નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court) 1995ના ડબલ મર્ડર (Double murder case) કેસમાં રાષ્ટ્રીય જનતા દળના (RJD) નેતા પ્રભુનાથ સિંહને દોષિત જાહેર કર્યા છે. ચાર વખત લોકસભાના સાંસદ રહી ચૂકેલા સિંહને નીચલી અદાલત અને હાઈકોર્ટે (High Court) આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટ અને પટના હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે જ્યાંથી પ્રભુનાથ સિંહને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેને દોષિત ઠેરવતા, સુપ્રીમ કોર્ટે તેને સજા પર ચર્ચા માટે 1 સપ્ટેમ્બરે તેની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. પ્રભુનાથ સિંહ પહેલાથી જ હત્યાના અન્ય એક કેસમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.
1995માં 18 વર્ષીય રાજેન્દ્ર રાય અને 47 વર્ષીય દરોગા રાયની બિહારના છપરામાં એક મતદાન મથક પાસે હત્યા કરવામાં આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રભુનાથ સિંહે બંનેની હત્યા કરી હતી કારણ કે તેઓએ પ્રભુનાથની સૂચના મુજબ મતદાન કર્યું ન હતું. આ કેસમાં સિંહને 2008માં નીચલી અદાલતે અને 2012માં પટના હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ, અભય એસ. ઓક અને વિક્રમ નાથની બેન્ચે કહ્યું છે કે આ કેસમાં પ્રભુનાથ વિરુદ્ધ પૂરતા પુરાવા છે.
બિહારની મહારાજગંજ સીટથી સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર બે લોકોની હત્યા કરાવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે બિહારના ગૃહ સચિવ અને ડીજીપીને આદેશ આપ્યો છે કે તેઓ પ્રભુનાથ સિંહની ધરપકડ કરે અને તેમને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરે જેથી તેમની સજાનો નિર્ણય થઈ શકે. પહેલા જેડીયુમાં અને બાદમાં આરજેડીમાં રહેલા પ્રભુનાથને 2017માં ધારાસભ્ય અશોક સિંહની હત્યામાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાલ તે ઝારખંડની હજારીબાગ જેલમાં બંધ છે.
બેન્ચે આદેશમાં કહ્યું કે “અમે દરોગા રાય અને રાજેન્દ્ર રાયની હત્યા માટે કલમ 302 (હત્યા) હેઠળ પ્રભુનાથ સિંહને દોષિત માનીએ છીએ,” અમે બિહારના ગૃહ સચિવ અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આદેશ આપી રહ્યા છીએ કે તેઓ પ્રભુનાથ સિંહની ધરપકડ કરે અને તેમને સજા માટે સુનાવણીની આગામી તારીખે કોર્ટમાં રજૂ કરે. ડબલ મર્ડરનો મામલો અગાઉ નીચલી કોર્ટમાં પહોંચ્યો હતો. પ્રભુનાથ સિંહને 2008માં અહીંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો. પટના હાઈકોર્ટે 2012માં નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. પટના હાઈકોર્ટ દ્વારા નિરાશ થયા બાદ મૃતકના પરિજનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.