Top News

ઓમાનમાં ડ્રોન હુમલાનો કહેર

2 ભારતીયોના મોત, 10 ઘાયલ; મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે વધતી ચિંતા

મધ્ય પૂર્વમાં વધી રહેલા ઈરાન-અમેરિકા સંઘર્ષની વચ્ચે ઓમાનમાંથી ભારત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ઓમાનના સોહાર શહેરના અલ અવાહી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થયેલા ડ્રોન હુમલામાં બે ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે 10 ભારતીયો ઘાયલ થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. પશ્ચિમ એશિયાની જમીન પર સંઘર્ષ શરૂ થયા બાદ ભારતીયોના મોતની આ પહેલી ઘટના માનવામાં આવી રહી છે.

વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (ગલ્ફ) અસીમ મહાજને આંતર-મંત્રાલયીય બ્રિફિંગ દરમિયાન જણાવ્યું કે સોહારમાં થયેલા આ હુમલામાં કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 10 ભારતીય હતા. તેમણે કહ્યું કે પાંચ ભારતીયોને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે બાકીના પાંચ હજુ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમ છતાં, કોઈની હાલત ગંભીર નથી.

ઓમાન ન્યૂઝ એજન્સી (ONA)એ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યું કે સોહારમાં બે માનવરહિત ડ્રોન ક્રેશ થયા હતા, જેમાંથી એક ડ્રોન અલ અવાહી ઇન્ડસ્ટ્રીયલ ઝોન પર પડ્યો હતો. આ હુમલામાં બે વિદેશી કામદારોનાં મોત થયા હતા, જે ભારતીય હોવાનું બાદમાં સ્પષ્ટ થયું.

ફેબ્રુઆરી 28થી શરૂ થયેલા ઈરાન-અમેરિકા સંઘર્ષ બાદ સમુદ્રમાં વેપારી જહાજો અને તેલ ટેન્કરો પર હુમલાઓમાં ત્રણ ભારતીય નાવિકોના મોત થયા છે અને એક હજુ ગુમ હોવાનું કહેવામાં આવે છે. અત્યાર સુધી જમીન પર ભારતીયોના મોતની કોઈ ઘટના નોંધાઈ નહોતી. તેથી ઓમાનની આ ઘટના ભારત સરકાર માટે વધુ ચિંતાનો વિષય બની છે.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ઇરાકના બસરા નજીક હુમલાગ્રસ્ત થયેલા અમેરિકન માલિકીની તેલ ટેન્કર Safesea Vishnu ના 15 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે હોટેલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું અને તેના મૃતદેહને ભારત લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.

મધ્ય પૂર્વમાં રહેતા લગભગ 1 કરોડ ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા બની છે. સરકારના જણાવ્યા મુજબ 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 1.5 લાખ ભારતીયો પશ્ચિમ એશિયાથી પરત ફર્યા છે. તેમાં કતારથી 2,900 અને બહેરીનથી 1,000 ભારતીયોની વતન વાપસી થઈ છે. UAE અને સાઉદી અરેબિયાથી પણ ખાસ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે મધ્ય પૂર્વનો સંઘર્ષ હવે સીધી રીતે ભારતીયોને અસર કરતો જઈ રહ્યો છે.

Most Popular

To Top