આણંદ: આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદના નેતા પ્રવીણભાઈ તોગડીયાએ આણંદની મુલાકાતે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ વડોદરા અને આણંદ થઈ તેઓ નડિયાદ બાદ અમદાવાદ પહોંચવાના હોવાનું જણાવ્યું હતું. આગામી 2022 વિધાનસભાની હાલની ચર્ચાઓને લઈ હિન્દૂ નેતાનો ગુજરાત પ્રવાસ બાબતે ભારે કુતુહલ પ્રસર્યું છે. આણંદ ખાતે ભાજપના જુના જોગી બીપીનભાઈ પટેલ (વકીલ) અને અન્ય અગ્રણીઓને મળ્યા હતા. જેને લઈ આણંદ જિલ્લાના રાજકીય આલમ કંઈક નવાજુની થવાના એંધાણની ચર્ચાના ચકડોળે ચઢ્યું છે.
ભારતીય રાજકારણમાં હાલ ભારે પ્રવાહી પરિસ્થિતિ ચાલી રહી છે. કોરોના, મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ અને ખાદ્ય તેલોના ભડકે બળતાં ભાવને લઈ જનતામાં સરકાર વિરોધી પ્રજામત ઉભો થયો છે. સરકાર વિરોધીઓ અને હરીફ રાજકીય આગેવાનો સરકાર વિરોધી જનમતને 2022 અને 2024માં સરકારને પરાજિત કરવા પોત પોતાની રણનીતિ અને રાજકીય ગતિવિધિ તેજ કરી રહ્યા છે. એક સમયે એકમેકના સાથી સંગાથી અને હિતચિંતક રહેલા મોદી અને તોગાડીયા હાલ પરસ્પર પ્રતિસ્પર્ધી બની ગયા છે.
આણંદ જિલ્લામાં અઠંગ અને આક્રમક રાજકારણી ગણાતા ભાજપના જુના જોગી બિપિનભાઈ પટેલ (વકીલ)સાથે ડો.પ્રવીણભાઈ તોગડીયાની મુલાકાતે જિલ્લાના રાજકારણમાં ભારે સનસનાટી મચાવી છે.રાજકીય રીતે કાયમ અકળ અને રોમાંચકારી રહેલા બીપીનભાઈ પટેલ(વકીલ)અને ડો. પ્રવીણભાઈ તોગડીયા વચ્ચે શુ રંધાયું અને કેવીક ચર્ચાઓ થઈ તેની તરેહ તરેહની વિગતો રાજકીય બજારને ગરમ કરી રહી છે.
આ અંગે બિપિનભાઈ પટેલ (વકીલ) નો સંપર્ક સાધતા તેઓએ રાજકીય ભાષામાં જવાબ આપતા જણાવ્યું કે ઔપચારિક સ્નેહ મુલાકાત હતી જેનો કોઈ રાજકીય અર્થ નીકળે તેમ નથી.દેશ અને રાજ્યની પ્રજાની સમસ્યાઓ, જાહેર આરોગ્ય અને વ્યાપાર ના પ્રશ્નો તેમજ રાજકીય જાસૂસી અને રાજકીય જીહજૂરીયાઓને કારણે થતી બરબાદી ની ચર્ચા થઈ હતી. પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારો મોંઘવારી ,કથળતી શિક્ષણ વ્યવસ્થા સહિત અનેક મુદ્દે સાહજિક ચિંતનાત્મક ચર્ચા થઈ હતી.