સુરત: (Surat) સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે. સુરત જિલ્લામાં કોરોના વેક્સિન માટે જિલ્લા આરોગ્ય વિભાગે ડેટાબેઝ (Data Base) તૈયાર કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વય જૂથ મુજબ વેક્સિન માટે ડેટા રેડી કરાયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બીમાર લોકોનો પણ સરવે કરી આંકડા કલેક્ટ કરાયા છે. આવતીકાલે સુરત જિલ્લામાં પાંચ કેન્દ્રમાં સવારથી વેક્સિનેશન (Vaccine) ડ્રાયરન યોજાશે. જેમાં બારડોલી સીએચસી, કરચેલિયામાં આંગણવાડી તેમજ સાંધિયેર પીએચસી સહિત હજીરામાં ક્રિભકો હોસ્પિટલ ઉપરાંત માંડવીમાં તરસાડી નગરપાલિકા ખાતે વેક્સિન માટે મોકડ્રીલ યોજાશે.
સુરત ગ્રામ્યમાં મહુવામાં 65 વર્ષિય વૃદ્ધના મોત સાથે મરણાંક 286, નવા પોઝિટિવ 22
સુરત ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે કોરોનામાં મહુવાના એક પાંસઠ વરસની વય ધરાવતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. તેમનાં મોત સાથે જિલ્લામાં કોરોનામાં મરણાંક 286 થયો છે. સુરત જિલ્લામાં સોમવારે વધુ નવા 22 કેસ પોઝિટિવ નોંધાયા છે. તાલુકાવાર જોઇએ તો ચોર્યાસી તાલુકામાં 5, ઓલપાડમાં 3, કામરેજમાં 5, પલસાણામાં 3, બારડોલીમાં 2, મહુવામાં 1, માંડવીમાં 1 તેમજ માંગરોળ અને ઉમરપાડામાં 1-1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
સુરતમાં કોરોનાનું જોર ઘટ્યું, નવા માત્ર 102 કેસ
સુરત: શહેરમાં ઠંડીનું જોર વધવા છતાં છેલ્લા થોડા દિવસોથી સંક્રમણમાં સતત ઘટાડો સોમવારે પણ યથાવત રહેતાં માત્ર 102 નવા દર્દી નોંધાયા હતા. કોરોનાકાળમાં છેલ્લા છ માસમાં રોજિંદા દર્દીઓ પ્રથમ વખત આટલી નીચી સંખ્યા પર આવી ગયા છે. દરમિયાન શહેરમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 37443 પર પહોંચ્યો છે. તો નવું કોઇ મોત નહીં નોંધાતાં કુલ મૃતાંક 843 પર સ્થિર છે. શહેરમાં હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ માત્ર 201-249 સુધી નીચી આવી ચૂકી છે. અને 35756 લોકો સાજા થઇ ગયા છે. તો રિકવરી રેટ 95.75 ટકા પર પહોંચી ગયો છે.
- કયા ઝોનમાં કેટલા દર્દીઓ
- ઝોન દર્દી
- અઠવા 23
- રાંદેર 17
- કતારગામ 13
- સેન્ટ્રલ 12
- લિંબાયત 10
- વરાછા-એ 10
- વરાછા-બી 9
- ઉધના 8
દક્ષિણ ગુજરાતમાં સોમવારે પણ કોરોનાના કેસની સંખ્યામાં નજીવો વધારો નોંધાયો હતો. જેમાં નવસારી જિલ્લામાં 2 કેસ, વલસાડમાં 1, તાપી જિલ્લામાં 3 અને ભરૂચ જિલ્લામાં 7 મળી 13 કેસ નોંધાયા હતા. સોમવારે દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલા કેસમાં નવસારી જિલ્લામાં 2 કેસ નવસારી તાલુકામાં નોંધાયા હતા. જેમાં નવસારીના છાપરા ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતો યુવાન અને નવસારી તાલુકાના મુનસાડ ગામે રહેતી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. વલસાડ જિલ્લામાં સોમવારે કોરોનાના નવો 1 કેસ વાપીના ચણોદ ગેટ પાસે અમરનગરમાં રહેતા 40 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
જ્યારે તાપી જિલ્લામાં સોમવારે નવા ૩ કેસમાં વ્યારાનાં નવા બસ સ્ટેન્ડની સામે રહેતા ૬૦ વર્ષિય મહિલા, કાનપુરા ફ્લાવર રેસિડેન્સીમાં ૩૨ વર્ષિય યુવાન અને બોરખડી ગામે નાનીકૂંડળ ફળિયામાં ૫૨ વર્ષિય પુરૂષ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉપરાંત ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો યથાવત રહેતા આજે 7 કેસ નવા આવ્યા હતા.