ડાકોરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ડાકોરમાં આવેલ કન્યાશાળા ખાતેના મતદાન મથકમાં મતદારો મોબાઈલ લઈને પ્રવેશ ન કરે તે માટે ગેટ પાસે જ બે પોલીસ જવાનો ચાંપતી નજર રાખી રહ્યાં હતાં. જોકે, બીજી બાજુ ઉમેદવારના કેટલાક સમર્થકો તેમજ ચુંટણી સ્ટાફ બિંદાસપણે મતદાન મથકમાં મોબાઈલ લઈને અવરજવર કરતાં હતાં. જેને પગલે એક મતદારે વાંધો ઉઠાવતાં મહિલા પોલીસ જવાન સાથે તૂતૂ મેંમેં થઇ હતી.
બાલાસિનોરના બાદરપુરા ગામના વિકલાંગ મિતેશભાઈએ મતદાન કર્યાં
બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના બાદરપુરા ગામના વિકલાંગ મિતેશભાઈ સોલંકી ગામના સખી મતદાન મથક હાંડીયા (બાલાસિનોર) ખાતે પહોંચી મતદાન કર્યું હતું. લોકશાહીનાં આ મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા બદલ ગૌરવ અનુભવતા મિતેશભાઈ જણાવે છે કે, આ મારુ પહેલું મતદાન છે અને તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનાથી હું ખૂબ જ ખુશ છું અને મને એ જાણીને ખુશી થાય છે કે તંત્ર દ્વારા અમારા જેવો લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની તકેદારી રાખવામાં આવી છે. આ સાથે તેમણે સૌએ અચૂક મતદાન કરવું જ જોઇએ તેવી અપીલ કરી હતી.
રાઠવા બેટ પર 712 મતદાર માટે ખાસ સુવિધા ઉભી કરાઇ
મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે અને તેઓને મત આપવા માટે દુર જવું ન પડે. ચૂંટણી કામગીરી સોંપાયેલ જિલ્લાનો તમામ સ્ટાફ બોટ દ્વારા આ બેટ સુધી પહોંચ્યો અને મતદાન માટે જરુરી તમામ સામગ્રી બોટ મારફતે સુરક્ષા સાથે પહોંચાડવામાં આવી હતી બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે. જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. આ બેટની ભૌગોલિક સ્થિતી એવી છે કે, ત્યાં જવા માટે કોઈ રોડ કે રસ્તો બનાવી શકાય તેમ નથી. અહીં જવા માટે માત્ર એક જ ઉપાય જળમાર્ગ છે, જેમાંથી બોટના સહારે સામાન્ય સ્થિતીમાં અવર જવર કરી શકાય. મતદાન મથક માટે તેની ભૌતિક અને ભૌગોલિક વિશિષ્ટતા અને અંતરને ધ્યાનમાં રાખીને અલાયદો માર્ગ નક્કી કરવામાં આવેલ છે.
ડાકોરમાં મતદાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ડાકોરમાં આવેલ કન્યાશાળા ખાતેના મતદાન મથકમાં મતદારો મોબાઈલ લઈને પ્રવેશ ન કરે તે માટે ગેટ પાસે જ બે પોલીસ જવાનો ચાંપતી નજર રાખી રહ્યાં હતાં. જોકે, બીજી બાજુ ઉમેદવારના કેટલાક સમર્થકો તેમજ ચુંટણી સ્ટાફ બિંદાસપણે મતદાન મથકમાં મોબાઈલ લઈને અવરજવર કરતાં હતાં. જેને પગલે એક મતદારે વાંધો ઉઠાવતાં મહિલા પોલીસ જવાન સાથે તૂતૂ મેંમેં થઇ હતી.
માતરમાં ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવારને તેમજ ઠાસરામાં ભાજપના ઉમેદવારને મત આપતો ફોટો વાઈરલ
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમછતાં પોલીસતંત્રની ફરજમાં બેદરકારીને કારણે અનેક મતદારો મોબાઈલ લઈને મતદાન મથકમાં સરળતાથી પ્રવેશ કરતાં હતાં. જે પૈકી કેટલાક મતદારોએ તો મત આપ્યાંનો ઈ.વી.એમનો ફોટો પણ પાડી સોશ્યલ મિડીયામાં વાઈરલ કર્યો હતો. જેમાં એક મતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્તને ચકમો આપી, માતર વિધાનસભાના એક મતદાનમથકમાં જઈ ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર તોગાભાઈને મત આપ્યો હોવાનું દર્શાવતો ઈ.વી.એમ અને વીવીપેટ મશીનનો ફોટો પાડ્યો હતો. તો વળી બીજી બાજુ એક મતદારે ઠાસરા વિધાનસભાના ભાજપના ઉમેદવાર યોગન્દ્રસિંહ પરમારને મત આપ્યો હોવાનું દર્શાવતો ઈ.વી.એમનો ફોટો પાડ્યો હતો. જોતજોતામાં આ બંને ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થઈ જતાં લોકોએ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યાં હતાં. ત્યારે આ બંને ફોટા ક્યાં મતદાન મથકમાંથી પાડવામાં આવ્યાં છે અને કોને પાડ્યાં છે તે તપાસનો વિષય બન્યો છે.
82 વર્ષીય ત્રિભુવનભાઈ પટેલે મતદાન કર્યું
સરદાર પટેલની ભૂમિ એવા કરમસદના 82 વર્ષીય વરિષ્ઠ મતદાર ત્રિભુવનભાઈ પટેલ કરમસદ ખાતે આવેલા મતદાન મથક ઉપર મતદાન કરવા પહોંચ્યાં હતાં. કરમસદની પંચવટી પ્રાથમિક શાળાના બૂથ નંબર 226 ખાતેથી મતદાન કરી બહાર આવતા ત્રિભુવનભાઈ તેમના સંસ્મરણોને વાગોળતા ઉત્સાહપૂર્વક જણાવે છે કે, મારો જન્મ 1940 માં થયો અને ત્યાર પછી દેશને આઝાદી મળી ત્યારે મારી ઉંમર માત્ર સાત વર્ષની હતી. હું થોડું થોડું દોડી શકતો હતો. પરંતુ આજે મારી ઉંમર 82 વર્ષ થઈ છે, તેમ છતાં મતદાન કરવાની મારી ફરજ નિભાવવા મારી ઉંમર હોવાને કારણે હું મતદાન કરવા ધીરે ધીરે ચાલીને આવ્યો છું. મતદાન કરવાનો અધિકાર મળ્યો ત્યારથી આજ દિવસ સુધી હું ક્યારેય મતદાન કરવાનું ચૂક્યો નથી. પ્રથમ કલાકમાં જ મતદાન કરવા પહોંચેલા વરિષ્ઠ મતદાર એવા ત્રિભુવનભાઈ જ્યારે મતદાન મથકે પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સુરક્ષા કર્મી ત્રિભુવનભાઈનો હાથ પકડી તેમને મતદાન મથક સુધી દોરી ગયા હતા.
દિવ્યાંગ દંપતિએ અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું
પેટલાદના રંગાઈપુરા ગામમાં આવેલા મતદાન મથક ખાતે ગામના દિવ્યાંગ દંપતી લીલાબેન અને નાનુભાઈ સોલંકીએ રંગાઈપુરા સ્થિત દિવ્યાંગ અધિકારીઓ સંચાલિત મતદાન મથક ખાતે પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન બાદ આ દિવ્યાંગ દંપતીએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મતદાન એ ફક્ત આપણો અધિકાર જ નહીં. પરંતુ આપણી ફરજ પણ છે. અમે દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરીને અમારી ફરજ બજાવીએ છીએ. આ દંપતી પૈકી લીલાબેન પોતે 100 ટકા દિવ્યાંગતા ધરાવતા હોવાથી તેઓ તેમના ઈલેકટ્રીક ટ્રાઈસીકલ ઉપર ખાસ મત આપવા પહોંચ્યા હતા. જયારે તેમના પતિને એક પગ ન હોવા છતાં પણ તેઓ ઘોડીના સહારે મતદાન મથકે પહોંચીને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બાલાસિનોરના હાંડિયા ગામે યુવા મતદારોએ પહેલી વખત મતદાન કર્યું
મહીસાગર જિલ્લાના સખી મતદાન મથક હાંડીયા (બાલાસિનોર) ખાતે યુવા મતદાર નેહાબેન મહેરા અને સંધ્યાબેન મહેરાએ પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ બાબતે નેહાબેન મહેરાએ જણાવ્યું હતું કે, મને ખૂશી છે કે, 18 વર્ષ પુરા થતા આજે મતદાન કરવાનો અવસર મળ્યો હતો મતદાન આપણા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે, જેથી અવશ્યપણે મતદાન કરવું જોઈએ.
ખાનપુરના માહિરખાન પઠાણ બગી લઇ મતદાન કરવા પહોંચ્યાં
લુણાવાડા વિધાનસભા બેઠક પરના તમામ બુથ પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વહેલી સવારથી મતદાનની શરુઆત કરવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા વચ્ચે એક જોગાનુજોગ એક ઘટના સામે આવી હતી, જેમાં ખાનપુરના માહિરખાન પઠાણ નામના યુવકના આજે લગ્ન હતાં. જેથી યુવક અને તેના પરિવાર માટે આજે એક સાથે બે પ્રસંગો ઉજવવાનો લ્હાવો મળ્યો હતો. જેથી યુવકે પહેલા મતદાન અને પછી લગ્ન માટે જવાનો નિર્ણય કર્યો હતો. વરરાજા બેન્ડવાજા સાથે બગીમાં બેસીને જાન લઈ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ પરણવા નિકળ્યા હતા.
આણંદના 93 વર્ષના કમળાબેન વોકરના સહારે મતદાન મથકે પહોંચ્યા
આણંદ શહેરની લો કોલેજ ખાતેના મતદાન મથકમાં 80 ફૂટના રોડ પર રહેતા 93 વર્ષીય કમળાબેન અંબુભાઇ પટેલ કોઇના પણ સહારા વિના માત્ર વોકરના સહારે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે આવી પહોંચીને મતદાન કર્યું હતું. મતદાન બાદ મતદાન મથકની બહાર આવીને આંગળી ઉપર લગાવવામાં આવેલા અવિલોપ્ય શાહિનું નિશાન દર્શાવીને પોતે મતદાન કર્યું છે. તેમ જણાવી અન્યોને માટે પ્રેરણારૂપ બન્યા હતા. કમળાબેન જયારે મતદાન કરીને મતદાન મથકની બહાર આવ્યા ત્યારે તેમના મુખ ઉપર મતદાન કર્યાનો આનંદ જોવા મળી રહ્યો હતો.
બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ પણ એમ્બ્યુલન્સમાં મતદાન મથકે પહોંચ્યાં
આણંદ જૈન સંઘના પ્રમુખ રમેશભાઇ શાહ કે જેઓને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેઓને વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગત દિવસોમાં તેમની બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. બ્રેઇન સર્જરી કરાવ્યાને હજુ તો માંડ 48 કલાક થયા છે, તેમ છતાં પણ મજબૂત મનોબળ ધરાવતા રમેશભાઈએ મતદાન હોવાથી તબીબોને મતદાન કરવા આણંદ ખાતે જવાનું જણાવતાં તબીબોએ પણ તેમની આ વાતને ગ્રાહ્ય રાખીને તેમને મતદાન કરવા જવા માટે તબીબની ટીમ સાથે એમ્બ્યુલન્સ વાનમાં તેમના વતન આણંદ ખાતે લાવવામાં આવ્યા હતા. આ એમ્બ્યુલન્સ વાન આણંદ ખાતે જયાં તેમને મતદાન કરવાનું હતુ તે અંબાલાલ બાલશાળા ખાતેના મતદાન મથકે લઈ જવામાં આવી હતી. મતદાન સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ વાનમાંથી રમેશભાઇને તબીબની ટીમની દેખરેખ મતદાન માટે લઇ ગયાં હતાં.
પેટલાદના કિન્નર સમાજ દ્વારા મતદાન
પેટલાદ ખાતે કિન્નર સમાજના લોકોનો અખાડો આવેલો છે. પેટલાદ ખાતે આવેલા શ્રી દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરની સાથે કિન્નર સમાજના 100થી વધુ લોકોએ લોકશાહીના આ પર્વને વધાવવા એક સાથે મતદાન મથકે પહોંચી તેમના મતદાન થકી લોકશાહીના અવસરને પોંખ્યો હતો. મતદાન બાદ દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરે જણાવ્યું હતું કે, અમારા કિન્નર સમાજે મત આપીને અમારી ફરજ બજાવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
પેટલાદના ઝંડાબજાર ઉર્દુ પ્રાથમિક શાળા બૂથ ખાતે એક રીક્ષામાં વયોવૃદ્ધ મહિલા આવી પહોચ્યા હતા. જેઓ ચાલી શકે તેવી સ્થિતીમાં ન હતા. જેથી ત્યા હાજર પેટલાદ ટાઉન પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટે વૃદ્ધ મહિલાને જાતે ઉચકી મતદાન મથક લઈ ગયા હતા. મતદાન પૂર્ણ કર્યા બાદ તેઓને પરત રીક્ષામાં બેસાડી દીધા હતા.
આણંદમાં યુવા IPSની તાલીમ
કેન્દ્ર સરકાર દ્વારા આઈપીએસ અધિકારી તરીકે પસંદગી થઈ હતી. ત્યારબાદ તેઓની ટ્રેનિંગ શરૂ થઈ હતી. ટ્રેનિંગ દરમિયાન આ બન્ને આઈપીએસ અધિકારીને ચૂંટણીની કામગીરી સમજવા, માર્ગદર્શન મેળવવા તથા પોલીસની જવાબદારી સંદર્ભે તાલીમ માટે પેટલાદ ખાતે મોકલી આપ્યા હતા. જેઓને સઘળી માહિતીથી પીઆઈ કે ડી બ્રહ્મભટ્ટ વાકેફ કરી હતી.