વડોદરા : રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના નામની બાદબાકી કરાતાં દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.શુક્રવારે વડોદરાના સયાજીબાગ સ્થિત સંકલ્પભૂમિ ખાતે ડો.આંબેડકર સ્વાભિમાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અગ્રણી અને દલિત સમાજના લોકોએ રાજ્ય સરકારના ઠરાવ પત્રની હોળી કરી જન આંદોલનની શરૂઆત કરી છે.
ગુજરાત રાજ્યની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી પ્રદર્શિત કરવા સરકારના ઠરાવમાં જરૂરી સુધારો કરી રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ને સ્થાન આપવાની માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શુક્રવારે ડો.આંબેડકર સ્વાભિમાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સભ્ય કિરીટભાઈ રાઠોડની આગેવાનીમાં દલિત સમાજના લોકોએ સયાજીબાગ સંકલ્પભૂમિ ખાતે સરકારના રાષ્ટ્રીય નેતાઓની યાદીના ઠરાવ પત્રની હોળી કરી ઉગ્ર સુત્રોચાર સાથે દેખાવો કર્યા હતા.