દુબઈઃ (Dubai) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા માટે દુબઈ ગયા છે. આજે COP28 કાર્યક્રમમાં વિશ્વભરના ટોચના નેતાઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2028માં ભારતમાં COP33 સમિટનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ભારત ક્લાઈમેટ ચેન્જ પ્રક્રિયા માટે સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક માટે પ્રતિબદ્ધ છે. તેથી જ આ મંચ પરથી હું 2028માં ભારતમાં COP33 સમિટની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂકું છું.
COP28 સમિટમાં પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ જળવાયુ પરિવર્તનને ગંભીર સમસ્યા ગણાવી હતી. તેમણે કહ્યું કે કાર્બન ઉત્સર્જનમાં 45 ટકાનો ઘટાડો કરવા માટે સંકલ્પ લેવો પડશે. તેમણે ભારત દ્વારા આયોજિત થનારી આગામી કોન્ફરન્સનું આયોજન કરવાની પણ દરખાસ્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં લેતાં દરેકના હિતોનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે પર્યાવરણ સંબંધિત પડકારો વચ્ચે સફળ થવું પડશે. તેમણે ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની પણ હિમાયત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે તાત્કાલિક કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે તમામ દેશોએ એકબીજાને ટેકો આપવો જોઈએ. UAE અને ભારત વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારી આવનારા દિવસોમાં મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાને તેમના 21 કલાકના રોકાણ દરમિયાન સાત મોટી બેઠકોમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતે તેના G20 પ્રમુખપદ દરમિયાન વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચરની ભાવના સાથે આબોહવા વિષયને સતત મહત્વ આપ્યું છે. ટકાઉ ભવિષ્ય માટે આપણે સૌએ સાથે મળીને ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર સંમતિ દર્શાવી છે. ટકાઉ વિકાસ માટે જીવનશૈલીના સિદ્ધાંતો બનાવ્યા. આપણે વૈશ્વિક સ્તરે 3% નવીનીકરણીય ઉર્જા માટે પ્રતિબદ્ધ છીએ.