Vadodara

કોરોના કાળમાં માનવ સેવાને વરેલા ડો.શીતલ મિસ્ત્રી

વડોદરા: જાણીતા સર્જન અને લોકસેવા માટે ઉચ્ચ સરકારી નોકરી છોડી વોર્ડ.6ના નગર સેવક બનેલા ડો.શીતલ મિસ્ત્રીએ છેલ્લા સવા વર્ષ દરમિયાન 22000થી વધુ લોકોને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની ઉમદા સારવાર ઉપલબ્ધ કરાવવાની ભગીરથ કામગીરીનું સંકલન કર્યું છે. તેમણે આજે પોતાના વિસ્તારમાં કોરોના કીટ વિતરણનું  આયોજન કર્યું હતું. તેમના વોર્ડના કામોમાં આ વિસ્તારના પાયાના કાર્યકરોનો એક ટીમ તરીકે ખૂબ ઉમદા સહયોગ મળી રહ્યો છે જેનો તેઓ ઋણ સ્વીકાર કરે છે.

તે દરમિયાન નૂતન સૌરભ સોસાયટી ના જીગ્નેશભાઈ વ્યાસે  જાહેરમાં તેમની મદદરૂપ બનવાની વૃત્તિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ડોકટર સાહેબના લીધે જીવન મરણ ની કટોકટીના સમયે મારા સ્વજન ને આઇસીયુ માં બેડ મળ્યો હતો.ઘટના એવી હતી કે તાજેતરમાં મે મહિનાની શરૂઆતમાં તેમના પરિવારના એક કોરોના પીડિત મહિલા માટે આઇસીયુ બેડની અનિવાર્ય જરૂર હતી. તેમણે ડોકટર શીતલનો સંપર્ક કરતાં તેમણે તુરત જ ઉચિત સંકલન કરી ગોત્રી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ કરાવ્યો હતો.

નગર સેવક બનતા પહેલા ડો.મિસ્ત્રી એ લગભગ એક વર્ષ સુધી,કોરોના ના રોગચાળાની સારવાર ની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ખાતે શરૂઆત અને તેને સુવ્યવસ્થિત બનાવવા  ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ રાત દિવસ કામ કર્યું હતું.બેડ વૃદ્ધિ,ઓકસીજન પુરવઠાની વ્યવસ્થા સહિત ના તમામ આયોજનો સમયસર અમલમાં મુકાય અને સર્વ સ્તરે સંકલન જળવાય તે માટે તેમને અથાક પરિશ્રમ કર્યો.તેની સાથે સેવાભાવી સંસ્થાઓ હોસ્પિટલ ને જરૂરી તબીબી સાધન સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં મદદરૂપ બને તે માટેના તેમના સઘન પ્રયત્નો પણ સફળ રહ્યાં.

તે પછી નગર સેવકના પદ માટે  પક્ષ દ્વારા પસંદગી થતાં તેમણે ઉચ્ચ સરકારી નોકરી માં થી રાજીનામું આપ્યું અને જાહેર જીવનમાં લોક સેવાના ધ્યેય સાથે જાગૃત નગર સેવકની ભૂમિકા અદા કરવાનું શરૂ કર્યું.તેમની ઉમદા અને અનિવાર્ય સેવાઓને ધ્યાનમાં લઈને તેમને ગોત્રી હોસ્પિટલમાં કોરોના સારવાર સલાહકાર બનાવવામાં આવ્યા. આ તબીબ નગર સેવકે તેમના વોર્ડમાં કોરોના ની હોમ બેઝડ સારવાર હેઠળના લોકોને સંજીવની અભિયાન ટીમ સાથે મળીને ટ્રીટમેન્ટ ની ઉચિત લાઈન નું માર્ગદર્શન આપ્યું.

તેઓ  વોટ્સેપ પર દર્દીના લક્ષણો ને આધારે જરૂરી દવાઓ અને કાળજી નું માર્ગદર્શન આજ દિન સુધી આપી રહ્યાં છે. આ દરમિયાન તેમને પોતાને અને પત્ની તથા પરિવારજનોને કોરોના થયો. તેમ છતાં, ફરજના પથ પર થી ચલિત થયાં વગર સાજા થયાં પછી તેમણે કોવિડ સારવાર સુવિધાઓના વિસ્તરણ અને સંકલનમાં યોગદાન આપવાનું સતત ચાલુ જ રાખ્યું છે.
તેની સાથે તેમણે વાયરસના નવા નવા સ્વરૂપો, જાગતિક પ્રવાહો, મ્યુકરના રોગની ખાસીયતો, બચાવની તકેદારી વિષયક લોક શિક્ષણનું વ્યાપક કામ ટીવી ચર્ચાઓ અને વેબીનાર જેવા માધ્યમોથી કર્યું છે.

Most Popular

To Top