સુરતઃ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયા બાદ મિડલ ઈસ્ટમાં સ્થિતિ ગંભીર બની છે. ઈરાન દ્વારા દુબઈ, દોહા, કતાર સહિત 10 દેશમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યાં છે, જેના પગલે મિડલ ઈસ્ટની એરસ્પેસ બંધ થઈ ગઈ છે. અનેક ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. તેના લીધે અનેક લોકો દુબઈમાં ફસાઈ ગયા છે. સુરતના 25 સહિત ગુજરાતના 50થી વધુ ટુરિસ્ટ દુબઈમાં અટવાઈ ગયા છે.
- ફ્લાઈટ્સ રદ થવાના લીધે ભારત પરત આવી શકતા નથી
- કોઈ મદદ મળી રહી ન હોવાથી ઠેરઠેર ભટકવા મજબૂર
સુરતથી દુબઈ ફરવા ગયેલા અમર જરીવાલાએ કહ્યું કે, અમારું 15 જણાનું ગ્રુપ સુરતથી દુબઈ 27 ફેબ્રુઆરીએ ફરવા આવ્યું હતું. અમારી ચાર દિવસની ટ્રીપ હતી. 28મીએ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાતા અમે અહીં ફસાઈ ગયા છે. દુબઈમાં અમારી નજર સામે ઈરાનના કેટલાંય ડ્રોન પડ્યા છે. દુબઈની સેના દ્વારા તે હવામાં જ નષ્ટ કરવામાં આવી રહ્યાં છે. ડ્રોનનો કાટમાળ આગની જવાળા સાથે જમીન પર પડી રહ્યો છે. જાનમાલના જોખમ જેવું લાગતું નથી પરંતુ અમને ચિંતા ભારત પરત ફરવાની છે.
અમારા સહિત બીજા પણ અનેક લોકો ફસાયા છે. યુદ્ધના લીધે એરસ્પેસ બંધ થતા ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. અમારી 1 માર્ચની રિટર્ન ફ્લાઈટ હતી, પરંતુ તે રદ થઈ છે. અહીં કોઈ જવાબ મળી રહ્યો નથી. પરત ક્યારે જઈ શકીશું તેનો કોઈ ઉત્તર મળતો નથી. અંદાજે 50થી વધુ ગુજરાતી અહીં ફસાયેલા છે.
હોટલો બદલવી પડી રહી છે
અમર જરીવાલાએ વધુમાં કહ્યું કે, અમે મીનાબજાર પાસે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. પહેલાં એવો મેસેજ હતો કે ફસાયેલા ટુરિસ્ટના હોટલના ભાડા દુબઈ સરકાર આપશે, પરંતુ તે મામલે કોઈ સ્પષ્ટતા મળી રહી નથી. તેથી મોટા ભાગના ટુરિસ્ટ મોંઘી હોટલો છોડી સસ્તી હોટલો શોધી રહ્યાં છે. અનેક ટુરિસ્ટ દર દર ભટકવા મજબૂર બન્યા છે. અમે પણ સસ્તી હોટલમાં શિફ્ટ થયા છે.
ભારત સરકાર મદદ કરે
અમર જરીવાલાએ વધુમાં કહ્યું કે, ભારત સરકાર મધ્યસ્થી કરી ટુરિસ્ટને ભારત પરત પહોંચાડવામાં મદદ મળે તેવી વ્યવસ્થા કરે તેવી અમારી માંગણી છે. ટુરિસ્ટ માટે થોડો સમય પણ ફ્લાઈટ્સ શરૂ થવી જોઈએ. ક્યાં સુધી હોટલ-રેસ્ટોરન્ટના ભાડા ભરીશું તે સમજ પડતી નથી.