વડોદરા: હાલમાં દિવાળીના તહેવારને લઇને લોકોને પોતાના કંપનીમાંથી બોનસ સહિતના પગાર મળતો હોય લોકો દ્વારા બજારમાં વિવિધ કપડા સહિતના સામાનની ખરીદી કરવા માટે લોકોની બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ત્ચારે કેટલાક કપડાના વેપારીઓ લોકોની ભીડનો લાભ લઇને બ્રાન્ડેડ કંપનીના માર્કાવાળા ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતા હોય છે. તાજેતરમાં વાણસા રોડ, અકોટા અને તાંદલજા વિસ્તારમાંથી સીકે અને હુગો કંપનીના ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરનાર ચાર વેપારીઓની અટકાયત કરી હતી.
ત્યારે બાદ હવે અલકાપુરી વિસ્તારમાં મુફતી બ્રાન્ડના ડુપ્લિકેટ કપડાનું વેચાણ થતું હોવાની બાતમી કંપનીને મળી હતી. જેના આધારે કંપનીના રિપ્રેઝન્ટીન વડોદરા દોડી આવ્યા હતા અને અલકાપુરીમાં લાગેલા લુધિયાના ગારમેન્ટસ નામના સેલમાં જઇને તપાસ કરતા મુફ્તિ બ્રાન્ડના ડુપ્લિકેટ જિન્સ પેન્ટ તથા શર્ટ મળી આવ્યા હતા. જેથી કંપનીના માણસે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરનાર નવીન રવિ રામલખમલ સુર (રહે. ભરૂચ મૂળ યુપી)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 1.25 લાખના 125 નંગ શર્ટ, 8 હજારના 8 પેન્ટ સહિત 1.33 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
દિવાળી ટાણે બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ માલ વેચી નફો રડી લેવા વેપારી સક્રિય
દિવાળીના તહેવારને લઇને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હાય છે. પરંતુ નવા કપડા ખરીદવાની ઉતાવળનો કેટલાક લેભાગુ વેપારીઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. વેપારીઓ કેટલીક બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ માર્કાવાળા કપડાનું વેચાણ કરી નફો રડી રહ્યા છે. પરંતુ કેટલીક સ્ટાન્ડર્ડ કંપનીઓ સતેજ થઇ ગઇ છે. આવા ડુપ્લિકેટ માલ વેચી કંપનીના શાખ ખરાબ કરનાર વેપારીઓ સામે લાલ આંખ કરી છે.