સુરતમાં ઘણું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનો ભયાવહ કિસ્સો શહેરના સોનીફળિયા વિસ્તારમાંથી બહાર આવ્યો છે. ફુટપાથ પર રહેતા ચાર સગીર બાળકો દ્વારા સ્પિરિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનથી નશો કરતાં હતાં. નશાના દૂષણમાં ફસાયેલા આ ચારેય સગીરોને સીઆઈડી ક્રાઈમની મહિલા ટીમે પકડી પાડ્યા હતા. અને તેમને બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં આ રીતે નશો કરવાનો આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા સગીર બાળકોમાંથી બે સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. બે સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી, મા-બાપના મોત થયા હોવાથી ફૂટપાથ પર રહે છે. ચારે ચાર સગીર છોકરાઓ ફૂટપાથ પર સાથે જ રહેતા હતાં. બંને સગા ભાઈઓની ઉમર 8 વર્ષ અને 9 વર્ષ છે.
અન્ય બે બાળકોની ઉંમર 14 વર્ષ અને 15 વર્ષ છે. બંને સગા ભાઈઓના માતા-પિતા મરણ ગયેલા હોવાથી પરિવારમાં કોઈ નથી. અન્ય એક બાળક વારંવાર પિતા મારતા હોવાથી અને માતા અપંગ હોવાથી ઘરેથી તેથી ઘર છોડીને ફૂટપાથ પર રહે છે અને બીજો 15 વર્ષનો જે બાળક છે તે ઘોડો ચલાવવાનું કામ કરે છે. તેને ઘોડો ચલાવવા માટે નોકરીએ રાખવામાં આવેલો છે.
આ પ્રકારે મિશ્રણ કરેલો નશો કરતા
આ ચારેય સગીર બાળકો, સ્પિરિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશન કે જેમાં પોલિવિનાઇલ આલ્કોહોલ, પોલિવિનાઇલ એસિટેટ, ફોર્માલ્ડિહાઇડ, મિથિલ ઇથર વિગેરેનું મિશ્રણ હોય છે, તેના વડે નશો કરતા હતા. આ ઉપરાંત બૂટ પોલીશ અને ભીખ માંગતા બાળકોમાં આ નશો વ્યાપક છે. આ નશાની લત ભયંકર હોય છે અને તે ભાગ્યે જ છૂટી શકે તેમ હોય છે.
ભીખ માંગીને નશીલા પદાર્થ ખરીદતા
ઉલ્લેખનીય છે કે નશાના રવાડે ચઢ્યા બાદ વ્યક્તિ તેને પુરો કરવા ગમે તે હદ વટાવી દે છે. આ બાળકો પણ આ રીતે નશો પુરો કરવા આખો દિવસ ભીખ માંગી અને નશીલા પદાર્થ ખરીદી નશો કરતાં હતાં.