Columns

સરળ સમજણ: જો આપણાં કોઈ પણ કામથી બીજાના મુખ પર હાસ્ય આવે અને તે ખુશ થાય તો એ પુણ્ય

એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે કથામાં નિકુંજે સાંભળ્યું, પાપ કરો તો ભગવાન સજા આપે અને પુણ્ય કરો તો ભગવાન ઇનામ આપે…… કથાકારે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય તે શાસ્ત્રના ઉદાહરણ અને શ્લોકના માધ્યમથી સમજાવ્યું પણ તેમાં નાનકડા નિકુંજને કઈ રીતે સમજ પડે?

નિકુંજે ઘરે જઈને મમ્મીને તરત પૂછ્યું, ‘મમ્મી પાપ એટલે શું અને પુણ્ય એટલે શું?’ મમ્મીએ કહ્યું, ‘કેમ, આ સવાલ તારા મનમાં આવ્યો?’ કથાની વાત કરતા નિકુંજ બોલ્યો, ‘મમ્મી કથામાં જે અંકલ બોલે છે તેમણે કહ્યું કે પાપ કરીએ તો ભગવાન સજા કરે અને પુણ્ય કરીએ તો ભગવાન ઇનામ આપે.મમ્મી મારે સજા નથી જોઈતી અને મને ઇનામ મળે તો તું ખૂબ રાજી થાય છે એટલે મારે ભગવાન પાસેથી ઇનામ જોઈએ છે.પણ મને ખબર જ નથી કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય?’મમ્મીએ કહ્યું, ‘ચાલ, હમણાં જમી લઈએ પછી તને સમજાવીશ.’

મમ્મી વિચારમાં પડી કે  નાનકડા નિકુંજને આ પાપ અને પુણ્યની અઘરી સમજ કઈ રીતે આપવી.વિચાર્યા બાદ રાત્રે મમ્મીએ નિકુંજને કહ્યું, ‘દીકરા, તું સોસાયટીમાં રખડતા કૂતરાને બિસ્કીટ ખવડાવે છે ..કે બિલાડીના બચ્ચાને દૂધ પીવડાવે છે તે સારું કામ છે. તેને પુણ્ય કહેવાય.પણ જો તું કૂતરાને પથ્થર મારે.બિલાડીના બચ્ચાને નાના ડબ્બામાં પૂરી દે તો આ કામથી તેમના જીવને તકલીફ થાય. આ ખરાબ કામને પાપ કહેવાય.તું શાળામાં જાય અને તારો મિત્ર ટીફીન ન લાવ્યો હોય કે ભૂલી ગયો હોય.

તેને તારા ટીફીન બોક્સમાંથી જમાડે …કે તારી સાથે ભણતા પ્યુનના દીકરા સાથે મિત્રતા કરે..કે ગરીબ દોસ્તને એક પેન્સિલ પ્રેમથી ગીફ્ટ આપે. આ બધાં કામ સારાં છે, તે પુણ્ય છે.પણ જો તું બીજા મિત્રની ગરીબીની મજાક ઉડાડે.કોઈનું અપમાન કરે તો તે પાપ છે.’

મમ્મીની વાત સાંભળી નિકુંજ બધું સમજી ગયો હોય તેમ ઉત્સાહથી બોલ્યો, ‘અરે વાહ મમ્મી, પાપ પુણ્ય શું તે મને ક્થામાં નહોતું સમજાયું, પણ તારી સમજાવટ પછી તરત સમજાઈ ગયું કે જો આપણાં કોઈ પણ કામથી બીજાના મુખ પર હાસ્ય આવે તે ખુશ થાય તે પુણ્ય અને  આપણા વર્તન અને કાર્યથી કોઈની આંખોમાં આંસુ આવે કે કોઈ દુઃખી થાય તે પાપ…..મમ્મી, હું ચોક્કસ એવાં કામ કરીશ કે બીજાના મુખ પર હાસ્ય આવે અને ભગવાન મને ઇનામ આપે.’નિકુંજનો જવાબ સાંભળી મમ્મીએ તેને ગળે લગાડી લીધો.   

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top