World

જાપાન બાદ અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં બે વાર ધરતી ધ્રુજી, આટલી હતી તીવ્રતા

નવી દિલ્હી: જાપાન (Japan) અને મ્યાનમાર (Myanmar) બાદ હવે અફઘાનિસ્તાનમાં (Afghanistan) પણ માત્ર 30 જ મિનિટમાં બે વાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર 4.4 માપવામાં આવી હતી. જ્યારે બીજા ભૂકંપની (Earthquake) તીવ્રતા 4.8 હતી.

પહેલો ભૂકંપ મોડી રાત્રે 12:28 મિનિટ અને 52 સેકન્ડે આવ્યો હતો. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 80 કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના 126 પૂર્વમાં હતું.

જ્યારે બીજો ભૂકંપ 12:55 મિનિટ 55 સેકન્ડે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી 100 કિલોમીટરના અંતરે હતું.જો કે અફઘાનિસ્તાનમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે જાણવા મળ્યું નથી.

અગાઉ પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અફઘાનિસ્તાનમાં એક દિવસમાં પાંચ વખત ભૂકંપ આવ્યો હતો. જેમાં 15 લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાન ઉચ્ચપ્રદેશ પર આવેલું છે. જેથી ત્યાં વારંવાર ભૂકંપ આવતા રહે છે. તેમજ ત્યાં વધુ ગરીબીને કારણે લોકો માટીના મકાનોમાં રહે છે. જે ભૂકંપના કારણે ઝડપથી તૂટી જાય છે.

મણિપુરમાં પણ મોડી રાત્રે ભૂકંપ આવ્યો હતો
થોડા સમય પહેલા જ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય મણિપુરમાં ધરતી ધ્રુજી હતી. આ ભૂકંપ મોડી રાત્રે 12:01 મિનિટ અને 36 સેકન્ડે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 35 કિમી ઊંડે હતું અને સ્થાન ઉખરુલ શહેરથી લગભગ 26 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું.

જાપાનમાં પણ ભૂકંપ અનુભવાયો હતો
પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. ભૂકંપ આવતાની સાથે જ ત્સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. ત્સુનામી ચેતવણીને પગલે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું.

રિપોર્ટ અનુસાર નવા વર્ષના દિવસે ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા હતા. ઇશિકાવા, નીગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચર્સને ઇશિકાવાના નોટો પેનિનસુલા પર 1.2 મીટરથી વધુ ઊંચા મોજાં વાજિમા બંદરે પહોંચ્યા બાદ ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ત્યાર બાદ દરિયાકાંઠાના વિસ્તારોને ઝડપથી ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી.

Most Popular

To Top