જામનગર: રાજ્યમાં હાલ લમ્પી વાયરસે (Lumpy Virus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. જામનગર જિલ્લા કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લાના કલેક્ટરની (Collector) બેઠક (Meeting) યોજાઈ હતી. મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી ત્યારે શહેર કોંગ્રેસ (Congress) પ્રમુખ દિગુભા જાડેજાએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મવિલોપન (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
જામનગર જિલ્લા કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કેરોસીનનું ડબ્બો લઈ કલેક્ટર કચેરી ધસી ગયા હતા. તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. જ્યાં તેઓએ પોતાના શરીર પર કેરોસીન છાંટ્યું હતું, અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેમને બચાવી લીધા હતા. અને પોલીસે તેમની અટકાયત કરી હતી. સાથે મહમંત્રીની પણ અટકાયત કરી હતી. હાલ મુખ્યમંત્રીની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કરતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
ગાય માતાના હત્યારાઓ, ભગવાન તમને ક્યારે માફ નહીં કરે
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા જિલ્લા કલેક્ટર ખાતે કાર લઈને આવી પહોંચ્યા. ત્યાં તેમણે કારને સાઈડમાં ઉભી રાખીને તરત જ કેરોસિનનો ડબ્બો લઈ પોતાના શરીર પર છાંટવા લાગ્યા હતા. આ સાથે જ તે કહી રહ્યા હતા કે ‘ગાય માતાના હત્યારાઓ ભગવાન તમને ક્યારે માફ નહીં કરે. ’જો કે કલેક્ટર કચેરીની બહાર ભારે હોબાળો થતા લોકોના ટોળાં એકઠા થઈ ગયાં. ત્યાં હાજર પોલીસે દિગુભાને આત્મવિલોપન કરતા અટકાવ્યા હતા. અને ટીંગાટોળી કરી તેમને પોલીસ વાનમાં લઈ ગયા હતા.
રાજ્યમાં હાલ લમ્પી વાયરસના કારણે કેટલા પશુઓના મોત થઈ રહ્યા છે. લમ્પી વાયરસના કારણે રોજ પશુઓના મોતનો આંકડો વધતો જાય છે. તંત્ર દ્વારા પશુપાલોકને વારંવાર સાવચેત રહેવા સૂચનો અપાઈ રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ 38 હજાર 176 પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. જેમાંથી 11 હજાર 456 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે લમ્પી વાયરસના કારણે શહેર અને જિલ્લામાં 106 પશુઓના મોત નીપજ્યા છે. રાજ્યમાં કચ્છ, જામનગર અને સુરત જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયેલો છે.