Gujarat

આગામી 48 કલાક દરમિયાન વરસાદની વકી, 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે

રાજ્યમાં ફરી છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં અમદાવાદ, રાજકોટ તથા કંડલા એરપોર્ટ ખાતે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર ખાતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની વકી રહેલી છે. આ બે દિવસ દરમિયાન પ્રતિ કલાકના 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે વીજળીના કડાકાભડાકા થવાની પણ સંભાવના રહેલી છે.
ગુરુવારે અમદાવાદ તથા ગાંધીનગરમાં શહેરીજનો તીવ્ર ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. બપોરે શહેરીજનોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી કચેરીના હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 43 ડિ.સે., ગાંધીનગરમાં 42.5 ડિ.સે., ડીસામાં 39 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિ.સે., વડોદરામાં 40 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 40 ડિ.સે., નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 36 ડિ.સે., કંડલા એરપોર્ટ 43 ડિ.સે., અમરેલી 41 ડિ.સે., ભાવનગરમાં 37 ડિ.સે., રાજકોટમાં 43 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top