ભરૂચ: ભરૂચની (Bharuch) સૌભાગ્ય રેસિડેન્સીમાં રહેતા દીપક પટેલે, ૫૦ હજાર રૂપિયા દહેજની (Dowry) રકમ નહીં લાવતી પત્નીને (Wife) વડોદરાથી (Vadodra) કારમાં (Car) બેસાડી હાઈવે પર આલમગીર પાસે ગળું દબાવીને હત્યા (Murder) કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. જોકે પત્ની છટકીને ભાગી પેટ્રોલપંપ પાસે સંતાઈ ગઇ હતી. ત્યારબાદ ભાઈને બોલાવી વડોદરા પહોંચીને પતિ સામે વરણામા પોલીસ મથકમાં (Police Station) ગુનો નોંધાવ્યો હતો.
- વડોદરાથી પત્નીને લઈને પરત આવતી વેળા કારમાં દહેજના રૂ.50 હજારનું પૂછ્યું, પત્નીએ ના પાડી તો માર મારવો શરૂ કરી દીધો
- પત્ની જેમ તેમ પતિની ચુંગાલમાંથી છટકીને પેટ્રોલપંપ પાસે સંતાઈ ગઈ, વડોદરાના વરણામા પોલીસમથકે ફરિયાદ નોંધાવી
મહારાષ્ટ્રના નાસિકની અનિતાના ત્રણ માસ પહેલાં ભરૂચના દીપક મોહનભાઈ પટેલ સાથે લગ્ન થયા હતાં. ત્યારબાદ પતિ દ્રારા દહેજની માંગ કરાતા વિવાદ શરૂ થયો હતો. દરમિયાન ૨જી જૂને અનિતાની ફોઈની દીકરી કંચન આવડેને ત્યાં નવા મકાનનું વાસ્તુ હોવાથી તે વડોદરા આવી હતી. વાસ્તુ પૂરું થઈ ગયા બાદ પતિ કાર લઈને અનિતાને વડોદરા લેવા આવ્યા હતા. ૪થી જૂનની રાત્રે અનિતા પતિ સાથે કારમાં ભરૂચ આવવા નીકળ્યા હતા. એ વેળા હાઇવે પર જ પતિએ પત્નીને પૂછ્યું કે તું પૈસા લાવી? જેના જવાબમાં અનિતાએ ના પાડી હતી. આ વાતથી પતિ ઉશ્કેરાઈ જઈને પત્નીને માર મારવા માંડ્યો હતો. આ તકરારમાં અનિતા પોલીસને ફોન કરવા જતાં તેણીનો મોબાઈલ છીનવી લીધો હતો અને કાર ઉભી રાખી પતિએ ચપ્પુ બતાવી મારવા જતાં પત્ની દરવાજો ખોલી બહાર નીકળી ગઈ હતી.
પતિ પણ તેની પાછળ આવી લાતો મારી નીચે પાડી તેનું ગળું દબાવી હત્યાનો હીન પ્રયાસ કર્યો હતો. પતિથી માંડ છુટકારો મેળવીને અનિતા નજીકના પેટ્રોલપંપ પાસે પહોંચતાં એક ભાઈએ તેને ટાયરની પાછળ સંતાડી દીધી હતી. જે બાદ પતિ કાર લઈને જતો રહ્યો હતો. અનિતાએ જીવ બચતાં હાશકારાથી આખરે ભાઈને ફોન કરી તેની મદદ લીધી હતી. પત્નીએ વરણામા પોલીસમાં ફરિયાદ આપતા પતિ સામે ગુનો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.