દેશમાં ચાલી રહેલા કોલસાના સંકટને જોતા સરકારે આગામી 5 દિવસમાં કોલસાનું ઉત્પાદન 19.4 લાખ ટન પ્રતિ દિવસથી વધારીને 20 લાખ ટન પ્રતિદિન કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર એજન્સી અનુસાર, આ માહિતી સરકારી સૂત્રો પાસેથી મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્યને કોલસાનો પુરવઠો ક્યારેય બંધ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર રાજ્યોની તમામ માંગણીઓ પૂરી કરી રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કોલસાનો સ્ટોક વધવા લાગ્યો છે. એક મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જશે. તેમજ દૈનિક વીજળી અને કોલસાના પુરવઠાની કોઈ અછત નથી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, કોલસા મંત્રાલય જાન્યુઆરીથી રાજ્યોને કોલ ઇન્ડિયામાંથી સ્ટોક ઉપાડવા માટે પત્ર લખી રહ્યું છે. પરંતુ, આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. કોલ ઇન્ડિયા માત્ર એક મર્યાદા સુધી સ્ટોક કરી શકે છે. કારણ કે, ઓવરસ્ટોકિંગથી કોલસામાં આગ લાગી શકે છે. ઝારખંડ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળની પોતાની કોલસાની ખાણો છે, પરંતુ ત્યાં ખાણકામ બહુ ઓછું હતું.
આ અગાઉ, કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે સાંજે કહ્યું હતું કે, સરકાર વીજ ઉત્પાદકોની કોલસાની માંગને પહોંચી વળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કોલસાનો પુરવઠો હાલમાં 19.5 લાખ ટન પ્રતિદિન છે, જે દરરોજ વધારીને 20 લાખ ટન કરવામાં આવી રહ્યો છે. જોશીએ કહ્યું કે, મને લાગે છે કે દેશના ઇતિહાસમાં આ સૌથી વધુ પુરવઠો છે. હું તમને ખાતરી આપું છું કે આ ચાલુ રહેશે. અમે 2020-21 ઓક્ટોબરે અથવા તે પહેલા 20 લાખ ટન પુરવઠા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. આ એક રેકોર્ડ હશે.
મંત્રીએ તમામ હિસ્સેદારોને કોલસાના પૂરતા પુરવઠાની ખાતરી આપી હતી. જોશીએ કહ્યું કે, હાલમાં કોલ ઇન્ડિયા પાસે 22 દિવસનો સ્ટોક છે. હવે ચોમાસું પરત ફરી રહ્યું છે જેથી પુરવઠામાં હજુ વધારો થશે. વધુમાં દેશના વીજમથકોમાં કોલસાની અછતના લીધે વીજ કટોકટીની સંભાવનાનો કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ ધરાર ઇન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન માટે કોલસાની દૈનિક જરુરિયાત ૧૧ લાખ ટન છે અને તેની સામે અમે ૨૦ લાખ ટનનો પુરવઠો પૂરો પાડી રહ્યા છીએ તો પછી કટોકટીની વાત જ ક્યાં આવી. તેમણે વિલાસપુર એરપોર્ટ પર પહોંચયા પછી પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. કોંગ્રેસ કોલસાની કટોકટીને લઈને બિનજરુરી હાઇપ ઊભો કરી રહી છે તેવો સવાલ પૂછવામાં આવતા તેમણે આ જણાવ્યું હતું કે આ મુદ્દે હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી.
દરમિયાન કોલસા મંત્રાલયને જણાવાયું છે કે ભારતમાં આજે પણ ૭૦ ટકા વીજમથકો કોલસાથી ચાલે છે. દેશના બે તૃતિયાંશ વીજમથકો પાસે સપ્તાહ કે તેનાથી પણ ઓછો સમય ચાલે તેટલો કોલસો રહ્યો છે. રાજસ્થાનથી લઈને કેરળમાં વીજ કાપ લાદવાની સ્થિતિ આવી છે. પણ કોલસા મંત્રાલયે જણાવ્યું હતું કે વીજ પુરવઠાને લઈને કોઈપણ પ્રકારની શંકા અસ્થાને છે.