Dakshin Gujarat

ડુંગરામાં બિસ્માર માર્ગની મરામત કામગીરી શરૂ

વાપીના ડુંગરા વિસ્તારમાં ચોમાસા પહેલાં જ રસ્તાની હાલત બદતર બની ગઈ હતી. લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. વારંવાર તંત્રને રજૂઆત કર્યા બાદ ચોમાસા પહેલા જ ઉબડ ખાબડ થઈ ગયેલા રસ્તાની મરામત કામગીરી રવિવારે આરએન્ડબી વિભાગે પોલીસ અને પાલિકાનો સહયોગ લઈ આરંભી હતી. વાપીના ડુંગરા વિસ્તારમાં ડુંગરી ફળીયાથી વિનંતીનાકા થઈ કરવડ સુધીનો મુખ્ય માર્ગ ધોવાઈ ગયો છે. ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, ક્યાંક તો મસમોટા ખાડા પણ પડી ગયા છે, ક્યાંક પાણી ભરાતાં કાદવ-કીચડ થયો છે, તો ક્યાંક રસ્તાની આસપાસ ઝાંડી-ઝાંખરા ઉગી નિકળ્યા છે. અહીંના લોકોની વારંવારની રજૂઆતને પગલે રવિવારે સવારથી જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની મરામતની કામગીરી હાથ ધરાઈ હતી.

ડુંગરા પોલીસ મથકના પીએસઆઈ જે.એન.સોલંકી અને તેમની ટીમના સભ્યો તેમજ પાલિકાના કર્મચારીઓની સહયોગથી રસ્તાની કામગીરી શરૂ કરાઈ હતી. રસ્તા પર કાદવ-કીચડના ઢગલા તેમજ નડતર રૂપ અવરોધને જેસીબી દ્વારા દૂર કરાયા હતા. ઉપરાંત ક્યાંક નડતરરૂપ ગેરકાયદે બાંધકામ તેમજ ખડકાયેલા લાગી-ગલ્લાના સંચાલકોને પોલીસે પ્રેમથી સમજાવી આરએન્ડબીની કામગીરીને સરળ બનાવી દીધી હતી. મળતી માહિતી મુજબ ડુંગરી ફળીયાથી કરવડ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરી બે દિવસ સુધી ચાલશે.

Most Popular

To Top