અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. આવા જ એક ડ્રગ્સના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરી અમદાવાદ શહેરના નવા નરોડામાંથી ડ્રગ્સ બનાવતી એક મીની લેબોરેટરી શોધી કાઢી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરી ચૂકેલા આ બે વ્યક્તિઓએ ઉભી કરેલી મીની લેબોરેટરીમાં ડ્રગ્સ બનાવી તેનું વેચાણ કરતા હતા.
અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું મોટાપાયે વેચાણ ચાલી રહ્યું છે. ખાસ કરીને ચાની કીટલી, પાનના ગલ્લા અને શૈક્ષણિક સંકુલની આસપાસ નાની-નાની પડીકીઓમાં ડ્રગ્સના વેચાણનો મોટો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાંથી રાસાયણિક પદાર્થો મેળવીને ડ્રગ્સ બનાવતી એક મીની લેબોરેટરી ઝડપી લઇ બે આરોપીઓ પંકજ પટેલ અને બીપીન પટેલની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પંકજ પટેલ અને બિપીન પટેલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હોવાથી કેમિકલ વિશે તેઓને જાણકારી છે. અગાઉ તેવો ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ પણ કરી ચૂક્યા છે. સાયન્સની જાણકારી હોવાથી જુદા જુદા કેમિકલ ભેગા કરી ડ્રગ્સ બનાવવાનો કારોબાર શરૂ કર્યો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.