નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ આ દરોડા દિલ્હીની વિવાદાસ્પદ લિકર પોલિસીમાં થયેલા કૌભાંડને લઈને પાડ્યા હોવાની વિગતો સાંપડી છે. કલાકો સુધી પૂછપરછ બાદ સાંજે સંજય સિંહની ઈડી દ્વારા ધરપકડ કરી લેવાઈ હતી. સંજય સિંહનું નામ દારૂ કૌભાંડની ચાર્જશીટમાં પણ હતું. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
સંજય સિંહ તાઈવાન જવા રવાના થવાના હતા. તે પહેલાં જ દરોડા પાડવામાં આવ્યા છે. સંજય સિંહ મહિલા સશક્તિકરણ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે તાઈવાન જવાના હતા. પરંતુ સરકારે તેમને રાજકીય મંજૂરી આપી ન હતી, તેથી તેઓ ઉડી શક્યા ન હતા.
સંજય સિંહ સામે ચાર્જશીટમાં શું છે આરોપ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચાર્જશીટમાં સંજય સિંહ પર આરોપ લગાવ્યો હતો કે દારૂ કૌભાંડના આરોપી બિઝનેસમેન દિનેશ અરોરા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠકમાં સંજય સિંહ પણ હાજર હતા. ઈડી સમક્ષ દિનેશ અરોરાએ આપેલા નિવેદન મુજબ તેઓ સૌપ્રથમ સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યા હતા. ત્યાર બાદ તે મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યો હતો.
ચાર્જશીટ અનુસાર સંજય સિંહના કહેવા પર દિનેશ અરોરાએ દિલ્હીમાં આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે ઘણા રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી. એટલું જ નહીં તેણે સિસોદિયાને 32 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. EDએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સંજય સિંહે દિનેશ અરોરાનો એક કેસ ઉકેલ્યો હતો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા
દિલ્હી બીજેપી આજે સીએમ અરવિંદ કેજરીવાલ સામે વિરોધ પ્રદર્શન કરશે. બીજેપી દ્વારા દિલ્હી ITO ચોક પર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ભાજપ કેજરીવાલના રાજીનામાની માંગ કરશે. બીજેપી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે દારૂ કૌભાંડના કિંગપીન કેજરીવાલનો સાથી સરકારી સાક્ષી બન્યો છે. કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ.