Charchapatra

સપનાંઓ

આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી A.P.J અબ્દુલ કલામનો એક બહુ જ પ્રખ્યાત સુવિચાર છે કે ‘ સપનાંઓ એ નથી જે આપણે રાત્રે ઊંઘવામાં જોઈએ છીએ, પણ સપનાંઓ એ છે કે જે આપણને રાત્રે ઊંઘવા જ નથી દેતાં.’ હવે આપણે સપનાંઓની વ્યાખ્યા કાઢીએ તો એ માણસ પ્રતિ માણસ બદલાતી હોય છે. જેમ કે કોઈના માટે એક પોતાનું ઘર લેવું એ સપનું છે, તો કોઈના માટે મનગમતી વ્યક્તિ જોડે રહેવું સપનું છે, તો કોઈના માટે માત્ર બે ટંક પૂરતું ભોજન મળે એ જ મોટું સપનું છે, જ્યારે કોઈ વિદ્યાર્થી માટે કોઈક સારી યુનિવર્સિટીમાં ભણવું એ સપનું જ છે.

આપણે આમ જોઈએ તો સપનાં જોવાં એમાં કંઈ પણ ખોટું નથી. પણ જોયેલાં સપનાં પૂરાં નથી થતાં ત્યારે ઘણું જ દુ:ખ થાય છે. હા, લોકો હતાશ પણ થાય છે ને એ બહુ જ સામાન્ય વાત છે. આની પાછળ માત્ર બે જ કારણો દેખાય છે – એક અપૂરતી કોશિશ ને ભાગ્યનો અભાવ. હવે આપણે ભાગ્ય બદલાવા તો જવાના નથી. તો અહીંયા નિરાશ થવાની જગ્યાએ થોડી કોશિશ વધારવાની જરૂરિયાત છે. ગીતાજીમાં પણ લખ્યું છે કે આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવી જોઈએ, પણ આખરે કર્મ તો આપણા હાથમાં જ છે. તો બની શકે કે કદાચ થોડું વધારે આપવાથી કોઈ સપનું પૂરું થઇ જાય.
સુરત     – નીલ જીબ્રેશ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top