ઉનાળાના દિવસો હતા અને બહુ ગરમી વધી રહી હતી.સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો અને આ વધતી જતી ગરમીને કારણે જંગલમાં આગ લાગી અને થોડી જ વારમાં આગ જંગલમાં દાવાનળ બની ફેલાવા લાગી. જંગલનાં પ્રાણીઓ આ આગથી બચવા આમતેમ દોડવા લાગ્યાં.બધાં જ પ્રાણીઓ વિચાર્યા વિના નાસભાગ કરી રહ્યા હતા.જેને જે દિશામાં ભાગવું યોગ્ય લાગ્યું બધા ભાગી રહ્યા હતા અને આગ પણ જાણે બધાને ભરખી જવાની હોય તેમ ચારે દિશામાં ફેલાઈ રહી હતી.
અમુક ડાહ્યાં પ્રાણીઓ જંગલના રાજા સિંહ પાસે ગયાં અને તેને કહેવા લાગ્યાં, ‘વનરાજ તમે જંગલના રાજા છો. તમારે આ આગથી બધાને બચાવવા કંઇક કરવું જોઈએ.’ રાજા સિંહ પોતે પણ આગથી બચવા ભાગી રહ્યો હતો. તે બોલ્યો, ‘હું આ આગ સામે એકલો કઈ રીતે લડું.આગને હું કઈ રીતે બુઝાવું? હું આગથી મારી જાતને બચાવું કે જંગલનાં પ્રાણીઓને?’ આટલું બોલી સિંહ ભાગવા લાગ્યો. બધાં પ્રાણીઓ ભાગવા લાગ્યાં.થોડા આગળ ગયા તો એક પોપટ અને પોપટીનું જોડું આગ તરફ ઊડી રહ્યું હતું.સિંહે કહ્યું, ‘અરે, તમને આ આગ દેખાતી નથી કે આગની દિશામાં બળી મરવા ઊડી રહ્યાં છો…આગથી દૂર જવા ઊંધી દિશામાં ઊડો અને બચવાની કોશિશ કરો.’
પોપટ આગ તરફની દિશામાં જ ઊડતાં ઊડતાં બોલ્યો, ‘અમે બચવાની નહિ બચાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.’ આ સાંભળી સિંહ અને બીજાં પ્રાણીઓ એક ક્ષણ માટે ભાગતાં અટકી ગયા અને પછી સિંહ બોલ્યો, ‘અરે, તમે બે તમારી ચાંચના બે ટીપાં પાણીમાં શું આ દાવાનળને બુઝાવી શકશો? બળી મરશો.તેના કરતાં જાન બચાવવા ભાગો.’ પોપટ બોલ્યો, ‘ના, અમે મરી જઈશું પણ ભાગીશું નહિ.
આ જંગલે આપણને આશરો આપ્યો અને આજે તે બળી રહ્યું છે એટલે તમે તેને બચાવવાની જગ્યાએ સ્વાર્થી બની બળતાં જંગલમાંથી ભાગી રહ્યા છો.પણ અમે એમ નહિ કરીએ. અમે અમારી ફરજ નીભાવીશું.છેલ્લા શ્વાસ સુધી જંગલને બચાવવાનો પ્રયત્ન કરીશું અથવા તેની સાથે બળી મરી જઈશું પણ સાથ નહિ છોડીએ.અમે અમારું કામ કરીશું અને કદાચ જો તમે બધાએ પણ ભાગવાની જગ્યાએ તમારું કામ કર્યું હોત તો આગ કદાચ બુઝાઈ જાત. આટલી ન ફેલાત.’ આટલું બોલી પોપટ અને પોપટી આગ બુઝાવવા આગની દિશામાં ઊડી ગયાં.તેમણે પોતાનું કામ, પોતાની ફરજ ન છોડી. જીવનમાં પણ હંમેશા સાથ છોડી જનાર સ્વાર્થી નહિ, સાથ આપનાર સાથી બનવું જરૂરી છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.