Vadodara

ડ્રેનેજ ચોકઅપ : દૂષિત પાણીથી લોકો ત્રાહિમામ

વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના વહીવટી વોર્ડ 13 માં સમાવિષ્ટ બકરાવાડી ડો.આંબેડકર સ્ટેચ્યુ પાસે ડ્રેનેજ પ્રેશર લાઇનમાં ભંગાણ પડતાં નાગરિકો ડ્રેનેજ ચોકઅપ અને ગંદા  પીવાના પાણીથી ત્રસ્ત થઇ ગયા છે.ગંદા કાળા પાણીના કારણે અમુક વિસ્તારોમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત સેવાઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાના વહીવટી ઇલેક્શન વોર્ડ નં.13 માં આવેલ જયરત્ન બિલ્ડીંગ, આર.વી.દેસાઇ રોડ, વસંત વિહાર સોસાયટી, સિધ્ધનાથ રોડ, તાનાજીની ગલી, ખારવાવાડ શ્યામદાસ ફળિયું, તંબોળી વાડ, બકરાવાડી, મદનઝાંપા રોડ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હતી.જેના કારણે આ તમામ વિસ્તારોમાં ગંદુ અને કાળુ પીવાનું પાણી આવતું હતું.

તે સમસ્યાના નિરાકરણ માટે વહીવટી વોર્ડ નં.13 ના ડ્રેનેજ વિભાગ તરફથી ડ્રેનેજ લાઇન સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જે કામગીરીના ભાગરૂપે બકરાવાડી મદનઝાંપા રોડ પર ડો.આંબેડકર સ્ટેચ્યુ પાસેના ભાગમાં મેનહોલ મળતુ ના હોવાથી તેને શોધવા માટે તંત્ર દ્વારા ખોદકામ કરી કામગીરી કરવામાં આવી હતી.પરંતુ જે જગ્યાએ ખોદકામ કર્યુ હતું.ત્યાં મેનહોલની જગ્યાએ ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા સુએઝ પંપીંગમાં જોડાણ કરતી મોટી પ્રેશર લાઇન મળી આવી હતી.જે જોડાણના ભાગથી ખુલ્લી પડી હતી.

જેના કારણે જમીનની અંદર લીકેજના કારણે ડ્રેનેજનું પાણી નિકળતું હતું.જે ખાડો ખોદતા આખો ખાડો ડ્રેનેજ પ્રેશર લાઇન પાણીથી ભરાઇ ગયો હતો.જેને વોર્ડના તંત્ર દ્વારા અધુરી કામગીરી કરી ખાડો પુરી દેવામાં આવ્યો હતો.આ અંગે સ્થાનિક કોંગ્રેસના નગર સેવકે લાગતા વળગતા અધિકારીઓને પુછતા તેઓએ જણાવ્યું હતું કે આ કામગીરી ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગે કરવાની છે.અમારી કામગીરી નથી.વહીવટી તંત્રના અણઘડ વહીવટના કારણે અને સંકલનના અભાવના કારણે મારા વોર્ડના નાગરિકો ડ્રેનેજ ચોકઅપ અને ગંદા પીવાના પાણીથી ત્રસ્ત થઇ ગયા છે.ગંદા કાળા પાણીના કારણે અમુક વિસ્તારોમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત સેવાઇ રહી છે. ત્યારે વહેલામાં વહેલી તકે લાગતા વળગતા જે તે અધિકારીઓએ સંકલન કરી કામગીરી કરાવવા સૂચન કર્યું હતું.આ કામગીરી વહેલી તકે નહી કરવામાં આવે તો કામગીરીના સ્થળે પડેલો ખાડાવાળા ભાગમાં મોટો ભુવો પડે તેવી દહેશત ઊભી થઈ છે.જેના કારણે કોઇ જાનહાની કે કોઇ ઇમારત ઢસડાઇ ન પડે તે ચિંતાનો વિષય છે.  

Most Popular

To Top