Columns

સુરતમાં નાટ્‌યપ્રવૃત્તિ ઠપ્પ થઇ તેનાં કારણો કયા?

સુરતમાં અને સુરતની નાટ્‌ય પ્રવૃત્તિ લગભગ ઠપ્પ પડી છે. મુંબઇથી નાટકો આવે ત્યારે સુરતના પ્રેક્ષકોને લાગે કે નાટકની પ્રવૃત્તિ ચાલે છે. સુરતના નાટ્‌ય જૂથોનાં નાટકો તેઓ પૈસા ખર્ચી જોતાં નથી અને એટલે સ્થાનિક નાટ્‌ય જૂથોનું નાટકનું અર્થકારણ ઊભું જ થતું નથી. સુરત મહાનગરપાલિકા યા ગુજરાત સરકાર યા મુંબઇ-ભવન્સ જો સ્પર્ધાઓ યોજે તો સુરતનાં મંડળો નાટક કરવા તૈયાર થાય. વિત્યાં 3 વર્ષથી આવી સ્પર્ધાઓ શકય નથી બની એટલે સુરતના નાટ્‌ય કળાકારો પણ નાટક નથી કરતા. સ્પર્ધાના અવલંબનથી નાટકો થતા હોય તો આવા સંજોગ ઊભા જ થાય.

બીજી સ્થિતિ એ ઊભી થઇ છે કે મહાનગરપાલિકાએ લાંબો સમય ગાંધી સ્મૃતિ ભવન બંધ રાખ્યું અને પછી તેને તોડી નાંખ્યું. હવે એ જગ્યાએ ફરી નાટ્‌યગૃહ કયારે બનશે તે વિશે માહિતી આપવાની જાહેર જવાબદારી પાલિકા અનુભવતું નથી. તેમની પાસે સંજીવકુમાર ઓડિટોરિયમ છે તે એટલું મોટું છે કે સુરત તો શું મુંબઇની વ્યવસાયી રંગભૂમિના નિર્માતાઓ પણ ત્યાં નાટક ભજવવા તૈયાર ન થાય. ઓડિટોરિયમ ભરવું કઇ રીતે? પાલિકા પાસે સરદાર સ્મૃતિ પ્રેક્ષાગૃહ છે પણ વરાછા રોડ પર જયાં નાટકનો પ્રેક્ષક નથી. આ ઉપરાંત પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવ્યું પણ તે તો પાલિકાના કેટલાક કર્મચારીઓની સેલરી ચાલુ રહે એ માટે હોવાનું લાગે છે.

ત્યાં પાલિકા નથી ઇચ્છતી કે ત્યાં નાટકની પ્રવૃત્તિ નિયમિત બને. ત્યાં મુંબઇની વ્યવસાયી રંગભૂમિના નાટકો તો થવાના નથી અને સ્થાનિક રંગભૂમિવાળાઓને પણ જો પરવડે એ  રીતે આર્ટ સેન્ટર ન અપાતું હોય તો તે બંધ જ રહેવાનું. એવું લાગે છે કે મહાનગરપાલિકાએ કોઇ યોજના વિના જ આ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવી દીધું છે. મહાનગરપાલિકા નાટ્‌યગૃહો બનાવે તે સારી વાત કહેવાય પણ તેમણે સુરત અને મુંબઇ, અમદાવાદના કેટલાંક કળાકાર પ્રતિનિધિઓનું સલાહકાર મંડળ બનાવવું જોઇએ અને તેઓ યોગ્ય રીતે કામ કરે તેવું માળખું બનાવવું જોઇએ પણ પાલિકા જેવી જાહેર સંસ્થા બિલકુલ પોતાની રીતે જ આ નાટ્‌યગૃહોનું સંચાલન કરે છે.

ગાંધી સ્મૃતિ ભવન એક માત્ર એવું નાટ્‌યગૃહ હતું જે પ્રેક્ષકો માટે નિયમિત સ્થાન બન્યું હતું અને મુંબઇ, સુરતની નાટ્‌ય સંસ્થાઓ ત્યાં નાટક ભજવવા તત્પર રહેતી. હવે તે જ પાડી નખાયું એટલે નાટકની ભજવણી જ જાણે બંધ થઇ. સુરતના પ્રેક્ષકો ચળવળ કરે એવા મિજાજના નથી અને નાટ્‌ય જૂથો તો કઇ રીતે કરે? તેઓના નાટકો મહાનગરપાલિકાની સ્પર્ધાના આયોજન વડે જ થતા રહ્યા હોય તો વિરોધ ન થાય. મહાનગરપાલિકાએ ચિત્ર પ્રદર્શન માટે જે ગેલેરી ઊભી કરી તે પણ અવ્યવહારુ ભાડા અને નિયમો સાથે ચલાવવી હોય તો કયાંથી ચાલે? જો કે હવે બીજી એક મહત્ત્વની ગેલેરી ઊભી થઇ છે પણ તેઓ ય વધારે ભાડા વસૂલવામાં માને છે. સુરત કાંઇ મુંબઇ, કલકત્તા, દિલ્હી નથી કે જયાં પેન્ટિંગનું બજાર ઊભું થયું હોય. સુરત પાસે એવા સુખ્યાત ચિત્રકારો પણ નથી.

સુરતની રંગભૂમિની કરુણતા જે છે તે ગુજરાત આખાની રંગભૂમિની કરુણતા છે. સુરતે જેમ ચિત્રકળા ક્ષેત્રે હુસેન, રઝા, તૈયબ મહેતા, ભૂપેન ખખ્ખર ઊભા નથી કર્યા તેમ રંગભૂમિએ કોઇ પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, શૈલેશ દવે કે ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોશી નથી ઊભા કર્યા. સુરતની બહાર સુરતના નાટકોની વ્યવસાયી ભજવણી શકય નથી. સુરત નહીં, અમદાવાદ, વડોદરા, ભાવનગર કે જામનગરના નાટકો પણ ગુજરાત વ્યાપી ભજવણી કરી શકે અને બોકસ ઓફિસની શરતે ભજવણી શકય બને એવું થયું નથી. વડા પ્રધાન મોદી આત્મનિર્ભર બનવાની વાત કરે છે એવી કોઇ આત્મનિર્ભરતાની દિશામાં ગુજરાતની રંગભૂમિ કયારેય આગળ વધી નથી. તેણે આ માટે કોઇ માળખું વિચાર્યું જ નથી. એવા સંજોગોમાં સુરત મહાનગરપાલિકા સગવડ ન આપે તો નાટક ન થાય.

બાકી, સુરતમાં સિનેમા થિયેટર્સ રેગ્યુલર થઇ ચૂકયાને ય મહિનાઓ થયા. લોકો પાસે સિનેમા અને TV ઉપરાંત મનોરંજનના વિકલ્પ હોવા જોઇએ અને સુરત મોટું છે તો તેની પાસે નાટક, નૃત્ય, સંગીત, ચિત્રકળાની પ્રવૃત્તિ નિયમિત બનવી જોઇએ પણ તેમ નથી થતું. મુંબઇમાં પૃથ્વી થિયેટર ફકત 200 બેઠક ધરાવતું નાટ્‌યગૃહ છે પણ તે મુંબઇની રંગભૂમિમાં આંદોલનનું વાહક બની શકયું અને તેનું કારણ તેના સંચાલકોની દૃષ્ટિ હતી. બાકી, ત્યાં ટાટા પાસે NCPA છે અને નરીમાન પોઇન્ટ પર સમુદ્ર તટે છે. ઉદ્યોગ ગૃહનું સંચાલન હોય તો તે વધારે સારી રીતે ચાલવું જોઇતું હતું પણ તેમ થયું નહીં. સુરતમાં થોડાં નાટ્‌યગૃહો છે પણ તેમની પાસે દૃષ્ટિવંત વ્યવહારુ સંચાલન દૃષ્ટિ નથી.

સુરતની ઘણી સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટી પાસે પણ પ્રેક્ષાગૃહ અથવા હોલ છે પણ સુરતનાં નાટ્‌ય જૂથ ત્યાં નાટક નહીં ભજવે. મુંબઇમાં છબીલદાસ જેવી સ્કૂલમાં અરવિંદ દેશપાંડે, સુલભા દેશપાંડે, સત્યદેવ દૂબે, વિજય તેંડુલકર જેવા અનેકો નાટક ભજવતાં ને આંદોલન ઊભું કરેલું. સુરતમાં એવું થતું નથી, થયું નથી એટલે જો નાટકની પ્રવૃત્તિ અત્યારે બંધ હોય તો રહેશે. આઝાદી પછી ગુજરાતી સુગમ સંગીત કોઇ સ્થાન ઊભું કરી શકેલું નહીં તો મુંબઇ, અમદાવાદના સુગમ સંગીતકારો, ગાયકોએ ભારતીય વિદ્યાભવન સાથે મળી આંદોલનાત્મક પ્રવૃત્તિ કરેલી અને સુગમ સંગીત લોકોમાં ગયું. એવું કોઇ નાટક માટે કરવા ગુજરાતમાં તૈયાર છે?
-બકુલ ટેલર

Most Popular

To Top