Business

મની લોન્ડરિંગ કેસમાં કાર્વીની 110 કરોડની મિલકતો ટાંચમાં લેતું ઇડી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટે (ED ) આજે જણાવ્યું હતું કે તેણે કર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ(KSBL), તેના સીએમડી સી. પાર્થસારથી અને અન્યો સામેની મની લોન્ડરિંગની (money laundering) તેની તપાસ સંદર્ભમાં તેણે રૂ. ૧૧૦ કરોડની નવેસરથી મિલકતો ટાંચમાં લીધી છે. મની લોન્ડરિગનો કેસ ધિરાણકર્તા બેન્કોની ફરિયાદો પછી પોલીસે દાખલ કરેલી એફઆઇઆરના આધારે દાખલ કરવામાં આવ્યો છે, બેંકોએ આક્ષેપ કર્યો છે કે કર્વી ગ્રુપે તેના અસીલોના રૂ. ૨૮૦૦ કરોડ જેટલી કિંમતના શેરો ગેરકાયદે રીતે ગીરવે મૂકીને મોટી રકમના ધિરાણો લીધા હતા અને એનએસઇ અને સેબીના આદેશો મુજબ અસીલોની આ જામીનગીરીઓ છૂટી કરી દેવાયા બાદ આ ધિરાણો નોન પર્ફોમિંગ એસેટ(એનપીએ)માં ફેરવાઇ ગયા હતા. ગુનામાંથી ઉપજેલી રકમ છટકી જાય તે સ્થિતિ અટકાવવા માટે ઇડીએ કુલ રૂ. ૧૧૦.૭૦ કરોડની ચલ સંપત્તિ જુદી તારવીને ટાંચમાં લીધી છે એ મુજબ તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ હાલના આદેશ સાથે આ કેસમાં ઇડી દ્વારા ટાંચમાં લેવામાં આવેલી કુલ મિલકતો રૂ. ૨૦૯પ કરોડ જેટલી થઇ છે.

કેએસબીએલ દેશના અગ્રણી શેર દલાલ કંપનીઓમાંની એક છે અને તેના લાખો ગ્રાહકો છે. આ કૌભાંડ ૨૦૧૯માં એનએસઇ દ્વારા કરવામાં આવેલ એક મર્યાદિત ઇન્સપેકશન પછી પ્રકાશમાં આવ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં ઇડીએ પાર્થસ્વામી, ગ્રુપ સીએફઓ જી. કૃષ્ણ હરીની ધરપકડ તેની તપાસના ભાગરૂપે કરી હતી. આ લોકો હાલ જામીન પર છૂટી ગયા છે. આ કેસમાં નાણાકીય વ્યવહારોનું એક ખૂબ ગુંચવાડાભર્યું જાળુ ઉભુ કરવામાં આવ્યું હતું એમ ઇડીએ જણાવ્યું છે.

Most Popular

To Top