જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આજે મંગળવારે તા. 14 જૂનના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે. આ ભૂકંપ બપોરે 1.5 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું. હાલમાં રાહતની વાત એ છે કે આ ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેના આંચકા જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હતા.
ગયા મહિને પણ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો
તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ કાશ્મીરથી તઝાકિસ્તાનના પટ્ટા પર ભૂકંપ આવ્યો હતો. ત્યારે પણ રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. તે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પણ તાજિકિસ્તાન જ હોવાનું સિસ્મોમીટર પર નોંધાયું હતું. 5મી મેના રોજ સવારે 5.35 કલાકે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. કોઈ જાનમાલની નુકસાની થઈ નહોતી. નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી તઝાકિસ્તાનના પેટાળમાં 170 કિ.મી. ઊંડે ભૂકંપની ગતિવિધિઓ મશીન પર જોવા મળી રહી છે. આ પહેલાં એપ્રિલમાં પણ જમ્મુકાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લાં બે-ત્રણ મહિનાથી અવારનવાર ધરતીકંપ થઈ રહ્યો હોય જમ્મુ કાશ્મીરના લોકોમાં ભય વ્યાપી ગયો છે.
ભૂકંપ શા માટે આવે છે?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે દબાણ વધવાનું શરૂ થાય છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. તેમના ભંગાણને કારણે, અંદરની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. આ વિક્ષેપ પછી ભૂકંપ આવે છે. રિક્ટર સ્કેલ પર 7.0 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ સાધારણ જોખમી માનવામાં આવે છે. આ સ્કેલ પર 2 કે તેથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપને સૂક્ષ્મ ભૂકંપ કહેવાય છે, જે મોટે ભાગે અનુભવાતો નથી. 4.5ની તીવ્રતાનો ભૂકંપ ઘરોને નુકસાન પહોંચાડી શકે છે.