Madhya Gujarat

ચરોતરમાં ડ્રોનની રહસ્યમયી ઉડાનોથી ભયનો માહોલ

નડિયાદ: ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે આકાશમાં ડ્રોનની રહસ્યમી ઉડાન જોવા મળી રહી છે. છેલ્લાં ચારેક દિવસથી આકાશમાં ડ્રોન ઉડતાં જોઈ જે તે વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાયો છે અને તેમની રાતોની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે પોલીસતંત્ર દ્વારા આકાશમાં ઉડતાં આ રહસ્યમયી ડ્રોન બાબતે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડા તાલુકાના પરસાંતજ, ખુમરવાડ, ભાઠા વિસ્તારમાં, મહેમદાવાદ તાલુકાના રૂદણ, જાળીયા, છાપરા તેમજ માતર તાલુકાના સંધાણા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં ચારેક દિવસથી મોડી રાત્રીના સમયે આકાશમાં ડ્રોન ઉડી રહ્યાં છે.

દરરોજ રાત્રીના ૯:૩૦ થી ૧૧ વાગ્યાના અરસામાં આકાશમાં એક કરતાં વધુ ડ્રોન આકાશમાં સતત ચક્કર લગાવી રહ્યાં હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે જે તે વિસ્તારના રહીશોએ પોલીસમથકમાં જાણ કરતાં, પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસની ટીમ તપાસમાં પહોંચતાની સાથે જ આકાશમાં ઉડતાં ડ્રોન એકાએક ગાયબ થઈ જાય છે. જેને પગલે રહસ્યમયી ડ્રોન અંગે પોલીસને હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી. અલબત્ત, આ મામલાને પોલીસે ગંભીરતાથી લીધી છે. ડ્રોનની તપાસ માટે ખાસ ટીમો બનાવી વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે. જેમાં કોઇ કડી મળી શકે છે.

પરસાંતજ ગામના રહીશોની ઉંઘ ઉડી ગઈ
આકાશમાં ઉડતાં રહસ્યમયી ડ્રોન મામલે ખેડા તાલુકાના પરસાંતજ ગામના સરપંચ જણાવે છે કે છેલ્લા ૪ દિવસથી રાત્રીના સમયે આકાશમાં ઉડી રહેલાં ડ્રોનને જોઈ ગ્રામજનોમાં ભય ઉભો થયો છે. જ્યાં સુધી આકાશમાં ડ્રોન દેખાય છે, ત્યાં સુધી ગ્રામજનો ઉંઘી શકતાં નથી. આ બાબતે ખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસની ટીમે એક વખત ગામમાં આવી હતી. પરંતુ હજુ સુધી ડ્રોન બાબતે કોઈ જાણકારી મળી ન હોવાથી ગ્રામજનોમાં ભય યથાવત છે.

ખેડા જિલ્લા એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસની ટીમ તપાસમાં લાગી
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતાં હોવાની માહિતી પોલીસને મળી છે. જેના આધારે પોલીસની ટીમ જે તે વિસ્તારમાં તપાસ માટે જાય છે. પરંતુ પોલીસને હજી સુધી આવા ડ્રોન જોવા મળ્યાં નથી. ગ્રામજનોએ મોબાઈલમાં ડ્રોનના ફોટા પાડ્યાં છે. તે જોતાં આકાશમાં ડ્રોન ઉડી રહ્યાં હોવાની વાત સાચી છે. હાલ, આ રહસ્યમયી ડ્રોન મામલે ખેડા એસ.ઓ.જી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમ સતત રાત્રી પેટ્રોલીંગ પણ કરી રહી છે. સરકારના કાયદા મુજબ અમુક પ્રકારના ડ્રોન પરમિશન વિના ઉડાડી શકાતાં નથી. આ કિસ્સામાં જો કોઈ વ્યક્તિ પ્રેક્ટીસ માટે કે અન્ય કોઈ હેતુસર પરમિશન વિના ડ્રોન ઉડાડતાં હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે યોગ્ય પગલાં ભરવામાં આવશે.

અરડીમાં ડ્રોનને લઇ લોકો રાત્રી જાગરણ કરવા મજબુર
ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારોમાં અવકાશમાંથી ગોળાકાર બોલ આકારનો પદાર્થ પડ્યાની ઘટનાનું સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી. તે દરમિયાન અરડીમાં છેલ્લા બે દિવસથી મોડી રાત્રે છ જેટલા ડ્રોન આકાશમાં ઉડતા ગ્રામજનો છેલ્લા બે દિવસથી ભયભીત થઈ આખી રાત જાગતા બેસી રહ્યા હતાં.
ઉમરેઠ તાલુકાના અરડી ગામના સીમ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિના સમયે નાના મોટા 6 ડ્રોન ઊડતાં હોય લોકો ભયભીત બની ગયા છે. મોડી રાત્રે શુરૂ થતો આ ખેલ વહેલી સવાર સુધી ચાલે છે. દરમિયાન સોમવારે રાત્રે એક ડ્રોન લોકોએ પથ્થર મારી તોડી પાડતાં નીચે પટકાયું હતું. આ ડ્રોનમાં નાઈટ વિઝન કેમેરા હોવાનું માલૂમ પડ્યું હતું. જેના કારણે ગ્રામજનોમાં ભય ફેલાયો છે. આ અંગે ભાલેજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ. ઝાલાને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે, અરડીમાં જે પકડાયું છે. તે ડ્રોન નથી માત્ર રમકડાનું વિમાન છે અને તે અમે કબ્જે લઇ લીધું છે બીજી તપાસ ચાલુ છે.

Most Popular

To Top