National

કોલ્ડ પ્લે અને દિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટોના વેચાણના મામલામાં EDના 5 રાજ્યોમાં દરોડા

નવી દિલ્હીઃ કોલ્ડપ્લે અને દિલજીત દોસાંજના ડિલુમિનેટી કોન્સર્ટની ટિકિટોના ગેરકાયદે વેચાણના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી, મુંબઈ, જયપુર, ચંદીગઢ, બેંગ્લોરમાં દરોડા પાડ્યા છે. દિલજીત દોસાંજના શોનું નામ છે ‘દિલુમિનાટી’ અને કોલ્ડપ્લેના શોનું નામ છે ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’.

બંને કોન્સર્ટના મુખ્ય સત્તાવાર ટિકિટિંગ ભાગીદારો બુક માય શો (Bookmyshow) અને ઝોમેટો લાઈવ (Zomato Live) એ અહેવાલ આપ્યો છે કે તેમના પ્લેટફોર્મ પરની તમામ ટિકિટો થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ હતી. જેના કારણે ટિકિટનું બ્લેક માર્કેટિંગ શરૂ થયું હતું. 

ટિકિટના ઝડપી વેચાણ બાદ નકલી ટિકિટના વેચાણ દ્વારા છેતરપિંડીની અનેક ફરિયાદો સામે આવી રહી છે. ઘણા લોકોએ શોધી કાઢ્યું હતું કે તેઓને નકલી ટિકિટો વેચવામાં આવી હતી અથવા કાયદેસર ટિકિટો માટે તેમની પાસેથી વધુ પડતી રકમ વસૂલવામાં આવી હતી. આ અંગે ઘણા રાજ્યોમાં ઘણી એફઆઈઆર નોંધવામાં આવી છે. બુક માય શો એ ઘણા શકમંદો વિરુદ્ધ FIR પણ દાખલ કરી છે. 

ઈડીએ મની લોન્ડરિંગ હેઠળ કેસની તપાસ શરૂ કરી છે. ગઈ તા. 25 ઓક્ટોબરે 5 રાજ્યો દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગલુરુ અને ચંદીગઢમાં 13 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મોબાઈલ ફોન, લેપટોપ, સીમકાર્ડ જેવી ઘણી વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

આ કાર્યવાહીનો ઉદ્દેશ્ય ટિકિટોના ગેરકાયદે વેચાણ અને આ કૌભાંડમાં સામેલ નાણાકીય નેટવર્કની તપાસ કરવાનો અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી કમાયેલા ગુનાની આવકને શોધી કાઢવાનો હતો. EDની તપાસમાં સામે આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને નકલી ટિકિટ વેચવામાં આવી રહી હતી.

ફેડરલ એજન્સીએ કહ્યું કે ટિકિટ સામાન્ય રીતે ઝોમેટો, બુકમાયશો અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. પરંતુ જ્યારે ડિમાન્ડ વધારે હોય છે ત્યારે આ ટિકિટો ઝડપથી વેચાઈ જાય છે, જેના કારણે લોકોને વૈકલ્પિક સ્ત્રોતો શોધવાની ફરજ પડે છે.

ઇડી દ્વારા કરવામાં આવેલા દરોડા અને તપાસમાં એવા ઘણા લોકોની ઓળખ કરવામાં આવી જેઓ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા દ્વારા આવી ટિકિટો વેચવા માટે જાણીતા છે. આમાં નકલી ટિકિટોનો પણ સમાવેશ થાય છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ટિકિટ વેચાણ કૌભાંડમાં વપરાયેલા મોબાઇલ ફોન, લેપટોપ, સિમ કાર્ડ વગેરે જેવી ઘણી સામગ્રી જપ્ત કરવામાં આવી છે જે ગુના સાબિત કરે છે.

Most Popular

To Top