ફાયર બ્રિગેડનું નામ આપણા કાન પર પડતાં જ આપણી આંખો સમક્ષ લાલ બંબાગાડી તરવરવા લાગે છે. આગ કે મકાન હોનારત વખતે બીજાની જિંદગી બચાવવાનું કામ ફાયર કર્મીઓ પોતાની જાનની પરવાહ કર્યા વગર કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ 150 વર્ષ પહેલાં સિટીમાં કોઈ જગ્યાએ આગ લાગે તો તેને બુઝાવવા બળદગાડાનો ઉપયોગ થતો. તેમાં પાણીના પીપ ભરીને રાખવામાં આવતા અને આગનો કોલ મળતા ત્યાં બદળગાડું લઈ જઈ તે પીપના પાણીથી આગ બુઝાવવામાં આવતી. 1905માં ઘોડાઓનો ઉપયોગ થવા લાગ્યો તેમને ફાયર એન્જીન સાથે જોડી આગ ઓલવાતી. તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે 1966 સુધી ફાયર બ્રિગેડ પાસે 5 જ વાહન હતાં. અત્યારે અગ્નિશમન વિભાગ પાસે એક થી એક ચઢિયાતા આગ બુઝાવવાના સાધનો છે. 28 થી 30 માળ સુધી જતું ફાયર ફાઈટર, રોબોટ, સાંકળી ગલીઓમાં જઈ શકતી ફાયર બુલેટ. 150 વર્ષમાં જ અવનવા સાધનોથી ફાયર બ્રિગેડ કઈ રીતે સમૃદ્ધ બન્યું અને વિકાસ પામ્યું છે તે અહીં 14 એપ્રિલે નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે જાણીએ….
ઇંગ્લેન્ડથી મેળવેલું ‘મેરી વેધર’ ફાયર ફાઈટર 100 વર્ષનું થયું,
યાદગીરી તરીકે ચોપાટીમાં રખાયું છે
1924માં પહેલું ફાયર ફાયર ફાઈટર ‘મેરી વેધર’ સુરત સુધરાઈના સંચાલકોએ ઇંગ્લેન્ડથી મંગાવ્યું હતું. પહેલાંના સમયમાં ઊંચી ઊંચી ઇમારતો નહિ હતી એટલે આ ફાયર ફાઈટર એક માળ સુધી આગ બુઝાવવાની કામગીરી કરી શકતું. ચોપાટીમાં સાચવીને રાખવામાં આવેલું આ ફાયર ફાઈટર એન્જીન પેટ્રોલથી ચાલતું હતું. ઇમારતી લાકડા, પિત્તળ અને તાંબાથી બનેલા આ ફાયર ફાઈટરના ટાયરમાં ટ્યુબ તેમજ હવા નહીં પણ સોલિડ ટાયર છે તે વધુ દબાણથી આગ પર પાણી ફેંકવાની ક્ષમતા ધરાવતું હતું.
પહેલા ઘોડાગાડીનો ઉપયોગ થતો હવે 30 માળ સુધી આગ બુઝાવી શકે તેવા ફાયર એન્જીન સાથે 117 અદ્યતન સાધનો: ચીફ ફાયર ઓફિસર બસંત પારીક
1852માં સુરત સુધરાઈની સ્થાપના સાથે ફાયર બ્રિગેડ વિભાગ અસ્તિત્વમાં આવ્યો. તે સમયે આગની ઘટના વખતે બળદ ગાડામાં પાણી ભરેલા પીપ લઈ જવાતી. પછી સ્ટીમ એન્જીનને ઘોડા સાથે જોડી સ્થળ પર લઈ જતા અને ફાયર હાઈડ્રન્ટમાંથી પાણી મેળવી આગ ઓલવાતી. સમય સાથે ફાયર બ્રિગેડ અદ્યતન બનતું ગયું હવે 30 માળ સુધી ફાયર ફાઇટિંગ કરી શકે તેવા ફાયર એન્જીન સહિત 117 અદ્યતન સાધનો છે. અત્યારે 810 કર્મચારીઓ હોનારતો સમયે બચાવ કામગીરી કરી રહ્યાં છે. અદ્યતન બનેલા ફાયર બ્રિગેડ પાસે હવે ફોમ ટેન્ડર, વોટર ટેન્ડર, ડીસીપી ટેન્ડર, ઇમરજન્સી ટેન્ડર જેવા આધુનિક ફાયર ફાઈટર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ટર્ન ટેબલ લેડર, વોટર બાઉઝર વીથ બૂમ મોનીટર સહિતના અદ્યતન સાધનો છે.
U.S.A. થી મંગાવેલા થર્મલ કેમેરા આગના ધુમાડામાં ફસાયેલા વ્યક્તિને શોધી કાઢે છે
ફાયર બ્રિગેડ પાસે એવા 5 થર્મલ કેમેરા છે જેની મદદથી આગના ધુમાડામાં ફસાયેલા વ્યક્તિ દેખાય જાય છે. U.S.A.થી મંગાવેલા આ થર્મલ કેમેરા રૂમનું ટેમ્પરેચર ક્યાં વધારે છે અને ક્યાં ઓછું છે તે બતાવે છે. જ્યાં વધારે ટેમ્પરેચર હોય ત્યાં ફાયર વધારે હોવાનું સમજાય છે અને એને પગલે એવી જગ્યા પર વધારે પાણીનો મારો ચલાવવામાં આવે છે.
સૌથી પહેલા બન્યું મુગલીસરા ફાયર સ્ટેશન, હાલમાં છે 20 ફાયર સ્ટેશન
ચીફ ફાયર ઓફિસર બસંત પારીકે જણાવ્યું કે, 1926થી ફાયર સ્ટેશન બનવાની શરૂઆત થઈ. સૌથી પહેલું ફાયર સ્ટેશન મુગલીસરામાં બન્યું. તેમાં ત્રણ ફાયર ફાઈટર મુકવામાં આવ્યા હતાં. 1966ની સાલ સુધી ઘાંચી શેરી, નવસારી બજાર િવસ્તારોમાં જ ફાયર સ્ટેશન્સ હતા. ત્યારબાદ 1980થી 1997 સુધીમાં માનદરવાજા, મજુરા, મોરાભાગળ, કતારગામ, અડાજણ, પાંડેસરા ફાયર સ્ટેશન બન્યા. હાલમાં 20 ફાયર સ્ટેશન સુરત શહેરના લોકોની જાન, માલ-મિલકત આગ કે પછી અન્ય હોનારતોમાં બચાવવાની સરાહનીય કામગીરી કરે છે. શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા જે નવા ફાયર સ્ટેશનો અસ્તિત્વમાં આવ્યા તેમાં પાલનપોર, વેસુ, કોસાડ, ડભોલી, કાપોદ્રા, પુણા, સરથાણા, મોટાવરાછા, ડુંભાલ, ડીંડોલી, ભેસ્તાન, ઉધના ફાયર સ્ટેશનનો સમાવેશ થાય છે.
જર્મનીના સિલ્વર પ્રોક્સીમિટી સૂટ ફાયર મેનને આગમાં રાખે છે સુરક્ષિત
સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ પાસે 11 ફાયર સિલ્વર કલરના પ્રોક્સીમિટી સૂટ છે જે જર્મનીથી મંગાવવામાં આવ્યા છે. 500 ડીગ્રી જેટલું ટેમ્પરેચર હોય ત્યાં આ સૂટ યુઝ કરી શકાય છે. ફાયર મેન તે પહેરી આગમાં ફસાયેલાને રેસ્ક્યુ કરી શકે છે. 11 સૂટ 11 ફાયર સ્ટેશનને આપવામાં આવ્યા છે. એકની કિંમત લગભગ 2 લાખ રૂ. છે.