આણંદ: આણંદ જિલ્લાના ડભોઉ ગામે અકસ્માતે હવડ કૂવામાં પડી ગયેલા એક 6 ફૂટ મગરને મંગળવારના રોજ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને વનવિભાગની ટીમે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને હવડ કૂવામાં પડી ગયેલા મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં તેને પ્રાકૃતિક નિવાસમાં પુનઃ વસવાટ માટે મુક્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં મળતી વિગત મુજબ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે હવડ કૂવામાં એક વિશાળ મગર પડ્યો હોવાની જાણ નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગરની ટીમે હેલ્પલાઈન મારફતે થઈ હતી. સંસ્થામાંથી સ્વયં સેવક મિત્રો અને વન વિભાગના સભ્યો સાધનોથી સજ્જ થઈ તાબળતોબ ડભોઉ ગામે પહોંચી ગયા હતા. અને લગભગ 4 કલાકની ભારે જહેમત બાદ મગરને ગાડીયાની મદદથી પાંજરે પૂર્યો હતો.
વધુમાં નેચર હેલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા મુજબ પકડાયેલ મગર 6 ફૂટ લંબાઈનો છે. મગર માઈગ્રેશન રૂટમાં કૂવામાં પડી ગયો હતો. કૂવામાંથી મગરને બહાર કાઢવો જરૂરી હતો.