડી ગયો હતો. પરંતુ મહારાષ્ટ્રના નાશિક, નંદુરબાર, નવાપુરમાં બર્ડ ફ્લૂના કેસો નહીં નોંધાતાં ચિકન અને ઇંડાંના (Egg) હોલસેલ વેપારના ભાવો પર જુદી અસર જોવા મળી છે. આ ત્રણ જિલ્લામાંથી સુરતમાં માલ આવતો હોય છે. પરંતુ મહારાષ્ટ્રના આ ત્રણ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસ નહીં નોંધાતાં મંગળવારે 1.8 કે.જી. ચિકનનો હોલસેલ ભાવ 148 રૂ. નોંધાયો હતો. જ્યારે રિટેલમાં એક કિલો ચિકનનું મીટ 160 રૂ. વેચાયું હતું. એટલે કે, છેલ્લા ત્રણ દિવસમાં 20 રૂ.ની રિકવરી જોવા મળી છે.
હોલસેલમાં કિલો ચિકનનો ભાવ મંગળવારે સુરતના માર્કેટમાં 82 રૂ. બોલાયો હતો. જો કે, ઇંડાંના વેપારમાં વિપરીત સ્થિતિ જોવા મળી છે. બર્ડ ફ્લૂના કેસો દેશમાં નોંધાયા ત્યારે સુરતમાં નંગ દીઠ ઇંડાંનો ભાવ 6 રૂ. ચાલી રહ્યો હતો. પરંતુ તે પછી આ ભાવો તૂટીને 5 રૂ. થયા હતા. મંગળવારે તેનો ભાવ 4.50 રૂ. નોંધાયો હતો. 30 નંગ ઇંડાંની ટ્રેનો ભાવ નાનપુરા માર્કેટમાં 135 રૂ. હોલસેલમાં નોંધાયો હતો. ઇંડાંના ભાવો તૂટવાનું એક કારણ રાત્રિ કરફ્યૂ અને બર્ડ ફ્લૂની દહેશત પણ હોવાનું માનવામાં આવે છે. કારણ કે, ઇંડાં દક્ષિણ ભારત અને રાજસ્થાનમાંથી પણ સુરત આવે છે.
તેના લીધે મોટી સંખ્યામાં આમલેટના ચાહકોએ ઇંડાંની વેરાયટીઓ ખાવાનું બંધ કર્યું છે. સૌથી વધુ અસર આમલેટની લારીવાળાઓને થઇ છે. જ્યાં ખૂબ જૂજ સંખ્યામાં ગ્રાહકો જોવા મળી રહ્યા છે. શિયાળાની ઋતુમાં સુરતમાં એક સમયે કિલો ચિકનનો ભાવ સર્વાધિક 180 રૂ. નોંધાયો હતો. બર્ડ ફ્લૂની જાહેરાત પછી 120 રૂ.ના તળિયે પહોંચી બાઉન્સ બેક થયા પછી ફરી 160 રૂ. પર પહોંચ્યો છે. ચિકનના ભાવ વધવાનું એક કારણ એ પણ છે કે, મુસ્લિમ સમાજમાં અત્યારે લગ્નસરાંની સિઝન ચાલી રહી છે અને તેમાં મોટા પાયે ચિકનની ખપત થઇ રહી છે.
બર્ડ ફ્લુ: એકસાથે અનેક પક્ષીઓના મોત થાય તો તુરંત જાણ કરો, મનપાની અપીલ
સુરત: ગુજરાત રાજ્યમાં ગત દિવસોમાં પક્ષીઓનાં અચાનક મૃત્યુ થવાના કિસ્સા નોંધાયા છે. તેમજ સુરત જિલ્લામાં મઢી તથા બારડોલી ખાતે કુલ 4 પક્ષીનો H5N8 રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રની દોડધામ વધી છે. આજદિન સુધી સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂ બાબતે કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે સુરત મહાનગર પાલિકા, એનિમલ હસબન્ડરી વિભાગ તથા ફોરેસ્ટ વિભાગ સાથે સંકલન કરી શહેરીજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે.
સુરત મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ વિસ્તારમાં અચાનક એકસાથે ઘણાં બધાં પક્ષીઓ કે મરઘાંનાં મરણ થાય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો તેમજ (0261) 2461319 નંબર ઉપર જાણ કરવી. મરેલાં મરઘાં-પક્ષીઓનો ખાડો ખોદી દાટી યોગ્ય રીતે નિકાલ કરવો. હાથને ગરમ પાણી અને સાબુથી વારંવાર સાફ કરવા. ખાસ કરીને પોસ્ટ્રીફાર્મમાં કામ કરતી વ્યક્તિઓ તાવ, શરદી, ખાંસી, શરીર દુ:ખવું, પીડીનો દુઃખાવો થવો, પાણી જેવા ઝાડા, નાક ગળવું, આંખો આવવી જેવાં લક્ષણો જણાય તાત્કાલિક નજીકના શહેરી આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર કરાવે. પક્ષીઓ કે મરઘાંના સીધા સંપર્કમાં આવવાનું લોકો ટાળે તેમજ કામ સિવાય પોસ્ટ્રી ફાર્મમાં જવું નહીં અને જો જાઓ તો એન્ટિસેપ્ટિક સોલ્યુશનથી પગ સાફ કરી તપાસ કરાવવી. તેમજ પોલ્ટ્રીફાર્મમાં દાખલ થવું અને માંસ-મટન પૂરતા પ્રમાણમાં રંધાયા બાદ જ ઉપયોગ કરવા જણાવાયું છે. ઉપરાંત મરેલાં પક્ષી કે મરઘાંને કે તેના આધારને ખુલ્લા હાથે અડકવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે.