અમદાવાદ,તા.10
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદ ઝોનલ ઓફિસે અમદાવાદમાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકા (USA)ના નાગરિકોને છેતરતી મોટા પાયે ગેરકાયદે કોલ સેન્ટર પ્રવૃત્તિઓનો આ દરોડામાં પર્દાફાશ થયો છે.
સર્ચ દરમિયાન મુખ્ય આરોપી આકિબ ઘાંચીના કબજામાંથી અંદાજે USD 12,000 જેટલી ક્રિપ્ટોકરન્સી મળી આવી, જેને EDના અધિકૃત ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર કરીને જપ્ત કરવામાં આવી છે. આ સાથે રૂ. 13.5 લાખની બિનહિસાબી રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. તપાસ દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ અને સંવેદનશીલ ડેટા પણ મળી આવ્યા છે, જે કોલ સેન્ટર ફ્રોડ નેટવર્કના નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના પુરાવા પૂરાં પાડે છે.
આ ઉપરાંત, આરોપી તથા તેની સંકળાયેલી સંસ્થાઓના 31 બેંક ખાતાં અને એક બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યા છે. સાયબરાબાદ પોલીસ અને સીબીઆઈ, નવી દિલ્હી દ્વારા નોંધાયેલી FIRના આધારે શરૂ થયેલી ઈડીની દરોડાની કાર્યવાહીમાં તથા તપાસમાં ખુલાસો થયો કે એક જ ગેંગ અલગ-અલગ લોકેશન પરથી કોલ સેન્ટરો ચલાવતી હતી. આરોપી મોહમ્મદ અન્સારી ઉર્ફે મોહમ્મદ ઇરફાન અન્સારી, અકીબ ગુલામરસૂલ ઘાંચી, વિકાસ કે. નિમાર, દિવ્યાંગ રાવલ અને પ્રદીપ વી. રાઠોડ તથા તેમના સાગરીતો દ્વારા આ કોલ સેન્ટર સંચાલિત કરવામાં આવતું હતું.
આ રીતે વિદેશી નાગરિકોને ઠગવામાં આવતા હતા
- અધિકારીઓના નામે કોલ કરવામાં આવતા હતા
- લોન-ટેક્સ બાકી હોવાનું ભય બતાવવામાં આવતો હતો
— પીડિતોને ગિફ્ટકાર્ડ ખરીદવા દબાણ કરવામાં આવતું હતું
— ડિજિટલ પેમેન્ટ માટે મજબૂર કરવામાં આવતા હતા કરવા મજબૂર કરતા
— મેળવેલી રકમ Paxful જેવી ઓનલાઈન પ્લેટફોર્મ પર બિટકોઇન સહિત ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાતી
— વિદેશી નાગરિકોની મદદથી ક્રિપ્ટોનું કન્વર્ઝન-લિક્વિડેશન કરવામાં આવતું - –મોટાભાગની રકમ હવાલા તથા બ્લેક માર્કેટ મારફતે એન્કૅશ થતી હતી.
આ મહત્વના દસ્તાવેજ મળી આવ્યા
- વાંધાજનક દસ્તાવેજો
- ડિજિટલ ડિવાઇસ જપ્ત
- ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન
- વિદેશી લિંક્સ