સુરત : ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે અન્ન નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ (International Year of Millets) જાહેર કર્યું છે. પ્રધાનમંત્રીનું વિઝન અને પહેલને કારણે જ સંયુક્ત રાષ્ટ્રનો આ ઠરાવ દુનિયાભરના 70થી વધારે દેશોનાં સમર્થનથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે FSSAI પશ્ચિમ ક્ષેત્ર દ્વારા 23મી જુલાઈએ સવારે 10 વાગે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઈટ રાઈટ મિલેટ્સ મેળાનું (Eat Right Millets Fair) યોજવામાં આવશે.
ઈટ રાઈટ મિલેટ્સ મેળાનું ઉદ્દઘાટન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ઈટ રાઈટ મિલેટ્સ મેળાનું ઉદ્દઘાટન રાજ્યાના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) હસ્તે કરવામાં આવશે. આ સાથે FSSAIના પશ્વિમ વિભાગના પ્રાદેશિક નિયામક પ્રિતી ચૌધરી, જિલ્લા કલેક્ટર આયુષ ઓકે પણ ઉપસ્થિત રેહશે.
સવારે આયોજીત વોકથૉન દોડને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પ્રસ્થાન કરાવશે
આગામી 23મીએ સવારે 6 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એમ્ફી થિયેટર ખાતે આયોજીત વોકથૉન દોડને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પ્રસ્થાન કરાવશે. મિલેટ્સ આધારિત ફૂડ સ્ટોલ લગાવવામાં આવશે. આ સાથે બાજરી આધારિત સ્પર્ધાઓ પણ થશે. જેમાં પોસ્ટર મેકિંગ, સ્લોગન લેખન, બાજરી આધારિત રેસિપી, રંગોળી બનાવવી, સ્વસ્થ સાપ અને સીડીનો સમાવેશ થશે.
યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
આ કાર્યક્રમ સવારથી શરૂ થશે જે બાદ સાંજે 4:30 વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઈનામ વિતરણ તથા સમાપન સમારોહ યોજાશે. આ સાથે મેળાની મુલાકાત લઈને શહેરીજનોને મિલેટ્સ ખરીદવા તથા વિવિધ મિલે્ટસના વ્યંજનોનો સ્વાદ માણવા FSSAI દ્વારા અનુરોધ કરાવામાં આવ્યો છે.