દાહોદ: દાહોદના સાંસદે પસંદ ખરેલ આદર્શ ગામ દુધીયામાં અનેક જગ્યાએ કચરાના ખડકલા અને રોડ પર વહેતા ગંદા પાણીની સમસ્યા લોકો માટે માથાનો દુખાવા સમાન બની ગયા છે . આ સાથે જ ગામ પંચાયતની સ્વચ્છતા અભિયાનની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે .
દાહોદના સાંસદનું આદર્શ ગામ દુધીયા એક મોટું વેપારી મથક છે . તેથી અહીં રોજિંદા હજારો લોકો ખરીદી અને અન્ય કામ માટે આજુ બાજુના ગામડાઓમાંથી આવતા હોય છે . ત્યારે અહીં ગંદકીની સમસ્યા માઝા મુકી રહી છે . દુધીયા નગરમાં અનેક વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળી રહ્યા છે .આ ઉપરાંત દુધીયામાં રોડ પર ગંદા પાણીની ગટરગંગા વહી રહી છે . તેમ છતાં આદર્શ ગામ દુધીયા ગ્રામ પંચાયતના નિષ્ક્રિય શાસકો ઉપરોકત સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે .
આ સાથે જ સ્વચ્છતા અભિયાનના સાંસદ આદર્શ ગામમાં દુધીયામાં લીરેલીરા ઉડી રહ્યા હોય એમ લાગી રહ્યું છે . આદર્શ ગામ દુધીયામાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર ચાલતું હોય તેમ લાગી રહ્યું છે . આ સાથે જ દુધીયા માં બહારગામથી આવતા લોકોમાં ગંદકીની બાબત ચર્ચાનો વિષય બનવા સાથે પંચાયત શાસકો લોકોમાં ટીકાપાત્ર બન્યા છે, ત્યારે સરકાર દ્વારા ફાળવવામાં આવતી સ્વચ્છતાની ગ્રાન્ટ નો ઉપયોગ ખરેખર સ્વચ્છતાના કામે વપરાય અને દુધીયા ને ખરા અર્થમાં આદર્શ ગામ બને તે જરૂરી છે.