રાજ્યમાં જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે, તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા કને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં કુલ ૧૩ ડેમોમાંથી ૫,૧૮,૭૦૦ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પૈકી કડાણા જળાશયમાંથી મહી કમાન્ડ વિસ્તારમાં ૬,૦૦૦ ક્યુસેક્સ પાણી સિંચાઇ માટે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાનમ, કરાડ,વઢવાણા, વાત્રક, મેશ્વો, હાથમતી, કરજણ, સુખી, દેવ, પાટાડુંગરી, એદલવાડા ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે તેની વિગતો તેમણે આપી હતી.
દક્ષિણ ગુજરાતના દમણગંગા, ઉકાઇ, જૂજ, કેલીયા, કાકરાપાર અને ગોરધા જળાશયોમાંથી પાણી આપીને ૪,૬૯,૩૦૦ એકર વિસ્તારને સિંચાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પૈકી ઉકાઇ, કાકરાપાર, દમણગંગા અને ગોરધા વીયરમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૪૧ પૈકી ૩૬ ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના ૭૯ ડેમોમાંથી ૧,૪૮,૨૦૦ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં ર૩ ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે. જેમાં જામનગર જિલ્લાના ઉંડ-૧, સસોઇ, પન્ના, આજી-૪, ફૂલઝર-૧, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ ૧૩ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલું છે.
જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-૩ અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧, ડેમી-૧ ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકું ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરાયું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.