સુરત: દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC)ના ચેરમેન અહેમદબીન સુલાઈ અને ખાસ સલાહકાર તેમજ દુબઈ ડાયમંડ એક્સચેન્જના સેક્રેટરી માર્ટીન લિ સહિતના પ્રતિનિધિ મંડળે બુધવારે સુરત ડાયમંડ એસોસિએશનનાં હોલમાં સુરતનાં હીરા ઉદ્યોગકારો, લેબગ્રોન ઉત્પાદકો સાથે મહત્વની બેઠક યોજી હતી.
આ બેઠકમાં યુએઈ સરકારની એરલાઈન્સ કંપનીઓ ‘એમિરેટ્સ ’ અને ‘ફ્લાય દુબઇ’ કેમ સુરતને એર કનેક્ટિવિટી નથી આપતા અથવા ભારતીય એરલાઈન્સને સુરતથી દુબઈની ડાયરેકટ ફ્લાઈટને શા માટે દુબઈમાં લેન્ડિંગની મંજૂરી નથી અપાતી એવા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં દુબઈના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે, ભારત-યુએઇ કોમ્પ્રિહેનશિવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (CEPA) છેલ્લા એક વર્ષથી ધરાવતા હોવા છતાં મેટ્રોને છોડી સુરત જેવા શહેરોમાં એર કનેક્ટિવિટીનું જોડાણ કરી શકતા નથી. ભારત સરકાર યુએઈ સરકારને જો સુરત સાથેના બાયલેટરલમાં વધુ બેઠકો આપે તો ‘ફ્લાય દુબઇ’ સુરત આવી શકે છે.
યુએઈ સરકારે સુરત જેવા બીજા શહેરોની મંજૂરી પણ માંગી હતી. પણ ભારત સરકારનું વલણ ટુ ટાયર સિટીમાં ભારતીય એરલાઈન્સ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે જણાય છે. દુબઈ મલ્ટી કોમોડિટીઝ સેન્ટર (DMCC)ના ચેરમેન અહેમદબીન સુલાઈએ કહ્યું હતું કે, જો તમારી સરકાર તૈયારી દર્શાવે તો ફલાય દુબઈની નિયમિત ફ્લાઈટ સુરત આવી શકે છે, એ માટે DMCC અને દુબઇ ડાયમંડ બુર્સ યુએઈ સરકારને આ એરકનેક્ટિવિટી માટે તૈયાર કરવા મદદરૂપ થશે.
સુરતથી દુબઈની સીધી કનેક્ટિવિટી માટે સરકારને રજૂઆત કરી છે: દિનેશ નાવડીયા
સુરત ડાયમંડ એસોસીએશનનાં પૂર્વ પ્રમુખ અને આઇડીઆઇના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ પછી સીધા વૈશ્વિક વેપાર માટે સુરતને દુબઇ, સિંગાપોર, બેંગકોક, લંડનની સીધી ફ્લાઈટની જરૂર પડશે. દુબઈના પ્રતિનિધિ મંડળે એમિરેટ્સ અને એની સાથે જોડાણ ધરાવનાર ફ્લાય દુબઇ એરલાઈન્સ કંપનીને તેઓ સુરત લાવવા સહયોગ આપી શકે છે. જો ભારત સરકાર સુરતનો બાયલેટરલ કરારમાં સમાવેશ કરે, હીરા ઉદ્યોગનાં સંગઠનોએ પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે કે,વિદેશી એરલાઈન્સને કોઈ પ્રશ્ન નડતો હોય તો ભારતીય એરલાઈન્સ કંપનીઓને એ માટે આદેશ આપે.
યુએઈ સરકાર એર ઇન્ડિયા કે ઇન્ડિગોને દુબઇ લેન્ડ થવાની મંજૂરી આપે: દર્શના જરદોશ
કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલવે રાજયમંત્રી દર્શના જરદોશે કહ્યું હતું કે, અગાઉની યુપીએ સરકાર સમયે દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મંત્રીઓએ દક્ષિણ ભારતના નાના નાના એરપોર્ટનો બાયલેટરલમાં સમાવેશ કરી બેઠકો શેર કરી લીધી છે. વિદેશી એરલાઈન્સ એમની મેટ્રો સિટીની બેઠકો ભરી દે છે. જ્યારે ભારતીય એરલાઈન્સને સમસ્યા નડી રહી છે. ભારત સરકારની નીતિ સુરત જેવા શહેરોથી ભારતીય એરલાઈન્સ કંપનીને પ્રોત્સાહન આપવાની છે.
યુએઈની એરલાઈન્સ કંપનીઓ ઈચ્છે તો દક્ષિણ ભારત જે શહેરોમાં એમને સારો પ્રતિસાદ મળતો નથી એ શહેરોની એક બે ફ્લાઈટ સુરતને આપી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ વીકમાં 4 દિવસ શારજાહ-સુરત ફલાઇટ ચલાવે છે. એને બાકીના 3 દિવસ દુબઈની ફલાઇટ માટે મંજૂરી આપે પણ તેઓ કેમ એમ કરતાં નથી!
વિદેશી એરલાઈન્સ કંપનીઓ ભારતીય એરલાઈન્સ કંપનીને સ્પેસ આપતી નથી તો ભારત સરકાર શા માટે ટુ ટાયર સિટીમાં વિદેશી એરલાઈન્સને પ્રવેશવા મંજૂરી આપે. અમે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળી બાયલેટરલ કરાર રિવ્યુ કરવા રજૂઆત કરી ચુક્યા છે. એવિએશન મિનિસ્ટ્રી એના પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે.