ગાંધીનગર: (Gandhinagar) પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં રાજય સરકારે (Gujarat Government) પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ ડિઝીટલી ઇ-ગેઝેટ (E-Gazette) સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. એટલું જ નહીં ઇ-ગેઝેટ ઈ-કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ હતું. વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે આ ડિઝીટલ–ઓનલાઇન ગેઝેટ વેબસાઇટ પર ઉપલબ્ધ થવાથી અંત આવશે. આના પરિણામે વાર્ષિક સરેરાશ અંદાજે ૩પ મેટ્રિક ટન પેપરની પણ બચત થવાની છે. કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. એટલું જ નહીં ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ હાલ વિભાગ પાસે ૩૦ વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવાની સૂચના આપી હતી. તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે. આના પરિણામે નાગરિકો, અરજદારો, સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ–સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે.
તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્ત સાગરખેડૂ-માછીમારો માટે રાજ્યના સરકાર દ્વ્રારા 105 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર
ગાંધીનગર: તાજેતરના તાઉતે વાવાઝોડાથી વ્યાપક અસર પામેલા સાગરખેડૂ-માછીમારો માટે રાજ્યના સરકારલ દ્વ્રારા ૧૦૫ કરોડ રૂપિયાનું રાહત પેકેજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. આ રાહત પેકેજના અમલીકરણ બાદ આજે રાજ્યભરના સાગરખેડૂ – માછીમારોએ ગાંધીનગરમાં વિજય રૂપાણીનું બહુમાન-અભિવાદન કર્યું હતું .
રૂપાણીએ કહ્યું હતું કે, સાગરખેડૂના કલ્યાણ માટેની યોજનાઓ અમલી બનાવવી, દરિયાકાંઠાના ગામોના વિકાસ કામો હાથ ધરવા, નવા બંદરો વિકસાવવા અને નવી જેટી બાંધવી જેવા કાર્યો થકી રાજ્ય સરકારે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને માછીમારોની હંમેશા દરકાર કરી છે. અખિલ ભારતીય ફિશરમેન એશોસિએશન, ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ વેલજીભાઈએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું કે, રાજ્ય સરકારની સમયસુચકતાને પરિણામે ૩૦૦૦ માછીમારો તાઉતે વાવાઝોડા પૂર્વે સાગરકીનારે હેમખેમ પરત ફર્યા હતા. સરકારની આયોજનબદ્ધ કામગીરીથી માત્ર એક જ મહિનામાં તમામ અસરગ્રસ્ત માછીમારોને સહાય ચુકવાઇ છે.