Business

આજનો સળગતો પ્રશ્ન ડ્રગ્સ

ડ્રગ્સનું દૂષણ આજે ચારે કોર વ્યાપેલું છે. આ એક એકદમ સંવેદનશીલ,જટિલ ,મુશ્કેલ અને સૌને મુંઝવતો પ્રશ્ન છે. ‘સન્નારી’ ને લાગ્યું કે જ્યારે આજે બાળકો અને યુવાનો પણ ડ્રગ્સના શિકાર બનતા જાય છે ત્યારે બાળકો,માતાપિતા અને સમાજને એના વિષે માર્ગદર્શન આપવું જોઇએ જેથી તેઓ થોડાં સજાગ બને . ગયા અંકમાં આપણે માતાપિતાની ચિંતા,ડરની ચર્ચા કરી. તો આ અંકે બાળક તેનું ભોગ બન્યું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય,તેમને ડ્રગ્સની જાળમાં ફસાતાં કેવી રીતે અટકાવી શકાય ? અને જો ભોગ બન્યું હોય તો શું પગલાં લઈ શકાય ? એ પ્રશ્નો અંગે ડૉક્ટર્સ,કાઉન્સેલર્સ ,સમાજસેવકો ,પોલીસ કમિશનરના અભિપ્રાય લઈ અહીં વાચકોને માર્ગદર્શન પૂરું પાડવાની કોશિશ કરી છે.

બાળકો સાંભળીને શીખવા કરતાં વર્તનથી વધારે શીખે છે: ડૉ. કવન લાકડાવાળા (સાયકિયાિટ્રસ્ટ)

મુંબઈના જાણીતા સાઈકેટ્રિસ સાથે આ સંદર્ભે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે ‘’ બાળકો લગભગ ‘Teen Age’માં પ્રવેશે ત્યારે એમના શરીરમાં હોર્મોનલ ચેઇન્જ થતાં હોય ,શારીરિક, ભાવનાત્મક બદલાવ આવતા હોય, પોતાનાં નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાની,સ્વતંત્રતાની ઈચ્છા થતી હોય. આ ઉંમરે બાળકોને નવા નવા પ્રયોગો કરવાની સાહજિક ઈચ્છા થતી હોય.રૂટિન નિયમો તોડવાની તેમને મજા આવે છે.આ સિવાય બાળકોને તેમનું ફ્રેન્ડ સર્કલ,પીઅર પ્રેશર તેમજ જે ગ્રુપમાં હોય એ ગ્રુપમાં જો બધાંને કંઇ વ્યસન હોય તો કંઇ ખોટું લાગતું જ નથી અને વ્યસન કરવા પ્રેરાય છે. તેમજ માતા-પિતા વચ્ચેના વિખવાદ,કૌટુંબિક ક્લેશ કે અસ્વીકારની ભાવના તેમને ડ્રગ્સ તરફ દોરી જાય છે. આ સમયે મહત્વનો રોલ મા-બાપ નો હોય છે. જો તમે બાળક ને ગણિત, વિજ્ઞાન સમજાવી શકો છો તો આ પણ સમજાવો. અને બાળકો ફકત કહેલું કરતાં નથી .જોઈને વધારે શીખે છે. તેથી વ્યસનથી દૂર રહેવાની સલાહ તમે ત્યારે જ આપી શકો જ્યારે તમે પોતે એ વસ્તુ નથી કરતાં. ઘરમાં તંદુરસ્ત વાતાવરણ રાખો જેમાં બાળક તમારી સાથે કોઈપણ વસ્તુ ખુલ્લા મનથી ચર્ચી શકે. તેને સાંભળો. તેને માન આપો. દરેક બાળક અલગ છે અને દરેક મા-બાપની પેરન્ટીંગ સ્ટાઇલ પણ અલગ છે. ‘’રસ્તામાં ખાડો હોય અને તમે તે બાળકને કહો,તો એના 3 રીએક્શન હોય શકે. એક બાળક રસ્તો બદલીને બીજાં જ રસ્તે જશે. તો બીજું બાળક ખાડા પાસે જઇને ખાતરી કરશે કે ત્યાં સાચ્ચે કેવો ખાડો છે અને ત્રીજું બાળક ખાડામાં પડશે પછી સમજશે કે આ ખાડામાં પડવાથી આટલું વાગ્યું. તમારા બાળકને તમે સમજો.’’  જો બાળક ડ્રગ્સ લે છે એમ ખબર પડે તો ધીરજથી કામ લો. ગમે-તેમ શબ્દોમાં ધમકાવવાના બદલે,ભાવનાત્મક રીતે તોડી પાડવાને બદલે એને મદદ કરો . જાગ્રત કરો. સમજ આપો. જરૂર પડ્યે ડૉક્ટરની મદદ લો. વાલી તરીકે તમારા Antenna ખુલ્લા રાખો. બાળકની પ્રવૃત્તિ પર , ખર્ચા પર,behaviour પર નજર રાખો . બહુ શંકાશીલ પણ નહીં બનો અને બહુ છૂટ પણ નહીં આપો. બેલેન્સ(Balance) કરવું ખૂબ જરૂરી છે.  છોકરાંઓને સાચું બોલતા શીખવો. ડ્રગ્સ લે તો ઘરમાં કહેવાની પણ હિંમત હોવી જોઈએ. તમે એવા બનો કે જેથી બાળક તમને બધું કહી શકે.

બાળકોને સ્વતંત્રતા આપો પણ એની boundaries ને limit! નક્કી કરો: ડૉ.સ્વાતિ વિંચુરકર

તેઓ પિડિયાટ્રીશ્યન છે અને Urja counseling centre માં બાળકોનું counseling કરે છે. ‘’અમારી પાસે આવનાર બાળકો લગભગ 14 થી 17 વર્ષના હોય છે. શરૂમાં તો બાળકો વિરોધ કરવાના અને કશું પણ નહીં અપનાવવાના મૂડમાં જ હોય છે. ધીમે-ધીમે 4-5 સેશન પછી પરિસ્થિતિ બદલાય છે. અમારી પાસે મા-બાપ બાળકોને લઈને ત્યારે જ આવે છે જ્યારે તેમનું બાળક ડ્રગ્સ લઈ રહ્યું હોય અને તેમને ખબર પડે. બાળક 1-2 વાર ડ્રગ્સ લે તો ખાસ કંઇ behaviour માં ફરક નથી પડતો ખાલી થોડો વધારે મૂડમાં રહે છે. પરંતુ જો બાળક રેગ્યુલર ડ્રગ્સ લેતું હોય તો બાળકોમાં mood swing આવે, withdrawal symptoms આવે, ચોરી કરે, જુઠ્ઠું બોલે , જેવું થાય. હવે આ સમયે ફેમિલી એ બહુ મહેનત કરવી પડે. Family નો support કદાચ સૌથી મોટી વસ્તુ છે કે જેને લીધે બાળક આમાંથી બહાર આવી શકે. જે બાળક આનો ભોગ બન્યું હોય તેના વિશે ગોસિપ કરવાને બદલે તેના મા-બાપને મળો. તેના ફ્રેન્ડ સર્કલમાં કોઈ ને કોઈ કશીક રીતે તો આમાં સપડાયું જ હશે. આ પ્રોબ્લેમ નો ઉકેલ માતા-પિતા ગ્રુપ બનાવી , ભેગાં મળી સારી રીતે લાવી શકે. પણ સોસાયટીના ડરને લીધે , મારું બાળક તો નથી જ ને .. એવી વૃત્તિને લીધે આનો ઉકેલ જોઇએ તેવો નથી આવી શકતો. બધાં પેરેંટ્સ મળીને ‘No Tolerance Policy’ અપનાવે તો જ બાળક અટકશે. અને બાળકને શીખવતા પહેલા તમારે એ માહોલ બનાવવું પડશે.

બાળક teen-age માં આવે ત્યારે તેને સાંભળવા જશો અને સાચવવા જશો તો bonding નથી થવાનું. એ તો નાનપણ થી જ create કરવું પડે. તો જ બાળક તમને આવીને કહેશે. અને એના માટે આજના so called-’busy parents’ પાસે સમય નથી એવું બહાનું છે . સમય કાઢવો હોય તો નીકળે જ . બાળકોને સ્વતંત્રતા આપો પણ એની boundaries ને limit નક્કી કરો. ક્યાં ના પાડવાની છે, ક્યારે ના પાડવાની છે, અને કઈ રીતે ના પાડવાની છે તે વાતચીત દરમિયાન વાસ્તવિક જીવનના અનુભવોના ઉદાહરણ આપીને શીખવો. એકવાર બાળક આનો ભોગ બને પછી એમાંથી બહાર નીકળવું ખૂબ જ અઘરું છે . અને લાંબા સમયથી બાળક લેતું હોય તો Re-lapse પણ થાય જ છે પણ તમારો સાથ-સહકાર અને ધીરજ જ બાળકને બહાર નીકળવામાં મદદ કરશે

બાળકને feel કરાવો કે તે તમારા માટે સૌથી મહત્વનું છે: ગીતાબેન શ્રોફ

તેઓ સામાજિક કાર્યકર છે. ‘અપમૃત્યુ નિવારણ સહાય’ સંસ્થા દ્વારા સ્ત્રીઓ અને બાળકોના ઉત્કર્ષ માટે સક્રિય રીતે કાર્ય કરે છે. બાળકો અને સ્ત્રીઓનું કાઉન્સેલીંગ કરી તેમને સાચી દિશા બતાવે છે. તેમણે મા-બાપ અને બાળકોના સંબંધો (parenting) અંગે થોડા સચોટ મુદ્દા આપ્યા જેનું રોજે-રોજ ધ્યાન રાખીએ તો બાળકનો સર્વાંગી ઉછેર થઈ શકે અને બાળકોને ડ્રગ્સ જેવા દૂષણોથી દૂર રાખી શકીએ.

*   સમૃદ્ધ કુટુંબમાંથી આવનાર બાળકને ખિસ્સાખર્ચી વધારે મળે . ખર્ચનો હિસાબ ન હોય . આવું બાળક પોતાના પૈસાનો ,તેનાથી ખરીદેલી વસ્તુઓનો show-off કરે છે અને બીજાં બાળકો તેના તરફ આકર્ષાય છે . જો આ જ બાળક ડ્રગ્સ લેશે તો તે પોતાની સાથે બીજાં અનેક બાળકોને તેનો ભોગ બનાવશે. તેથી બાળકોના ખર્ચા નિયંત્રિત રાખો.
*   જ્યારે બાળક તમારી સાથે વાત કરે ત્યારે તેને complete attention આપો. મોબાઇલ ,લેપટોપ ,ટી.વી. જોતાં-જોતાં ;બાળકની સાથે આંખમાં આંખ નાખ્યા વગર વાત કરો તો તે ફકત સાંભળવાનો ડોળ છે. અને બાળકને આ વસ્તુ સમજ પડે છે. તે બીજીવાર વાત કરવા આવશે જ નહીં.
*   તમારું observation એટલું જોરદાર હોવું જોઇએ કે અચાનક બાળકના વર્તનમાં આવતા બદલાવ,mood change , હાવભાવ તમે તરત જ નોંધી શકો. તેની દરેક હિલચાલ પર નજર રાખો. તેના મિત્રો પર નજર રાખો. ‘’આ કોણ છે? સારો નથી. દૂર રહેજે આનાથી..’’ આવાં શબ્દો નહીં વાપરો. આમ કરશો તો બાળક આ જ મિત્રને પોતાની સૌથી નજીક રાખશે.
*   બાળક સાથે તેમજ બાળકોના મિત્ર સાથે friendly થાવ. તેમની સાથે રમતો રમો. પણ એ balance તો મા-બાપે જ રાખવું પડે કે ક્યારે બાળકના મિત્ર બનવાનું છે અને ક્યારે પેરેન્ટ(parent). અને આ જ ફરક બાળકોને પણ feel કરાવવો પડે .
*   બાળક આપણને ડ્રગ્સ અંગે પૂછે તો, અજાણ બનો. એ શું કહેવા માંગે છે એ સમજો . ‘આવું તો કરાય જ નહીં ..બહુ ખરાબ કહેવાય ..જિંદગી નરક બની જાય ..’એવું નહીં બોલો અને બદલે પૂછો, હૈં,આમાં શું થાય? આ કેવી રીતે થાય? એવા સવાલો પૂછો. જવાબ એની સાથે મળીને શોધો. બાળક એમાં ઊંડુ ઊતરશે અને તમને સમજાવવા એ પણ સમજશે. આની અસર શબ્દો કરતા વધુ થશે. જિજ્ઞાસુ બનીને એની પાસે બેસો.
*   માતા-પિતા કહે છે, અમારામાં ધીરજ નથી. અમારા માટે તો આ બધું બહુ અઘરું છે. મારા મત મુજબ બાળકો કરતાં વધારે કાઉન્સેલિંગની જરૂર મા-બાપને છે. કાઉન્સેલર પાસે જઇ મા-બાપે તાલીમ લેવી જોઈએ કે બાળકો સાથે કેવી રીતે વાત કરાય? કેવી રીતે જિજ્ઞાસુ બનાય? કેવી રીતે friendy behaviour થાય? કેવી રીતે સલાહ સૂચનથી દૂર રહેવાય? 99% મા-બાપ આનાથી ઊંધુ કરે છે.
*   બાળકને સલાહ નહીં આપો. સલાહને સલાહના રૂપમાં નહીં પરંતુ એને હળવા ડોઝમાં વાતચીત કરતા સમજ પડે એમ કહો.
*   બાળક જો તમને કહે કે એ ડ્રગ્સ લે છે,અથવા બાળકે કોઇ ખોટી વસ્તુ કરી છે અને તમને કહેવા આપે છે તો, કોઇપણ રીએકશન આપ્યા વગર, મોંઢાના ભાવ બદલ્યા વગર, અરૂચિકર શબ્દો વાપર્યા વગર, ફકત એને સાંભળો. બાળક હળવું થઇ જશે. ત્યારબાદ બાળકનો હાથ પકડો. તેને હૂંફ આપો.
*   બાળકને ફીલ કરાવો કે તમારા માટે તમારું બાળક સૌથી મહત્વનું છે. એને વિશ્વાસ આપો કે હું તારી સાથે જ છું. જો તમે બાળક પર વિશ્વાસ કરશો તો જ એ તમારા પર વિશ્વાસ કરશે.  આવી નાની-નાની પણ મહત્વની વાતોની કાળજી રાખવાથી તમારો બાળક સાથેનો સંબંધ મજબૂત બનશે અને બાળકને ખોટી દિશામાં જતાં બચાવી શકશો.

‘‘Say No to Drugs. Say yes to sports’’ : શ્રી અજયકુમાર તોમર (પોલીસ કમિશ્નર, સુરત શહેર)

તેમની સાથે ખાસ આ બાબત અંગે મુલાકાત કરી અને તેમના શબ્દોમાં, ‘’ વિશ્વમાં બધે જ ડ્રગ્સનું સામ્રાજય ફેલાયેલું છે. પછી એ વિકસિત દેશ હોય કે અવિકસિત.અફઘાનિસ્તાન જેવા ગરીબ દેશો કે જ્યાં પુષ્કળ ડ્રગ્સનું ઉત્પાદન થાય છે અને જેનું અર્થતંત્ર જ આના પર નિર્ભર છે. બીજી બાજુ છે, અમેરિકા યુરોપ જેવા સમૃદ્ધ દેશો. જે આ ડ્રગ્સ ખરીદે છે. સુરત એવા સમૃદ્ધ શહેરોમાં છે જયાં અઢળક પૈસો છે. સુરતમાંથી છેલ્લા દોઢ વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા દરોડા પાડીને પકડાયું છે. સુરતમાં ડ્રગ્સના દૂષણને ડામવા પોલીસ શકય બધાં જ પ્રયત્નો કરી રહી છે. જે ડ્રગ્સ મળી આવે તેનો નાશ પણ ધ્યાનથી કરવામાં આવે છે જેથી આ જ ડ્રગ્સ પાછું ફરતું ન થાય. પોલીસ દ્વારા ‘No drugs campaign’ પણ ચલાવાય છે અને ઠેરઠેર હોર્ડિંગ્સ મૂકીને પણ લોકોને જાગૃત કરવાના પ્રયાસો થયાં છે. અમને ડ્રગ્સ વિશેની કોઇપણ માહિતી મળે તો ત્યાં દરોડા પાડીને લોકોને પકડયા છે અને ત્યાં જે વિદ્યાર્થીઓ કે યુવાનો પકડાયા હોય તેની માહિતી જાહેર કર્યા વગર તેની career બર્બાદ ન થાય તે તકેદારી સાથે તેમને ઉગારવા શકય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે પણ સાથે ડ્રગ્સ સપ્લાય કરનારા,ડ્રગ ડીલરો, પેડલરો સુધી છેડો લંબાવીને તેમને  પકડવાનો પ્રયાસ કરીએ છીએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવતા કહ્યું કે ‘ફકત પોલીસ કશું નહીં કરી શકે. જો મા-બાપ, શિક્ષકો, મિડિયા, સમાજ ભેગા થઇને આમાં કાર્યરત થશે તો જ આ દૂષણને ડામી શકશું. મારું દૃઢપણે માનવું છે કે માબાપ દ્વારા અપાતી પૈસાની વધુ છૂટ આના માટે જવાબદાર છે અને મા-બાપને ફકત ડર લાગે છે. પરંતુ તેમના દ્વારા જોઇતા પગલાં નથી લેવાતા. શકય તેટલો સમય તમારા બાળક સાથે ગાળો, તેમને સમજો અને પ્રેમથી જ તેમની પ્રવૃત્તિ પર, તેમના મિત્રો પર, તેમના ખર્ચા પર બાજ નજર રાખો. બાળકોનો ઊંઘવા ઊઠવાનો સમય, તેની શારિરીક તંદુરસ્તી, તેનું ભોજન વગેરે પર ધ્યાન રાખવાથી બાળકમાં આવતા બદલાવ તરત પકડી શકશો. જો કોઇ ફેમિલી બર્બાદ થશે તો શહેરને બર્બાદ થતા કેવી રીતે રોકી શકીશું? કોઈના પર પણ શક જાય, આવી કોઇ પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે થતી જુઓ તો તરત જાગૃત નાગરિક તરીકે પોલીસને જાણ કરો. યુવાનો કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન જોખમાય તેની પૂરતી તકેદારી પોલીસ તરફથી રાખી તમને સંપૂર્ણ સહયોગ મળશે. શહેરને બચાવવા બધા સાથે મળીને, જાગૃત થઇને પ્રયત્નો કરીએ.

Don’t Be too Suspicious!
Don’t Be too open!
Balance it.

માતા-પિતા,ડૉકટર્સ,કાઉન્સેલર્સ, સોશિયલ વર્કર્સ અને સુરતના પોલિસ કમિશ્નર સાથે તમામ ચર્ચા બાદ નિષ્કર્ષ નીકળે છે કે, માતાપિતા જ બાળક માટે આદર્શ શિક્ષક છે.આજના સમયમાં બાળકોના મિત્ર બનીને તેમને judge કર્યા વગર સાંભળીને, કયારેક તેમની સાથે તેમનાં જેવા બનીને, તેમની સાથે શકય એટલો વધુ સમય પસાર કરીને, આ Bonding મજબૂત બનાવવું રહ્યું. જો બાળકને પોતાના ઘરમાં જ મહત્વ મળતું હશે તો ખોટું મહત્વ મેળવવા અને પોતાને સારો સાબિત કરવા બાળક બહારના લોકો અને મિત્રો પાસે જઇ ફાંફા નહીં મારે. બાળક છે, ભૂલ કરશે. ખોટું પણ કરશે. તો આ સમયે બાળક પર ઇમોશનલ અત્યાચાર નહીં કરો. તેને ધમકાવવાના બદલે, મારવાના બદલે, ખોટી ધમકીઓ આપવાના બદલે ધીરજ અને પ્રેમથી વાળો. બાળકો સાથે ડ્રગ્સ અંગે તેનાથી થતાં નુકસાન અંગે યોગ્ય સમયે યોગ્ય ચર્ચા કરો. મા-બાપ થઇને Antenna ઊંચા રાખો. બાળકોના મિત્ર વર્તુળને ઘરે બોલાવો, એમની સાથે મસ્તી કરો, એમને ઓળખો. બાળકોને ભાષણ આપીને નહીં પરંતુ રમત-રમતમાં વાતચીત કરતાં રીયલ લાઈફ ઉદાહરણો આપીને સમજાવો અને ખાસ ધ્યાન રાખો કે બાળક તમને જુએ છે અને તેનાથી જ શીખે છે તેથી પોતાનું વર્તન ખૂબ જ જવાબદારીપૂર્વકનું રાખો. બાળકો જો કોઇપણ વ્યસન કે ડ્રગ્સના રવાડે ચડે તો છોછ કે શરમ રાખ્યા વગર મનોચિકિત્સક, કાઉન્સેલરની મદદ લો. ઘરનું વાતાવરણ તંદુરસ્ત રાખો અને કોઇપણ સંજોગોમાં બાળકો સાથે Basic Communication કે વિશ્વાસ તૂટવો નહીં જોઈએ એ ધ્યાન રાખો.

Most Popular

To Top