ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરતી વખતે ખાસ હેતુઓને જાળવવા જોઇએ કે નહિ. શૈક્ષણિક સંસ્થાઓનાં બાંધકામો વિચારપૂર્વક થવાં જોઇએ કે નહિં? જવાબ સ્પષ્ટ છે. હા. થવા જ જોઇએ. આમ તો દુનિયાના તમામ દેશોમાં જાહેર જગ્યાઓનાં બાંધકામોના નિયમો હોય જ છે? વળી આર્કિટેકનું કામ જ બિલ્ડીંગને જરૂરિયાત મુજબ આબોહવા મુજબ, સામાજિક પરિબળો મુજબ ડિઝાઇન કરવાનું છે.
છેલ્લા ઘણા સમયથી રાજયની સરકારી કે સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીઓ કે મોટાં મોટાં શૈક્ષણિક સંકુલો (કેમ્પસો)માં જવાનું થયું ત્યારથી એક વાત સતત ખટકયા કરે છે કે આ નવાં બાંધકામો કશું જ વિચાર્યા વગર કેમ થતાં હશે! આ મકાનોની ડિઝાઇન થતી હશે ત્યારે આ મકાનમાં શૈક્ષણિક સંસ્થા ચાલવાની છે તેમાં વિદ્યાર્થીઓનો મોટો સમૂહ આવશે! આ સંસ્થા ભારતમાં છે, જયાં આઠ મહિના હવે તાપ પડે છે. અહીં સૂર્યપ્રકાશની બિલકુલ તંગી નથી. આ બધી બાબતો ધ્યાનમાં નહિં લેવાતી હોય! રાજયની મોટી અને જૂની એવી ગુજરાત યુનિ.ના નવનિર્મિત એક ભવનમાં જવાનું થયું!
અને દસ જ મિનિટમાં પરસેવો! (જો કે આજકાલ શિક્ષણ ક્ષેત્રે ખરેખર ભણાવવું તે પરસેવો પાડવા જેવું કામ જ છે) આખું બિલ્ડીંગ ઓ (O) શેપમાં જાણે કે મીંડું! પવન આવવાની કોઇ દિશા જ નહિં. સંપૂર્ણ બંધિયાર માટે પ્રકાશ પણ ઉછીનો લેવો પડે. બપોરે અગિયાર વાગે સંસ્થાના પેસેજમાં લાઇટો ચાલુ રાખવી પડે. ચાલુ જ હતી. કોઇક મહાશયે કહ્યું કે આ ગુજરાતની જાણીતી આર્કિટેકચર સંસ્થાના બિલ્ડીંગ જેવું જ છે! પણ ખરી વાત તો એ છે કે આ મૂળ ડિઝાઇન યુરોપિયન દેશોની છે.
જયાં સતત પવન ફુંકાય છે. ઘણા બધા દેશોમાં રોજ વરસાદ, વાદળછાયું વાતાવરણ રહે છે અને ઘણા દેશોમાં છ મહિના દિવસ સાવ ટૂંકો અને રાત લાંબી. મતલબ કે દિવસે ચાર વાગ્યામાં સૂરજ આથમી જાય છે. વળી વરસના બીજા છ મહિનામાં સૂરજ રાત્રે નવ વાગ્યા સુધી હોય છે! આ દેશોના ઇજનેરોએ પોતાના દેશની આબોહવા મુજબ પોતાની જરૂરિયાત મુજબ જે ડિઝાઇન બનાવી તે ભારતમાં બેઠી કોપી કરો તો આવું જ થાય!
હવે આ મહાન, નવા ભવનનો રોજનો પ્રશ્ન એ છે કે અહીં બારે માસ તમામ લાઇટસ ચાલુ જ રાખવી પડશે. પણ એ કરતાંય મોટો પ્રશ્ન પવનનો છે. બિલ્ડીંગમાં કયાંયથી હવા જ નથી આવતી. એટલે આખા બિલ્ડીંગને સેન્ટ્રલી એરકન્ડીશન્ડ જ રાખવું પડશે! વિચારો જે દેશમાં વીજળીની અછત હોય, ઉનાળામાં 46 થી 48 ડિગ્રી તાપ પડે એમાં આવા મોટા બિલ્ડીંગોની ગરમ હવા એ.સી. બહાર ફેંકે તો શહેરનું તાપમાન કેટલું વધે! વળી આ સરકારી યુનિ. છે. એટલે મૂળ પ્રશ્ન મેન્ટેનન્સનો છે.
આજે તો આ રૂડું રૂપાળું કોર્પોરેટ બિલ્ડીંગ જેવું દેખાતું ભવન… રોજ લાઇટના ગોળા નહિં બદલાય! એ.સી.ના રીપેરીંગ નહિં થાય! નવા પ્રકારનાં શૈાચાલયોની સતત સફાઇ નહિ થાય ત્યારે કેવા થશે! આવું જ રાજયની ઘણી યુનિવર્સિટીમાં બન્યું છે. જયાં જયાં દાતાઓએ ઉદાર હાથે સરકારને યુનિ. માટે જમીનો દાનમાં આપી છે ત્યાં ત્યાં ભવનો એટલાં દૂર દૂર બાંધવામાં આવ્યા છે કે યુનિવર્સિટીના કર્મચારીઓએ યુનિ.ના સંકુલ બિલ્ડીંગના કામ માટે વાહનમાં જવું પડે! થોડા સમયમાં આપણી યુનિવર્સિટીઓમાં ઇન્ટર યુનિવર્સિટી બસ સેવા ચાલુ ના કરવી પડે તો જ નવાઇ…
ખુલ્લા વાતાવરણમાં લીલોતરી વચ્ચે શૈક્ષણિક સંકુલ હોય તે જરૂરી છે. પણ આપણી યુનિવર્સિટીઓ આજે પણ સેન્ટ્રલાઇઝ કામ કરે છે. દરેક બાબત માટે યુનિ. કાર્યાલય પર રૂબરૂ જવું પડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો હજુ વહીવટમાં જોઇએ તેવો ઉપયોગ નથી થયો ત્યારે આ વિખરાયેલા ભવનોવાળી યુનિવર્સિટીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો મોટો સમય તો અહીંથી ત્યાં આવવા જવામાં જ બગડે છે. આપણાં શૈક્ષણિક સંકુલોમાં એક મોટો પ્રશ્ન પાયાની સુવિધાઓનો છે!
આપણી ઔપચારિક શિક્ષણવ્યવસ્થા સમયપત્રક મુજબ ચાલે છે. વ્યાપક કેન્દ્રીકરણ થયેલું છે. ગામડાંના લાખો વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અપડાઉન કરે છે. એક તો આપણાં શહેરોમાં મોટા વિદ્યા સંકુલો વધતાં જાય છે. એક જ વિદ્યા સંકુલમાં પાંચ હજારથી અગિયાર હજાર વિદ્યાર્થી ભણતા હોય ત્યારે ચાર પાંચ માળના બિલ્ડીંગ હોય.. શિક્ષણ પાળી સિસ્ટમથી ચાલતું હોય, સવારે સ્કુલ હોય ત્યાં જ બપોરે બીજી સ્કુલ અને કોલેજ હોય… એટલે એક સાથે હજાર બે હજાર છોકરા જયાં ભેગા થવાના છે ત્યાં જવા આવવાના રસ્તા, પાયાની સુવિધાઓ શૌચાલયો અને હા, પાંચથી છ કલાસના રોકાણમાં હળવો તંદુરસ્તીપ્રેરક નાસ્તો-પાણીની વ્યવસ્થા હોવી જ જોઇએ.
ખરેખર તો બહુમાળી બિલ્ડીંગોમાં દરેક માળે શૌચાલય અને પાણી હોવું જ જોઇએ! પણ ના ફાયર સેફટી માટે તો કયારેક પણ સરકાર જાગે છે. પાણી જેવી સુવિધા માટે કદી જાગતી નથી. સાવ નાના પ્રાથમિકનાં બાળકોને પાણીની પરબે જઇ પાણી પીવામાં અગવડ પડે છે એટલે બાળકની સુવિધા ખાતર આપણે તેને વોટરબેગ આપીએ છીએ પણ હવે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ વોટરબેગ આધીન જ કરી શૈક્ષણિક સંકુલોમાં પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા જ નથી.
ઘણી જગ્યાએ તો આખા સંકુલમાં એક જ જગ્યાએ પાણી હોય છે. વિદ્યાર્થી દીઠ ફી ઉઘરાવતા સંચાલકો હજાર વિદ્યાર્થીએ પણ પાયાની સુવિધાઓ ન આવે એવું માત્ર આપણે ત્યાં જ બને! ‘શિક્ષણ ક્ષેત્રે શું ચાલે છે?’ આ મૂળભૂત બાબતે જ આપણી ઉદાસીનતા વધતી જાય છે અને આવા ‘કોમ્પ્લેક્ષ’ શિક્ષણ સંસ્થા બનતાં જાય છે. વિચારો તો ખરા કે જયાં ખુલ્લી હવા અને નવા વિચારના પ્રકાશ માટે જવાનું છે તે શિક્ષણ સંસ્થામાં જ ‘ગુંગળામણ’ અને ‘અંધારું’! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ કરતી વખતે ખાસ હેતુઓને જાળવવા જોઇએ કે નહિ. શૈક્ષણિક સંસ્થાઓનાં બાંધકામો વિચારપૂર્વક થવાં જોઇએ કે નહિં? જવાબ સ્પષ્ટ છે. હા. થવા જ જોઇએ. આમ તો દુનિયાના તમામ દેશોમાં જાહેર જગ્યાઓનાં બાંધકામોના નિયમો હોય જ છે? વળી આર્કિટેકનું કામ જ બિલ્ડીંગને જરૂરિયાત મુજબ આબોહવા મુજબ, સામાજિક પરિબળો મુજબ ડિઝાઇન કરવાનું છે.
છેલ્લા ઘણા સમયથી રાજયની સરકારી કે સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટીઓ કે મોટાં મોટાં શૈક્ષણિક સંકુલો (કેમ્પસો)માં જવાનું થયું ત્યારથી એક વાત સતત ખટકયા કરે છે કે આ નવાં બાંધકામો કશું જ વિચાર્યા વગર કેમ થતાં હશે! આ મકાનોની ડિઝાઇન થતી હશે ત્યારે આ મકાનમાં શૈક્ષણિક સંસ્થા ચાલવાની છે તેમાં વિદ્યાર્થીઓનો મોટો સમૂહ આવશે! આ સંસ્થા ભારતમાં છે, જયાં આઠ મહિના હવે તાપ પડે છે. અહીં સૂર્યપ્રકાશની બિલકુલ તંગી નથી. આ બધી બાબતો ધ્યાનમાં નહિં લેવાતી હોય! રાજયની મોટી અને જૂની એવી ગુજરાત યુનિ.ના નવનિર્મિત એક ભવનમાં જવાનું થયું!
અને દસ જ મિનિટમાં પરસેવો! (જો કે આજકાલ શિક્ષણ ક્ષેત્રે ખરેખર ભણાવવું તે પરસેવો પાડવા જેવું કામ જ છે) આખું બિલ્ડીંગ ઓ (O) શેપમાં જાણે કે મીંડું! પવન આવવાની કોઇ દિશા જ નહિં. સંપૂર્ણ બંધિયાર માટે પ્રકાશ પણ ઉછીનો લેવો પડે. બપોરે અગિયાર વાગે સંસ્થાના પેસેજમાં લાઇટો ચાલુ રાખવી પડે. ચાલુ જ હતી. કોઇક મહાશયે કહ્યું કે આ ગુજરાતની જાણીતી આર્કિટેકચર સંસ્થાના બિલ્ડીંગ જેવું જ છે! પણ ખરી વાત તો એ છે કે આ મૂળ ડિઝાઇન યુરોપિયન દેશોની છે.
જયાં સતત પવન ફુંકાય છે. ઘણા બધા દેશોમાં રોજ વરસાદ, વાદળછાયું વાતાવરણ રહે છે અને ઘણા દેશોમાં છ મહિના દિવસ સાવ ટૂંકો અને રાત લાંબી. મતલબ કે દિવસે ચાર વાગ્યામાં સૂરજ આથમી જાય છે. વળી વરસના બીજા છ મહિનામાં સૂરજ રાત્રે નવ વાગ્યા સુધી હોય છે! આ દેશોના ઇજનેરોએ પોતાના દેશની આબોહવા મુજબ પોતાની જરૂરિયાત મુજબ જે ડિઝાઇન બનાવી તે ભારતમાં બેઠી કોપી કરો તો આવું જ થાય!
હવે આ મહાન, નવા ભવનનો રોજનો પ્રશ્ન એ છે કે અહીં બારે માસ તમામ લાઇટસ ચાલુ જ રાખવી પડશે. પણ એ કરતાંય મોટો પ્રશ્ન પવનનો છે. બિલ્ડીંગમાં કયાંયથી હવા જ નથી આવતી. એટલે આખા બિલ્ડીંગને સેન્ટ્રલી એરકન્ડીશન્ડ જ રાખવું પડશે! વિચારો જે દેશમાં વીજળીની અછત હોય, ઉનાળામાં 46 થી 48 ડિગ્રી તાપ પડે એમાં આવા મોટા બિલ્ડીંગોની ગરમ હવા એ.સી. બહાર ફેંકે તો શહેરનું તાપમાન કેટલું વધે! વળી આ સરકારી યુનિ. છે. એટલે મૂળ પ્રશ્ન મેન્ટેનન્સનો છે.
આજે તો આ રૂડું રૂપાળું કોર્પોરેટ બિલ્ડીંગ જેવું દેખાતું ભવન… રોજ લાઇટના ગોળા નહિં બદલાય! એ.સી.ના રીપેરીંગ નહિં થાય! નવા પ્રકારનાં શૈાચાલયોની સતત સફાઇ નહિ થાય ત્યારે કેવા થશે! આવું જ રાજયની ઘણી યુનિવર્સિટીમાં બન્યું છે. જયાં જયાં દાતાઓએ ઉદાર હાથે સરકારને યુનિ. માટે જમીનો દાનમાં આપી છે ત્યાં ત્યાં ભવનો એટલાં દૂર દૂર બાંધવામાં આવ્યા છે કે યુનિવર્સિટીના કર્મચારીઓએ યુનિ.ના સંકુલ બિલ્ડીંગના કામ માટે વાહનમાં જવું પડે! થોડા સમયમાં આપણી યુનિવર્સિટીઓમાં ઇન્ટર યુનિવર્સિટી બસ સેવા ચાલુ ના કરવી પડે તો જ નવાઇ…
ખુલ્લા વાતાવરણમાં લીલોતરી વચ્ચે શૈક્ષણિક સંકુલ હોય તે જરૂરી છે. પણ આપણી યુનિવર્સિટીઓ આજે પણ સેન્ટ્રલાઇઝ કામ કરે છે. દરેક બાબત માટે યુનિ. કાર્યાલય પર રૂબરૂ જવું પડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો હજુ વહીવટમાં જોઇએ તેવો ઉપયોગ નથી થયો ત્યારે આ વિખરાયેલા ભવનોવાળી યુનિવર્સિટીઓ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો મોટો સમય તો અહીંથી ત્યાં આવવા જવામાં જ બગડે છે. આપણાં શૈક્ષણિક સંકુલોમાં એક મોટો પ્રશ્ન પાયાની સુવિધાઓનો છે!
આપણી ઔપચારિક શિક્ષણવ્યવસ્થા સમયપત્રક મુજબ ચાલે છે. વ્યાપક કેન્દ્રીકરણ થયેલું છે. ગામડાંના લાખો વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અપડાઉન કરે છે. એક તો આપણાં શહેરોમાં મોટા વિદ્યા સંકુલો વધતાં જાય છે. એક જ વિદ્યા સંકુલમાં પાંચ હજારથી અગિયાર હજાર વિદ્યાર્થી ભણતા હોય ત્યારે ચાર પાંચ માળના બિલ્ડીંગ હોય.. શિક્ષણ પાળી સિસ્ટમથી ચાલતું હોય, સવારે સ્કુલ હોય ત્યાં જ બપોરે બીજી સ્કુલ અને કોલેજ હોય… એટલે એક સાથે હજાર બે હજાર છોકરા જયાં ભેગા થવાના છે ત્યાં જવા આવવાના રસ્તા, પાયાની સુવિધાઓ શૌચાલયો અને હા, પાંચથી છ કલાસના રોકાણમાં હળવો તંદુરસ્તીપ્રેરક નાસ્તો-પાણીની વ્યવસ્થા હોવી જ જોઇએ.
ખરેખર તો બહુમાળી બિલ્ડીંગોમાં દરેક માળે શૌચાલય અને પાણી હોવું જ જોઇએ! પણ ના ફાયર સેફટી માટે તો કયારેક પણ સરકાર જાગે છે. પાણી જેવી સુવિધા માટે કદી જાગતી નથી. સાવ નાના પ્રાથમિકનાં બાળકોને પાણીની પરબે જઇ પાણી પીવામાં અગવડ પડે છે એટલે બાળકની સુવિધા ખાતર આપણે તેને વોટરબેગ આપીએ છીએ પણ હવે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ વોટરબેગ આધીન જ કરી શૈક્ષણિક સંકુલોમાં પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા જ નથી.
ઘણી જગ્યાએ તો આખા સંકુલમાં એક જ જગ્યાએ પાણી હોય છે. વિદ્યાર્થી દીઠ ફી ઉઘરાવતા સંચાલકો હજાર વિદ્યાર્થીએ પણ પાયાની સુવિધાઓ ન આવે એવું માત્ર આપણે ત્યાં જ બને! ‘શિક્ષણ ક્ષેત્રે શું ચાલે છે?’ આ મૂળભૂત બાબતે જ આપણી ઉદાસીનતા વધતી જાય છે અને આવા ‘કોમ્પ્લેક્ષ’ શિક્ષણ સંસ્થા બનતાં જાય છે. વિચારો તો ખરા કે જયાં ખુલ્લી હવા અને નવા વિચારના પ્રકાશ માટે જવાનું છે તે શિક્ષણ સંસ્થામાં જ ‘ગુંગળામણ’ અને ‘અંધારું’!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.