Columns

દુર્ગુણરૂપી વિષ સૌથી ખતરનાક

માણસની બુદ્ધિમાં જયારે તમોગુણ વધે છે ત્યારે તે ભ્રમિત થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા જેવા દુર્ગુણોમાં પણ અમૃતનો અનુભવ કરવા લાગે છે. પછી તો તે વિરોધી વ્યકિત, સમાજ, જાતિ, દેશ પ્રત્યે ઘૃણા કરવામાં પોતાના ગૌરવની રક્ષા માને છે. દ્વેષ – વેર કરવામાં પોતાની પ્રતિષ્ઠાની રક્ષા થતી જુએ છે. કામનાઓને પોષવાનું નામ પ્રગતિ રાખે છે. મનમાં જ ક્રોધ વૃત્તિને તેજ માને છે. મદનું નામ આત્મસન્માન ગણી લે છે. લોભને પોતાની ઉન્નતિનું સાધન સમજે છે. મોહનું નામ પ્રેમ રાખીને જીવન બરબાદ કરવાને આદર્શ માને છે. ઇર્ષા – દાહને વ્યકિત, સમાજ, જ્ઞાતિ અને દેશને સુધારવા માટે જરૂરી સમજે છે. આ દુર્ગુણોનું ઝેર વધતું જાય છે અને અંત:કરણ આ બધાથી ઢંકાઇ જતા હૃદયમાં બિરાજેલા પ્રભુ તરફથી નિરંતર વહેતી આનંદધારા માટેનો દરવાજો જ બંધ થઇ જાય છે. આપણી ઇંદ્રિયોમાં પ્રભુ દ્વારા અપાયેલા પરમાનંદનો એક કણ પણ નથી આવી શકતો. ઇંદ્રિયો તો બસ ભૌતિક આનંદ મેળવવા જ તલસે છે, ભટકે છે.

આપણી અંદર કોઇ પ્રત્યે ઘૃણાની વૃત્તિ, દ્વેષભાવ જાગે છે, કોઇક પ્રત્યે – મોહ જાગે કે કોઇકની પ્રગતિ જોઇને ઇર્ષા જાગે છે ત્યારે તે વૃત્તિઓને અનુરૂપ જ વિચાર તરંગો જાગે છે અને તે ચોમેર પ્રસરી જાય છે. સ્વભાવવશ આપણું મન ઘૃણા, દ્વેષ, વેર – કામ – ક્રોધ વગેરેના જે ભાવ પેદા કરે છે તે આપણાં વિચાર, વાણી, વર્તન દ્વારા યેનકેન પ્રકારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમના પ્રત્યે ઉકત પ્રકારના દુર્ભાવ હોય ત્યાં પહોંચે છે. આપણે કયાંક જતાં હોઇએ અને અકારણ આપણા મનમાં અચાનક જ ઘૃણાનો ભાવ, દ્વેષનો ભાવ, કામવાસના વગેરે પેદા થતા હોય છે એમ કેમ બને છે? એટલા માટે કે આપણે જતા હોઇએ તે સ્થાન પર ત્યાંના માહોલ – વાતાવરણમાં ઉકત દુર્ગુણોરૂપી તરંગો છવાયેલા હોય છે. આપણે સાવધાન નહોતા આપણું અંદરનું દ્વાર ખુલ્લું હતું એટલે તે દુર્ભાવો પ્રવેશી ગયા.

અને તે અનુરૂપ ઘૃણા, દ્વેષ, વેર વગેરે વિચાર આપણા મનમાં પણ પેદા કરી દીધો. ઘણી વાર આપણે જોયું અને અનુભવ્યું છે કે, લડાઇઝઘડાનો જયાં માહોલ હોય ત્યાં જવાનું ટાળીએ છીએ. ખૂબ અભિમાની – ઇર્ષાળુ હોય તેવાને મળવાનું ટાળીએ છીએ. કલબ – ડાન્સ બાર જેવા વિસ્તારોનો માહોલ – કામ વાસના પ્રેરક હોય છે. તે બધા પાછળ – જે તે સ્થળના માહોલમાં પ્રસરેલા દુર્ગુણોરૂપી તરંગો હોય છે. સારાંશ એ જ કે આપણી અંદરનું દુર્ગુણો રૂપી ઝેર માત્ર આપણને જ નહીં બાળે પરંતુ આપણી અંદરથી નીકળી – દૂર દૂર સુધી ફેલાય છે અને બીજાને પણ સંતાપ કરાવે છે.

આ એવું પણ નથી કે એક વાર સંતાપને બાળીને શાંત થઇ જાય. દુર્ગુણરૂપી ઝેર તો જયાં એક વાર સ્થાન મળી જાય પછી ત્યાં જ ધામા નાંખે છે અને તેમાં વધારો થતો જ રહે છે. આવું ખતરનાક દુર્ગુણોરૂપી ઝેર હોય છે. આ ઝેર છોડવું ખૂબ જરૂરી છે. તેમ ન થાય તો આપણે તેમાં બળતા જ રહીએ કયારેય સુખ – ચેન નહીં મળે અને પ્રભુએ આપેલા પરમાનંદની અનુભૂતિ કયારેય નહીં થાય. પરમાનંદનો અંશ આપણને મળી પણ જાય. તો પણ તેમાં દુર્ગુણોનું ઝેર ભળી જાય છે. ભૌતિક – લૌકિક આનંદમાં પણ એ ઝેર ભળી જતું હોય છે. એટલે દુર્ગુણોથી છૂટકારો તો મેળવવો જ રહ્યો. તેનો પ્રતિકાર કરવાનો છે પણ તે ખાલી ડાહી – ડાહી વાતોથી નહીં થાય. નિષ્ઠાપૂર્વક સાધના… દૃઢ સંકલ્પ – નિયમિત પ્રયાસોથી દુર્ગુણો દૂર કરવા મહેનત કરવી પડે.

તો કરવું શું? જે સમયે આપણા મનમાં કોઇના માટે ઘૃણાની વૃત્તિ જાગે તે સમયે, તે જ ક્ષણે આપણે તેના પ્રત્યે પ્રેમની ભાવના જાગૃત કરીએ. કોઇના દોષ જોઇને જ આપણે તેની ઘૃણા કરીએ છીએ ને? તો શું તે વ્યકિતમાં માત્ર દોષ ને દોષ જ ભરેલા છે? તેનામાં એક પણ સદ્‌ગુણ નથી? એક પણ સદ્‌ગુણ ન હોય એવું તો બને જ નહીં. જગત સત્‌, રજ, અને તમ ગુણોના મિશ્રણથી બનેલું છે. જયાં તમ છે ત્યાં રજ, સત્‌ પણ છે જ. તેનું પ્રમાણ ભલે ને નજીવું હોય. જયાં આપણને માત્ર તમોગુણ જ દેખાય છે તેના પરિણામ દોષ દેખાય છે ત્યાં સત્‌ અને સત્ત્વ ગુણના પરિણામ સ્વરૂપ કોઇ ને કોઇ સદ્‌ગુણો તો હોય જ છે.

તો પછી આપણી દૃષ્ટિ તે સદ્‌ગુણ જોવા પર કેળવીને તે વ્યકિતને પ્રેમ કરવા લાગીએ. તેના તરફ પ્રેમની ભાવના મોકલીએ. જેમ ઘૃણાની ભાવના બીજામાં ઘૃણાની ભાવના પેદા કરે છે તેમ પ્રેમ જોવાની આપણી ગુણદૃષ્ટિ તે વ્યકિત પાસે પહોંચી તેના અલ્પ સદ્‌ગુણને વધારશે. તેનામાં પ્રેમનું બીજ વાવશે. આપણી અંદર પહેલાં જે ઘૃણાની ભાવના જાગી હતી તેને આ પ્રેમની ભાવનાએ દબાવી દીધી. આપણામાંની ઘૃણાની જલનને બદલે સુખદ શીતળતા આવી ગઇ. જયારે આપણામાં કોઇક માટે દ્વેષનો ભાવ પેદા થાય તો તરત જ એ ભાવ કેળવીએ કે ‘ના, આ તો મારો મિત્ર છે.

તે મારી બૂરાઇ નહીં કરી શકે. બને કે તેનામાં આવા ભાવો તરત જાગૃત ન પણ થાય. મુશ્કેલી પણ પડે પરંતુ જે દ્વેષવૃત્તિ આપણને સતાવતી હતી તે તો કમસેકમ શાંત થઇ જાય. કામ – વાસના સંબંધી ભાવના આપણામાં પેદા થાય તો તરત જ તેના ત્યાગની ઉજજવળ ભાવનાઓ કેળવી ભોગનો ત્યાગ કરનાર સંત મહાત્મા, સદ્‌ગુરુના ત્યાગનું સ્મરણ કરતા રહીએ તો એવા ભાવથી આપણામાંની કામનાની વૃત્તિ ધીરેધીરે દબાઇ જશે. ક્રોધ આવવાની સંભાવના પહેલાં જ ક્ષમાના વિચારોનું મનન કરીએ.

પરિણામ એ આવશે કે સ્વભાવવશ ક્રોધ આવે ત્યારે ક્ષમાભાવ જાગશે. એવું વિચારો કે જયારે આપણાથી કોઇ અપરાધ થઇ જાય ત્યારે આપણા પર કોઇ નારાજ ન થાય કે ગુસ્સો કરવાને બદલે આપણને માફ કરી દે’ એવી ઇચ્છા હોય છે કે નહીં? આપણે દરરોજ પ્રભુના કેટલા અપરાધો કરતા રહીએ છીએ. ભગવાન જો આપણને માફ નહીં કરે તો આપણી કેવી દશા થાય? અનંત અપરાધો આપણાથી થાય છે અને પ્રભુ અનંત વાર -માફ કરી દે છે તો આપણે પણ એવો નિર્ણય લઇએ કે આપણો પણ કોઇ વારંવાર અપરાધ કરે તો આપણે પણ તેને વારંવાર માફ જ કરીશું.
તો આપણે પણ પ્રભુ પાસેથી માફી મેળવવાના અધિકારી બનીશું – શ્રી ગુરુ દેવ.
(ક્રમશ:)
શ્રીજીવ વ્યાસ

Most Popular

To Top