Charchapatra

આયોજન વિચારીને જ સંતાનોને ભણાવો

સરકાર કહે છે ભણો. વડીલો પણ ભણવા-ભણાવવાની વાત કરે છે પણ ભણ્યા પછી ભણતરનું કરવું શું તે સરકાર કહી શકતી નથી. સરકારે નોકરી આપવી નથી. તેઓ સતત નોકરી ઘટાડતા જાય છે. અરે, સરકારી તંત્રને જરૂરી નોકરીઓ પણ ભરતા નથી. વકીલો વધતા જાય છે ને ન્યાયમૂર્તિ ઓની જગ્યા ખાલી રહે છે. નોકરી ઘટતી જવાના કારણે જ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરી જોઇતી હોય તો પણ લાખો રૂપિયા આપવા પડે છે. આ સ્થિતિ બધેભધ છે તો ભણવું શું કામ? સ્કૂલ, કોલેજીસ હવે બેફામ ફી ઉઘરાવે છે.

જેમાં આરોગ્ય ઉદ્યોગ મોટો છે તેમ શિક્ષણનો ઉદ્યોગ મોટો છે પણ તેની ઉપયોગિતા સમજાતી નથી. ભારતીય યુવાનો હવે વિદેશમાં ભણવું પસંદ કરે છે કારણ કે ત્યાં તેમને નોકરી-ધંધા મળવાની ખામી છે. આપણી સરકાર મોટી મોટી ડીંગ હાંકયા કરે છે. આ બધી સ્થિતિમાં ખરેખરા અર્થમાં જ આત્મનિર્ભર બન્યા વિના છૂટકો નથી. દેશમાં તો દેશમાં વિદેશ જવા મળે તો વિદેશમાં જાઓપણ પોતાને ટકાવો. સરકાર પાસે બહુ આશા રાખશો તો વળશે નહીં શિક્ષણ પાછળ પણ પૂરતાં આયોજન વિના સમયઅને નાણાં નહીં ખર્ચો.
વડોદરા – જયોતિ આનંદ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કોઈકે સફળ જીવનની સરસ વ્યાખ્યા આપી છે કે, માણસને એની ઈચ્છાનુસાર જીવવા મળે એ
“સફળ” જીવન ગણાય… બહુધા માણસ જીવનનો ૮૦ ટકા હિસ્સો આસપાસના પરિબળો અને સંજોગોનેઆધીન જીવતો હોય છે અને ૨૦ ટકા જ મનમરજી મુજબ જીવી શકાતું હોય છે. અલબત્ત! તમે મનમરજી મુજબ જીવવા માટે કેટલાં પ્રયત્ન અને પ્રયાસ કરો છો, એના પર ટકાવારીનો આધાર રહે છે… નદીમાં જીવનરૂપી શરીરને વહેતું મૂકી દો તો વહેણ જ્યાં લઈ જાય ત્યાં જવું પડે અર્થાત્ પરિસ્થિતિ અનુસાર જીવવું પડે.. પણ મનગમતો કિનારો પ્રાપ્ત કરવો હોય તો સામા પ્રવાહે પણ તરવાનો પુરુષાર્થ કરવો પડે.. જીવન આઈપોડ જેવું નથી કે ઈચ્છો ત્યારે મનગમતું ગીત સાંભળી શકો, જીવન રેડિયો જેવું છે, મનગમતાં ગીત માટે રેડિયોને “ટ્યુન” કરતા રહેવું પડે..જીવન છે એટલે સંઘર્ષ પણ રહેશે જ…

સોનું તપીને બહાર આવે તો જ ચળકાટ પામે એમ સંઘર્ષમા જીવન તપે તો જ જીવનને “જીવંતતા” પ્રાપ્ત થાય.. દિવસે ઉજાગરા વાવેલાં હોય એટલે રાત્રે ઉંઘ ન આવે… સ્વીકૃતિ ભાવ કેળવાઈ તો અડધો અડધ સમસ્યાઓનું નિવારણ થઈ જાય… અને સાક્ષીભાવ કેળવાઈ તો બાકીના અડધા ભાગની સમસ્યાઓનું નિર્મૂલન થઈ જાય… નવરા હોય એ નખ્ખોદ વાળે અને વ્યસ્ત રહેતા માણસો હંમેશા મસ્ત રહેતા હોય છે… નકારાત્મક ભાવનો રસ્તો હંમેશા ખીણ તરફ જતો હોય છે અને હકારાત્મક વલણનો રસ્તો હંમેશા શિખર તરફ જતો હોય છે…
સુરત     -પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top