સુરત: શહેરમાં દિવસભર વરસાદી (Rain) વાતાવરણ વચ્ચે બપોર બાદ કેટલાક વિસ્તારમાં મુશળધાર તો કેટલાક વિસ્તારમાં મંદ મંદ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં પણ વીતેલા ચોવીસ કલાકમાં મૂશળધાર વરસાદને પગલે ઉકાઈ (Ukai) ડેમમાં (Dam) સવારે 11 વાગ્યા સુધી 55 હજાર ક્યુસેક (Cusec) પાણીની (Water) આવક થઈ હતી. ચોવીસ કલાકમાં પાણીની સપાટી સડસડાટ ઉપર જઇ દોઢ ફુટ વધી જવા પામી છે. ઉપરવાસમાં વરસાદનું જોર નરમ પડતા સાંજ બાદ પાણીની આવક ઘટીને 22 હજાર ક્યુસેક નોંધાઈ હતી.
- હથનુર ડેમમાંથી 12 ગેટ 1 મીટર ખોલી 14 હજાર ક્યુસેક પાણી છોડાયું
- ઉકાઈમાં મહત્તમ 55 હજાર ક્યુસેકની પાણીની આવક થઈ
- સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં એક ઈંચ નોંધાયો, સુરતમાં અડધો ઈંચ
- ઉપરવાસ વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર પર બનેલી લો-પ્રેશર સિસ્ટમ નબળી પડી રહી છે. જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું જોર ઘટતુ જોવા મળ્યું હતું. શહેરમાં ગઈકાલે દિવસભરમાં માંડ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડામાં સૌથી વધારે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ગઈકાલથી પાણીના નીર આવી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધી ઉકાઈ ડેમમાં 55 હજાર ક્યુસેક પાણીની આવક હતી. ત્યારબાદ ઘટીને 22 હજાર ક્યુસેક નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું છે. અને ડેમની સપાટી 316.75 ફુટ નોંધાઈ હતી. હથનુર ડેમમાંથી 12 ગેટ એક મીટર ખોલીને 14 હજા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની સપાટી 209.350 મીટર છે.
ચાલુ વર્ષે ઉકાઈ ડેમની સ્થિતિ શરૂઆતથી સારી હતી. ડેમની સપાટી સિઝનની શરૂઆતમાં 315.34 ફુટ હતી. ડેમમાં મંદ ગતિએ પાણીની આવક શરૂ થતા ડેમની સપાટી સડસડાટ વધીને 316.75 ફુટ નોંધાઈ હતી. ગઈકાલે સાંજે ડેમની સપાટી 315.75 ફુટ હતી. જે ચોવીસ કલાકમાં એક ફુટ વધી હતી. જ્યારે સિઝનની શરૂઆતથી હજી સુધી દોઢ ફુટ વધી છે.