Columns

કલમ ૩૭૦ની સુનાવણી દરમિયાન બંધારણના મૂળભૂત માળખા સામે સવાલ ઉઠાવાઈ રહ્યો છે

આશરે ચાર વર્ષના વિલંબ પછી ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી.આર. ગવઈ અને સૂર્યકાંતની બનેલી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનારી ૩૭૦મી કલમની નાબૂદીને પડકારતી ૨૦ થી વધુ અરજીઓની સુનાવણી કરવામાં આવી રહી છે. ૩૭૦મી કલમ સંબંધિત કેસોની સુનાવણીના ત્રીજા દિવસે સુપ્રીમ કોર્ટે અરજદાર સાંસદ મોહમ્મદ અકબર લોનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ઉગ્ર દલીલો જોઈ.

આ કાર્યવાહીમાં કલમ ૩૭૦નું અર્થઘટન, તેની સુધારણા અને કલમ ૩૭૦ અને કલમ ૩૬૮ વચ્ચેના સંબંધ સહિત વિવિધ કાનૂની ગૂંચવણો પર ચર્ચાઓ સામેલ હતી, જે સંસદને બંધારણના સુધારાની સત્તા આપે છે. આ કેસમાં ૩૭૦મી કલમની નાબૂદીની યોગ્યતા ચકાસવા ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રણ ટુકડા કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાના નિર્ણયની પણ સમીક્ષા કરવામાં આવશે.

કપિલ સિબ્બલે તેમની દલીલોના ત્રીજા અને છેલ્લા દિવસે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવેલાં તાજેતરના નિવેદનને રજૂ કર્યું, જેમાં બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતની અવધારણા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. રંજન ગોગોઈએ સોમવારે રાજ્યસભામાં એનસીટી સરકાર (સુધારા) બિલ, ૨૦૨૩નું સમર્થન કરતી વખતે ‘‘બંધારણનું મૂળભૂત માળખું’’સિદ્ધાંત માટે તેમની શંકા વ્યક્ત કરી હતી. તેમના પ્રથમ ભાષણમાં રંજન ગોગોઈએ કહ્યું કે મૂળભૂત માળખાના સિદ્ધાંતમાં જે ન્યાયશાસ્ત્ર છે તે શંકાસ્પદ છે. રંજન ગોગોઈના નિવેદન પછી કપિલ સિબ્બલ અને મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ વચ્ચે સંક્ષિપ્ત વાતચીત થઈ હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નિવૃત્ત ન્યાયાધીશોનાં મંતવ્યો કોર્ટ માટે બંધનકર્તા નથી. જો કે રંજન ગોગોઈના મંતવ્ય પરથી લાગે છે કે સરકાર મૂળભૂત માળખામાં ફેરફાર કરવા માગે છે.

કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે લોકશાહીમાં આવા બંધારણીય મુદ્દાઓને લોકોનો મત જાણ્યા વિના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા હલ કરવામાં આવતા નથી. તેમણે દલીલ કરી હતી કે “જમ્મુ અને કાશ્મીરની પ્રજાનો અવાજ ક્યાં છે? શું આપણે તેમને છેલ્લાં ચાર વર્ષમાં સાંભળ્યા છે? તમે એક્ઝિક્યુટિવ એક્ટ દ્વારા ૩૭૦મી કલમ દૂર કરો છો. તમે પ્રજાનાં મંતવ્યો પણ લેતાં નથી.

જુઓ બ્રેક્ઝિટમાં શું થયું? એક લોકમત યોજવામાં આવ્યો હતો.’’કપિલ સિબ્બલે કારોબારીની સત્તા અને સંસદીય દેખરેખ વચ્ચેના નાજુક સંતુલનને સમજાવવા તેમની દલીલોમાં યુરોપિયન યુનિયન છોડવાના યુ.કે.ના નિર્ણયનો દાખલો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે જવાબ આપ્યો હતો કે ‘‘બંધારણીય લોકશાહીમાં લોકોનો અભિપ્રાય સ્થાપિત સંસ્થાઓ દ્વારા મેળવવાનો હોય છે. તમે બંધારણીય લોકશાહીમાં બ્રેક્ઝિટ જેવી પરિસ્થિતિની કલ્પના કરી શકતા નથી.’’આ વિધાન દ્વારા મુખ્ય ન્યાયાધીશે જમ્મુ-કાશ્મીરમાં જનમત ન લેવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો.

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે જમ્મુ અને કાશ્મીરના પ્રથમ ચૂંટાયેલા વડા પ્રધાન શેખ મોહમ્મદ અબ્દુલ્લાના ભાષણનો સંદર્ભ આપ્યો હતો, જેમાં તેમણે ભારતની આર્થિક ક્ષમતાને કારણે જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ભારતના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કપિલ સિબ્બલે જેનો ઉલ્લેખ કર્યો હતો તે શેખ અબ્દુલ્લાના ભાષણની દૂરંદેશિતાની પ્રશંસા કરી હતી.

જ્યારે કપિલ સિબ્બલે ભાષણનો ચોક્કસ ભાગ વાંચ્યા વગર છોડી દીધો ત્યારે તેમણે દરમિયાનગીરી કરતાં કહ્યું હતું કે “રસપ્રદ રીતે જુઓ કે શેખ અબ્દુલ્લા તેને કેવી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે ‘પાકિસ્તાનની તરફેણમાં આગળ વધી શકાય તેવી સૌથી શક્તિશાળી દલીલ એ છે કે પાકિસ્તાન એક મુસ્લિમ રાજ્ય છે અને આપણા લોકોનો મોટો ભાગ મુસ્લિમ છે, માટે જમ્મુ-કાશ્મીરે પાકિસ્તાન સાથે જોડાવું જ જોઈએ. મુસ્લિમ રાજ્ય હોવાનો આ દાવો માત્ર છદ્માવરણ છે.

સામાન્ય માણસને છેતરવા માટેનો આ એક પડદો છે; જેથી તે સ્પષ્ટપણે જોઈ ન શકે કે પાકિસ્તાન એક સામંતશાહી રાજ્ય છે, જેમાં એક જૂથ પોતાની જાતને સત્તામાં જાળવી રાખવા માટે આ પદ્ધતિઓ દ્વારા પ્રયાસ કરી રહ્યું છે.’શેખ અબ્દુલ્લા ૧૯૫૧ માં એક દૃષ્ટિકોણ ધરાવતા હતા, જ્યારે તેઓ આર્થિક હિતોની વાત કરી રહ્યા હતા, જેની વાત આજે વિશ્વ કરી રહ્યું છે.’’ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા શેખ અબ્દુલ્લાની પ્રશંસા કરવામાં આવી તેથી કાશ્મીરીઓ રાજીના રેડ થઈ ગયા છે.

સુપ્રીમ કોર્ટ આ અઠવાડિયે બે દિવસ સુધી કેસની સુનાવણી ચાલુ રાખશે. અન્ય વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમને દલીલો માટે ૧૦ કલાકનો સમય પણ ફાળવવામાં આવ્યો છે. અત્યાર સુધીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચે ફક્ત બે મુખ્ય પ્રશ્નો પૂછ્યા હતા. ‘‘શું અનુચ્છેદ ૩૭૦ કાયમી કે અસ્થાયી જોગવાઈ બનવાનો હતો? જો જમ્મુ-કાશ્મીરના લોકો પણ ઇચ્છે તો તેને પૂર્વવત્ કરવાના રસ્તા અને માધ્યમો શું છે?’’રસપ્રદ વાત એ છે કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડૉ. ફારુક અબ્દુલ્લા કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. દિવસની સુનાવણીના નિષ્કર્ષ પછી ડૉ. અબ્દુલ્લાએ કપિલ સિબ્બલના કલમ ૩૭૦ના બચાવ બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો હતો.

ડૉ. ફારૂક અબ્દુલ્લાએ ન્યાય જાળવવાની અને જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના લોકોના યોગ્ય અધિકારો પુનઃસ્થાપિત કરવાની સર્વોચ્ચ અદાલતની ક્ષમતામાં તેમનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા ઈમરાન નબી ડારે કલમ ૩૭૦ નાબૂદીની ચાલી રહેલી સુનાવણી દરમિયાન શેર-એ-કાશ્મીર શેખ અબ્દુલ્લાની દૂરંદેશી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશની પ્રશંસાનું સ્વાગત કર્યું હતું. તેમની ટિપ્પણીને આવકારતાં ડારે કહ્યું હતું કે “ભાજપ અને તેની સાથે જોડાયેલા પક્ષોને આજે ઐતિહાસિક પાઠ ભણાવવામાં આવ્યો છે.

માનનીય મુખ્ય ન્યાયાધીશ દ્વારા શેખ સાહેબની દૂરદર્શિતાના વખાણ એ લોકોના મોંઢા પર થપ્પડ છે જેઓ તેમને બદનામ કરવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેઓ શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરમાંથી ભૂંસી નાખવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેમના માટે આ એક ફટકો છે.’’ઇમરાન નબી ડારે કેન્દ્ર સરકારને શેખ અબ્દુલ્લા સામેની શત્રુતાથી દૂર રહેવા અને તેમના નામ પર રાખવામાં આવેલા મેડલ અને અન્ય ચિહ્નોનાં નામો પુનઃસ્થાપિત કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચ સમક્ષ ૩૭૦મી કલમ બાબતમાં જે સુનાવણી ચાલી રહી છે, તેનો વ્યાપ હવે જમ્મુ-કાશ્મીર રાજ્ય પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ બંધારણના મૂળભૂત માળખાની રક્ષા સાથે પણ તેનો સંબંધ જોડવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ દ્વારા આ માળખાની પવિત્રતા બાબતમાં શંકા પેદા કરીને તેમાં ભાંગફોડ કરવાના સરકારના ઇરાદાની જાહેરાત કરી દેવાઈ છે. આ કેસમાં મુખ્ય મુદ્દો એ છે કે શું લોકશાહી તંત્રમાં પ્રજાની ઇચ્છાનો આદર કર્યા વિના મહત્ત્વના નિર્ણયો લઈ શકાય ખરા? જો સુપ્રીમ કોર્ટ સરકારની તેવી સત્તાને મંજૂરી આપી દેશે તો દેશ લોકશાહીને દફનાવીને સરમુખત્યારશાહી તરફ આગળ વધશે.

Most Popular

To Top