નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ કેટલાક વિસ્તારોની પ્રજાને છેલ્લાં ઘણાં વર્ષોથી પીવાનું પાણી નિયમીત મળતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને નાની ભાગોળ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં અવારનવાર પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવતો હોવાથી આ વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ વિસ્તારની પ્રજાએ નિયમિત પાણી મેળવવા માટે પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી હોવા છતાં પાલિકાનું નઘરોળ તંત્ર પ્રજાની રજુઆતો ધ્યાને લેતું નથી. જેને પગલે આ વિસ્તારની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમિતપણે ટેક્ષ ભરવા છતાં આ વિસ્તારની પ્રજાને પાણી માટે આમતેમ ભટકવું પડી રહ્યું છે. છેલ્લાં ચારેક દિવસથી ડાકોરમાં આવેલ નાની ભાગોળ સહિત વોર્ડ નં ૨, ૩ અને ૪ ના મોટભાગના વિસ્તારોમાં પાણીનો સપ્લાય બંધ છે. ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં નિયમિત રીતે પાણીનો સપ્લાય પહોંચાડવામાં આવે તે જરૂરી છે.
ડાકોર નગરમાં આવેલ નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં અવારનવાર પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવે છે. જેને પગલે આ વિસ્તારની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અગાઉ સતત ત્રણ મહિના સુધી એક સમયનો પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ નવરાત્રી અને દિવાળી જેવા તહેવાર ટાણે પણ પાણીનો સપ્લાય બંધ કરાયો હતો. હાલ, છેલ્લાં ચાર દિવસથી આ વિસ્તારમાં પાણીનો સપ્લાય સદંતર બંધ કરી દેતાં રહીશોને પાણી માટે આમતેમ ભટકવાનો વારો આવ્યો છે.પાણીનો સપ્લાય નિયમિત ન મળતો હોય તેવા વિસ્તારમાં ટેન્કર વડે પાણી પહોંચાડવાની જવાબદારી પાલિકાની હોય છે. હાલ, છેલ્લાં ચાર દિવસથી નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ છે. ત્યારે પાલિકા સત્તાધીશો સાથે નિકટતા ધરાવનાર કેટલાક ઘરોમાં જ ટેન્કર વડે પાણી પહોંચાડવામાં આવતું હોવાની બુમો ઉઠવા પામી છે.
પાલિકાનું નઘરોળ તંત્ર પ્રજાની રજુઆતો સાંભળતી નથી
નાની ભાગોળ ઉપરાંત નગરના અન્ય કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા અનેકોવાર પાલિકાતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. જોકે, પાલિકાનું નઘરોળ તંત્ર પ્રજાની રજુઆતો ધ્યાને લેતી નથી.
સ્પે.વોટર ટેક્ષ પેટે ૬૦૦ રૂપિયા ભર્યા બાદ પણ પ્રજાને નિયમીત પાણી મળતું નથી
ડાકોર નગરપાલિકા દ્વારા દરવર્ષે પ્રજા પાસેથી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. જેમાં ૬૦૦ રૂપિયા સ્પે.વોટર ટેક્ષ હોય છે. નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારની મોટાભાગની પ્રજા પણ આ ટેક્ષ નિયમિત રીતે ચુકવે છે. તેમછતાં પાલિકાતંત્ર આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખી પાણીનો સપ્લાય પહોંચાડવામાં લાપરવાહી દાખવી રહ્યું છે. જેને પગલે આ વિસ્તારની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અગાઉ આ વિસ્તારની મહિલાએ પાલિકાનો ઘેરાવ કર્યો હતો
નાની ભાગોળ તેમજ આસપાસના વિસ્તારોમાં નિયમિત પાણી મળતું ન હોવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી આ વિસ્તારની મહિલાઓએ થોડા મહિનાઓ અગાઉ નગરપાલિકાનો ઘેરાવ કરી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની ઝાટકણી કાઢી હતી. મહિલાઓનું રૌદ્ર સ્વરૂપ જોઈને ડરી ગયેલાં પાલિકાના સત્તાધીશોએ બીજા દિવસથી જ પાણીનો સપ્લાય નિયમિત કર્યો હતો. જોકે, થોડા સમય બાદ ફરીથી પાણીનો સપ્લાય અનિયમિત કરી દીધો હતો.