Gujarat Main

ગુજરાત ATS એ મોરબીમાંથી આ રીતે 600 કરોડનું 120 કિલો ડ્રગ્સ પકડ્યું, ભારતમાં હેરોઈન ઘુસાડવાનું ષડયંત્ર દુબઈમાં રચાયું હતું

ગુજરાતના (Gujarat) દરિયાકાંઠેથી (Sea) વધુ એક વાર ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપાયો છે. સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રાના અદાણી પોર્ટ (Adani Port) પરથી 21 હજાર કરોડના ડ્રગ્સ ઝડપાયા બાદ દ્વારકા અને હવે મોરબીમાંથી (Morbi) મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. ચોંકાવનારી વાત એ છે કે દ્વારકાની જેમ આજે પકડાયેલા ડ્રગ્સના તાર પણ પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલા છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) કમર કસી છે. ગૃહમંત્રીના આદેશના પગલે રાજ્યની પોલીસ પણ સતર્ક બની છે. આજે વધુ એકવાર રાજ્યની ATSએ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ATS એ આજે સોમવારે સવારે મોરબીના ઝીંઝુડામાંથી 120 કિલો ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આ ડ્રગ્સની બજાર કિંમત રૂપિયા 500થી 600 કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા જથ્થાને સીઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ સાથે 3 આરોપીઓ શમસુદ્દીન,ગુલામ હુસૈન,મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર ATS અને મોરબી SOGએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામમાં રવિવારે મધરાતે બંને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 120 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. પોલીસ સૂત્રો અનુસાર આ ડ્રગ્સ પાકિસ્તાનથી સપ્લાય થયું છે. પોલીસે ડ્રગ્સ પકડ્યું તેની માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટરના માધ્યમથી આપી હતી. ગૃહમંત્રીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને લખ્યું હતું કે, ગુજરાત પોલીસે વધુ એક સફળતા હાંસલ કરી છે. ગુજરાત પોલીસ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે આગેવાની લઈ રહી છે. ગુજરાત ATSએ 120 કિલો ડ્રગ્સ પકડ્યું છે. ડીજીઓ ગુજરાત ટૂંક સમયમાં આ અંગે વિસ્તૃત માહિતી પત્રકાર પરિષદમાં આપશે તેવો ઉલ્લેખ ગૃહમંત્રીએ ટ્વીટર પર કર્યો હતો.

આ અગાઉ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને સલાયામાંથી 315 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. દેવભૂમિનો દરિયાકાંઠો ડ્રગ્સના સપ્લાયર્સ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની જળસીમા નજીક આ દરિયાઈ પટ્ટી ઉપર 22 નિર્જન ટાપુઓ છે. બેટ દ્વારકા તીર્થધામ હોવાથી અહીં પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે, તેથી સરળતાથી ડ્રગ્સ ઘુસાડી શકાય છે. આ ઉપરાંત ભેદર, મનમરોલી, દબદબો, પગાર, કાળુભાર, ડની, સોહનીવાળ જેવા 22 ટાપુ પ્રતિબંધિત છે. અહીં મંજૂરી વગર પ્રવાસી જઈ શકતા નથી. આ ટાપુઓ પાકિસ્તાનની જળસીમા નજીક છે તેથી તેનો ડ્રગ્સના સપ્લાય માટે દુરુપયોગ થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ટાપુઓ પર પેટ્રોલિંગ થતું નહીં હોવાથી ડ્રગ્સ સપ્લાયર્સ સરળતાથી ડ્રગ્સ ઘુસાડી રહ્યાં છે.

આ રીતે પકડાયું 600 કરોડનું ડ્રગ્સ, આફ્રિકા મોકલવાનું હેરોઈન ભારતમાં વેચવાની લાલચ ભારે પડી

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, રવિવારની રાત્રે આરોપીઓ ડ્રગ્સ સગેવગે કરવાના છે. તેથી એટીએસે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીન હુસૈનમિયાં સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા મકાનમાં દરોડો પાડી 120 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સનું કન્સાઈનમેન્ટની આં.રા. બજાર કિંમત 600 કરોડ હોવાનો અંદાજ છે. પોલીસે મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ (ઉં.વ. 39, રહે. બસ સ્ટેન્ડ રોડ, જોડીયા, જામનગર), સમુસુદ્દીન હુસૈનમિયાં સૈયદ (ઉં.વ. 37, રહે. ઝીંઝુડા, મોરબી ) અને ગુલામ હુસૈન ઉમર ભગાડ (રહે. સલાયા, દ્વારકા)ની ધરપકડ કરી છે.

પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત બહાર આવી છે કે, આ ડ્રગ્સ ગુલામ, જબ્બાર તથા ઈસા રાવ (રહે. જોડીયા) એ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યું હતું. આ હેરોઈનની ડિલીવરી ઓક્ટોબર મહિનાના છેલ્લાં અઠવાડિયામાં મધદરિયે લીધી હતી. ત્યાર બાદ ડ્રગ્સનો જથ્થો દ્વારકાના દરિયા કિનારે અવાવરૂ જગ્યામાં સંતાડ્યો હતો. બાદમાં આ હેરોઈન ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીરની દરગાહ પાસે સમુસુદ્દીન સૈયદના નવા મકાનમાં સંતાડ્યું હતું. ઈસા હુસૈન રાવ એ આરોપી મુખ્તાર જોડીયાનો કાકો થાય છે તથા હાલ વોન્ટેડ છે.

ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જાય છે

પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત બહાર આવી છે કે ગુલામ તથા જબ્બાર અવારનવાર દુબઈ જતા હોય ત્યાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની સંભાવના છે. પાકિસ્તાની ઝાહેદ બલોચ ડીઆરઆઈના 2019ના 227 કિલો હેરોઈનના ગુનામાં વોન્ટેડ છે.

દુબઈના સોમાલીમાં રચાયું ષડયંત્ર
ડ્રગ્સ-હેરોઈનના મોટાભાગના કેસના મૂળ મધ્યપૂર્વી દેશો હોવાનું જોવામાં આવ્યું છે ત્યારે આ કેસનો છેડો પણ સંયુક્ત આરબ અમીરાતના સોમાલી કેન્ટીન ખાતેનો મળ્યો છે. આ કન્સાઈનમેન્ટ ભારતીય દાણચોરોને આપવામાં આવવાનું હતું જે બાદમાં તેઓ દ્વારા આફ્રિકન દેશમાં મોકલવાનું હતું. પાકિસ્તાન અને ઈરાનના માદક પદાર્થોના દાણચોરોની સામાન્ય મોડસ ઓપરેન્ડી તેમના ભારતીય પેડલર્સનો ઉપયોગ કરીને ડ્રગ્સને તેમના વાહકો દ્વારા લઈ જવામાં આવે છે. જો કે આ કિસ્સામાં એવું બહાર આવ્યું છે કે ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીઓએ આફ્રિકા જતા આ કન્સાઈનમેન્ટને પોતે મેળવી લેવાની લાલચના કારણે ભારતમાં ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતમાં ખરીદદારોને આ નશીલો પદાર્થ હેરોઈન વેચવાનો તેમનો હેતુ હતો.

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ડ્રગ્સની હેરફેર માટે ભારતીય પોર્ટનો ઉપયોગ કરવાનું કારણ એ પણ છે કે તેની ઉપર અન્ય દેશોના કોસ્ટગાર્ડ અને નૌકાદળને જલ્દી શંકા થતી નથી. વધુમાં મળેલી વિગત અનુસાર આરોપી ગુલામ ભગાડ તાજેતરમાં સલાયા ખાતે મહોર્રમ તાજીયા વખતે રાયોટીંગના ગુનામાં પકડાયો હતો. મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયા પણ નામચીન દાણચોર છે. વિદેશના કેટલાંય કાર્ટેલ્સ સાથે તે સંપર્કમાં હતો. 2020માં જબ્બારે તેની બોટ કરાચી, પાકિસ્તાન ખાતે એન્જીનની ખરાબીના કારોણસર ડોક કરી હતી ત્યારે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા અટકાયત કરાઈ હતી. 3 દિવસ સુધી પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI તથા પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા પૂછપરછ કરાઈ હતી.

ગુજરાતમાં પાંચ મહિનામાં ડ્રગ્સના 21 કેસ નોંધાયા, 52 લોકોની ધરપકડ

અત્યાર સુધી ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ સામે આવ્યા છે. પોલીસ અને NCBએ 6.6 કરોડના માદક પદાર્થો જપ્ત કર્યા છે. રાજ્યમાં રેલવે, માર્ગ અને હવાઇ માર્ગે હેરાફેરીમાં અત્યાર સુધી 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધાયા છે. જેમાં 117 વ્યક્તિગત વપરાશના કેસ સામે હોવાનું સામે આવ્યું છે. 2019માં NDPSના 289 કેસ નોંધાયા જેમાં 112 અંગત વપરાશ માટેના હતા તો બીજી તરફ 2018માં 150 કેસ નોંધાયા જેમાં 60 કેસો અંગત ઉપયોગ માટે ડ્રગ્સ વાપરતા હોવાનું ખુલ્યું હતું.

24 ઓક્ટોબરે અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયુ, તો 23 ઓક્ટોબરે વડોદરામાંથી ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું, જ્યારે 22 ઓક્ટોબરે રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, એટલું જ નહીં 12 ઓક્ટોબરે ડિસામાંથી 15 લાખનું ડ્રગ્સ ઝડપાયું તો 26 સપ્ટેમ્બરે સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો..જ્યારે 25 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખનું MD ડ્રગ્સ જપ્ત પકડાયું હતું, જ્યારે 20 સપ્ટેમ્બરે પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા હતા. જ્યારે 4 ઓગસ્ટે વલસાડથી MD ડ્રગ્સ બનાવતી કંપની પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top