SURAT

મુંબઇમાંથી વધુ રૂપિયા 227 કરોડની નકલી નોટ શોધી કાઢતી ગ્રામ્ય પોલીસ

પલસાણા: ગત 29મી સપ્ટેમ્બરે કામરેજ ખાતેથી એમ્બ્યુલન્સમાંથી (Ambulance) ઝડપાયેલી 28 કરોડથી વધુની ડુપ્લિકેટ નોટ (Duplicate note) બાદ પોલીસે (Police) આ દિશામાં તપાસ કરતાં તબક્કાવાર આરોપીનાં ઘર જામનગર તેમજ આણંદ અને ત્યાર બાદ ગઈ કાલે મુંબઈ ખાતે મુખ્ય આરોપી વિકાસ જૈનના મકાન-ઓફિસ અને ગોડાઉનમાં તપાસ કરતાં પોલીસને 227 કરોડની વધુ ડુપ્લિકેટ નોટ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. પોલીસે મુંબઈથી મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીને ઝડપી પાડી બધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ પોલીસમથક હદ વિસ્તારમાં ને.હા.48 પરથી હાઇવેની એક હોટલ નજીકથી દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની આઈ.સી.યુ. એમ્બ્યુલન્સમાંથી વિવિધ પતરાની પેટીઓમાં લઈ જવાતી 28 કરોડથી વધુની ડુપ્લિકેટ ચલણી નોટ મળી આવી હતી. પોલીસની તપાસમાં ટ્રસ્ટના ડ્રાઇવર હિતેશ કોટડિયાના ઘરેથી 52 કરોડથી વધુ તેમજ આરોપી આણંદ ખાતે રહેતા આરોપી વિપુલ હરીશ પટેલ પાસેથી 11 કરોડથી વધુની ચલણી નોટ ઝડપાઈ હતી. પોલીસે હિતેશ કોટડિયા અને કામરેજના દિનેશ પોશીયા અને આણંદના વિપુલ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરતાં ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે મુંબઈના વી.આર.લોજિસ્ટક નામની આંગડિયા પેઢીના માલિક વિકાસ જૈન અને તેના સાગરીતોનું નામ સામે આવ્યું હતું.

સુરત જિલ્લા ગ્રામ્યની એક ટીમે મુંબઈ જઈ વિકાસ જૈનના ઘરે તપાસ કરતાં તેના ઘર અને ઓફિસ અને ગોડાઉનમાંથી 227 કરોડથી વધુની બનાવટી નોટો પકડી પાડવામાં આવી હતી, જેમાં 67 કરોડથી વધુ રકમની ચલણી બનાવટી નોટો વર્ષ-2016માં બંધ કરવામાં આવેલી 1000 અને 500ના દરની બનાવટી નોટો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મુંબઈથી વિકાસ જૈનની ધરપકડ કરી તેનો સાગરીત અનુશ શર્મા (રહે.,અંધેરી, મુંબઈ)થી તેમજ ડુપ્લિકેટ નોટ વિકાસ જૈનને આપનાર દીનાનાથ નામના શખ્સની ધરપકડ પોલીસે ઉત્તર પ્રદેશથી કરી હતી. આમ, પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વધુ 3 ઇસમની ધરપકડ કરી સુરત ખાતે લાવી આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લા એલસીબીને 385 કરોડની ડુપ્લીકેટ નોટ કૌભાંડમાં આઠ લોકો સાથે છેતરપિંડી થયેલી હોવાનુ પકડયુ
સુરત : જિલ્લા એલસીબી દ્વારા ડુપ્લિકેટ નોટ કૌભાંડમાં આઠ લોકો છેતરપિંડીનો ભોગ બન્યો હોવાની વિગતોનો પર્દાફાશ કર્યો છે. તેમાં રાજકોટના એક બિલ્ડરે આ લોકોની વાતમાં આવીને 2 કરોડ રૂપિયા આંગડિયા પેઢી મારફત મોકલ્યા હોવાની વિગતો બહાર આવતા તેને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે. આ બિલ્ડર સિવાય વિડીયો પર જ કરોડો રૂપિયાની ડુપ્લિકેટ નોટ બતાવીને સાત લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ચીટર ગેંગ દ્વારા પ0 કરોડ જેટલી બ્લેક મની વ્હાઇટ કરી હોવાની પોલીસને આશંકા છે.

અન્ય રાજયોના લોકોને વિડીયોથી ડુપ્લિકેટ નોટને અસલ બતાવવામાં આવતી હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે. આઠ લોકો સાથે આ મામલે છેતરપિંડી થઇ છે. આ લોકોને બ્લેક મની વ્હાઇટ દિકરી ચેરિટેબલ ટ્રસ્ટના નામે કરી આપવામાં આવી છે. આ તમામ પાર્ટીઓને હાજર થવા માટે જિલ્લા એલસીબી દ્વારા તેડૂ મોકલવામાં આવ્યુ છે.

આરબીઆઇના અધિકારીઓ સુરત દોડી આવ્યા
385 કરોડની ડુપ્લિકેટ નોટ મળી આવતા આરબીઆઇના અધિકારીઓ સુરત દોડી આવ્યા છે. તેઓ દ્વારા આ નોટોનો ઉપયોગ કયા અને કેવી રીતે કરવામાં આવ્યો છે તેની વિગતો મેળવવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત હાલમાં આરબીઆઇ દ્વારા બ્લેક મનીને વાસ્તવમાં કેટલી વ્હાઇટ કરવામાં આવી છે તે વિગત પણ મેળવી છે.

Most Popular

To Top