SURAT

સુરતને સ્ટાર્ટઅપ કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવાના પ્રયાસો

અમેરિકાના સિલિકોન વેલીમાં ભારતના IT અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા અમેરિકા આવતા નવા સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા ટાઇ ગ્લોબલ દ્વારા સ્થાનિક ચેપ્ટર ટાઇ સુરતની મદદથી સુરતમાં પ્રથમવાર બે દિવસીય ‘ટાઇકોન’ સુરતનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 18 અને 19 નવેમ્બરના રોજ શહેરની 5 સ્ટાર હોટેલમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 100 જેટલા નવા સ્ટાર્ટઅપ દેશ-વિદેશથી આવેલા વિખ્યાત IT અને ટેકનોલોજી એક્પસર્ટની હાજરીમાં રજૂ થશે.

આ કાર્યક્રમમાં નાસકોમના કો. ફાઉન્ડર સંજય મહેતા, ઓફ ઓનવર્ડના ફાઉન્ડર હરીશ મહેતા, નઝારા ટેકનોલોજીના ફાઉન્ડર નીતીશ મિટર્સાઇન, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન જે. અરૂણ, વાઇસ ચેરમેન મુરલી બુક્કાપટનમ અને ટાઇ ઇન્ડિયા એન્જલસના ચેરમેન મહાવીર પ્રતાપ શર્મા સહિત 30થી વધુ ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને વેન્ચર કેપિટલિસ્ટ સમક્ષ સુરતના સ્ટાર્ટઅપ પ્રણેતાઓને પોતાના યુનિક આઇડિયા રજૂ કરવાની તક મળશે. ટાઇ સુરતના પ્રમુખ કશ્યપ મહેતા અને CA મયંક દેસાઇએ જણાવ્યું હતું કે સુરતમાં નાની મોટી મળી 3500 જેટલી IT અને ટેકનોલોજી કંપનીઓ સક્રિય છે. ગુજરાતમાં 4500માંથી 900 સ્ટાર્ટઅપ સુરતમાં નોંધાયેલા છે. સુરતની કોર્પોરેટ કંપનીઓ સ્ટાર્ટઅપને ફંડ આપી રહી છે.

યુનિસિંક એન્જલ્સ: સ્ટાર્ટઅપ માટે સ્ટાર્ટઅપ, 5 વર્ષે 100 સ્ટાર્ટઅપ માટે 100 કરોડનું ફંડ એકઠું કરાશે
સી.એ. મયંક દેસાઇ અને કશ્યપ મહેતા દ્વારા રજૂ કરવામાં આવેલુ આ સ્ટાર્ટઅપ માટેનું સ્ટાર્ટઅપ છે જે પાંચ વર્ષે સો સ્ટાર્ટઅપ માટે સો કરોડનું ફંડ એકઠું કરાશે. CA મયંક દેસાઇ કહે છે કે યુનિસિંક એન્જલ્સ એક વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે જેમાં 25 થી વધુ CA તથા મેન્ટર્સ અને એડવાઇઝર્સ જોડાયેલા છે. એનું મુખ્ય કાર્ય સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પૂરું પાડવાનું છે. યુનિસિંક એન્જલ્સ દેશના ૪૦ જેટલા ટાયર 2 અને ટાયર ૩ શહેરોમાં સ્ટાર્ટ-અપ્સ ઇકો સીસ્ટમની રચના કરે છે. યુનિસિંક એન્જલ્સ સ્ટાર્ટ-અપ અત્યારે સૌથી ઉભરતો ઉદ્યોગ છે. દેશના યુવાવર્ગના ઇનોવેટીવ વિચારોને પાંખો આપી તેમના માર્ગને ફાઈનાન્શ્યલ સપોર્ટ આપી તથા તેમના માર્ગમાં આવતી અડચણોને અનુભવી મેન્ટર્સના સપોર્ટથી રાહ બતાવી ફરીથી વેગવાન બનાવવાનું અને યુવા ઉદ્યોગ સાહસિકોને સાથ આપવાનું કાર્ય કરે છે.

સુરતના સૌથી સફળ સ્ટાર્ટઅપને દ. કોરિયન જાયન્ટ કંપનીએ હાઇપ્રિમિયમ રેટ પર ટેકઓવર કરી
સુરતની કંપની ઇઝી ટેકનોલોજીસ એ વિશ્વના કેટલાક સૌથી સફળ સ્ટાર્ટઅપ પૈકીનું એક સ્ટાર્ટઅપ હતું જેને દક્ષિણ કોરિયાની જાયન્ટ કંપની યાનોલ્જાએ હાઇપ્રિમિયમ રેટ પર ટેકઓવર કરી. સુરતના વિપુલ કપૂરની આ કંપની સંપૂર્ણ હોસ્પિટાલિટી, IT સોલ્યુશન્સ પ્રદાતાઓમાંની એક કંપની છે જે હોટેલ મેનેજમેન્ટ, બુકિંગ મેનેજમેન્ટ, ઓનલાઈન રૂમ ડિસ્ટ્રીબ્યુશન, રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ, ગેસ્ટ ફીડબેક અને હોટેલ મોબાઈલ એપ્સને આવરી લેતા સોલ્યુશન્સ ઓફર કરે છે; eZee ક્લાઉડ આધારિત સોલ્યુશન્સ તેમજ eZee સોલ્યુશન્સ માટે મોબાઇલ એપ્લિકેશન્સ સાથે ઓન-પ્રિમાઇઝ વિકસાવે છે. 2005માં સ્થપાયેલા, ઇઝીનું નેટવર્ક આજે વિશ્વના 170 થી વધુ દેશોમાં છે અને 33000 થી વધુ ગ્રાહકોને સેવા આપે છે. તાજેતરમાં યાનોલ્જા દ્વારા આ કંપનીને હસ્તગત કરવામાં આવી હતી.

Zoivane: પાલતુ પ્રાણીઓને જીવનક્રિયા શીખવતું સ્ટાર્ટઅપ
“Zoivane” કો. ફાઉન્ડર નિષ્મા સીંઘલ દ્વારા વિકસાવવામાં આવેલું આ સફળ સ્ટાર્ટઅપ છે જે ઘરમાં આવતા નવા પાલતુ પ્રાણીના વાલી તરીકે પાલતુ પ્રાણીઓને જીવનક્રિયા શીખવતું સ્ટાર્ટઅપ છે. ખાસ કરીને એક નવા પાલતુ પ્રાણીના વાલી તરીકે તમારા પાલતુ પ્રાણીને તાલીમ આપવી હંમેશા અઘરી તથા કાળજીભરી આવડત માંગનારી હોય છે. પાલતુ પ્રાણીઓએ ક્યાં પોટ્ટી કરાવવી, પેશાબ ક્યાં કરવો, કયા વિસ્તારમાં જવું અથવા કયા વિસ્તારમાં પ્રવેશ ન કરવો તે શીખવવું અને એકવાર તેઓ તેમના વિસ્તારને સ્ટૂલ અથવા પેશાબ પસાર કરવા માટે ચિહ્નિત કરી તેને ડી-માર્ક કરે છે. “Zoivane” ના ઉત્પાદનો જેમ કે પોટ્ટી ટ્રેનિંગ સ્પ્રે, સ્ટે-અવે સ્પ્રે અને પેશાબની ગંધ દૂર કરવા માટે નવા પાલતુ પ્રાણીના માતાપિતા માટે તાલીમની પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે.

“Agriwyz” ખેતરમાં પાણી પાવા માટે ખેડૂતે હવે રાતના ઉજાગરા કરવાની જરૂર નથી
“Agriwyz” બ્રાન્ડ નામ હેઠળ આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર ઉત્કર્ષ મધુ કેયુર નાણાવટી અને શિખા નાણાવટીએ MN Sustainable Energy Private Limitedની સ્થાપના ખેતી માટે પંપ ચાલુ કરી પૂરતો પાણી પૂરવઠો રિલીઝ કર્યા પછી પંપ કે મોટર બંધ કરવા માટે ખેડૂતોને ખેતરે ન જવુ પડે એ પ્રકારની ઇન્જનિયસ મોટર સ્ટાર્ટર (IMS) નામની એક પ્રોડક્ટ વિકસાવી છે. જેના દ્વારા સિંચાઈ પ્રક્રિયાને ડિજિટાઇઝ કરી શકાય છે. આ વ્યવસ્થાથી ખેડૂત તેના મોબાઇલ ફોનની એપ થકી પાણીની મોટર શરૂ કરી શકે છે અને ટાઇમર મુકી ઓટોમેટીક બંધ કરી શકે છે. એને કારણે ખેડૂતોને રાત્રે પાણીનો પૂરવઠો શરૂ કરવા અને બંધ કરવા માટે ઉજાગરા કરવા પડતા નથી. આ સિસ્ટમમાં 20થી વધુ સુવિધાઓનો ઉપયોગ થઇ શકે છે. એને લીધે બળતણ અને વીજળીની બચત થાય છે.

Trezix માલસામાનને ટ્રેકીંગ, ટ્રેસીંગ અને દસ્તાવેજો રેકોર્ડ કરવા મદદરૂપ થાય છે
Trezix એ સુરતનું બીજુ સૌથી સફળ સ્ટાર્ટઅપ છે જે માલસામાનને ટ્રેકીંગ, ટ્રેસીંગ અને દસ્તાવેજો રેકોર્ડ કરવા સાથે ઉદ્યોગકારોને એક્સપોર્ટ-ઇમ્પોર્ટમાં મદદરૂપ થાય છે, Trezixના કો. ફાઉન્ડર તરીકે હરેશ કલકત્તાવાળા, સુનીલ ખરબંદા અને શૈલેષ સયાલે તૈયાર કર્યું છે. જે કંપનીઓને તેમના વ્યવસાયને સુસંગત રીતે ચલાવવામાં મદદ કરે છે. કંપનીએ એકીકૃત આયાત નિકાસ સહયોગ સ્યુટ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગના મુખ્ય હિતધારકો સાથે મળીને બનાવવામાં આવ્યું છે. કાર્યક્ષમ ઇનોવેશન મેનેજમેન્ટના પરિણામે મોટા પ્રમાણમાં ખર્ચની બચત થાય છે. Trezixના હવે ICICI બેંક ટ્રેડ ઇમર્જ પાર્ટનર અને SAP ઓપન-ઇકોસિસ્ટમ બિલ્ડ પાર્ટનર છે. એ ઉપરાંત તે અન્ય મોટી ભાગીદારીઓ કરવા જઈ રહ્યું છે. Trezixની યોજના ભારત અને સમગ્ર વિશ્વમાં આયાતકારો અને નિકાસકારોના વ્યવસાય કાર્યક્ષમ બનાવવાની છે”

ડ્રીમચાઇલ્ડ ગર્ભસંસ્કાર એપ : દૈનિક પચ્ચીસ એક્ટિવીટીને સમાવતું રાજ્યનું પ્રથમ સ્ટાર્ટઅપ
જીતેન્દ્ર ટીંબાડીયા ધવલ છેતા દ્વારા રજૂ કરવામાં આવેલું ડ્રીમચાઇલ્ડ ગર્ભસંસ્કાર એપ સ્ટાર્ટઅપ દૈનિક પચ્ચીસ એક્ટિવીટીને સમાવતું રાજ્યનું પ્રથમ સ્ટાર્ટઅપ છે. ભારતના ઋષિઓનું ગર્ભ સંસ્કાર જ્ઞાન હવે આખી દુનિયામાં એપ થકી પહોંચાડે છે. હેપ્પી ઈન્ડિયા અને હેલ્ધી ઈન્ડિયાના મિશન સાથે સુરતના બે યુવાનોએ ખિસ્સાના ૧ કરોડ રોકી બનાવ્યુ છે જે દૈનિક ૨૫+ એક્ટીવીટી સમાવતી ગુજરાતની સૌ પ્રથમ મોબાઈલ એપ ‘ડ્રીમ ચાઈલ્ડ’ છે. આ એપથી ગર્ભથી જ બાળકનું ઉત્તમ ઘડતર કરી શકાય છે. આ એપના ૧,૫૦,૦૦૦+ યુઝર છે. જે 45 દેશોમાં પથરાયેલા છે. અત્યાર સુધી ૪૦,૦૦૦+ ‘ગર્ભસંસ્કાર’ પુસ્તકનું વેચાણ થયું છે અને ૫,૦૦,૦૦૦+ પેરેન્ટ્‌સે ગર્ભસંસ્કાર નોલેજ મેળવ્યું છે. હાલ સુરતમાં ૨ Offline ગર્ભસંસ્કાર કેન્દ્રમાં ૪૦૦+ સંતુષ્ટ ગર્ભવતી માતાઓ તેનો લાભ લઈ રહી છે.

Most Popular

To Top