Columns

ભાગ નહીં-આપી દે

એક યુવાન તીર્થયાત્રા પર નીકળ્યો. ગોકુલ મથુરા પહોંચ્યો.ગિરિરાજજીની પરિક્રમા કરવા માટે તે નીકળ્યો. રસ્તામાં સાથે તેણે એક નાની થેલીમાં થોડાં ફળ અને પાણી લીધું અને ચાલવા લાગ્યો.થોડું ચાલ્યો હશે ત્યાં થોડે દૂર વાંદરાઓનું એક ટોળું દેખાયું. તે ટોળું યુવાનના હાથની થેલી લેવા માટે તેની પાછળ દોડ્યું. યુવાનને કંઈ સમજાયું નહિ કે આ વાંદરાઓ તેની પાછળ શું કામ દોડે છે? તે ડરી ગયો અને હાથની થેલી ચાટી પાસે મજબૂત પકડીને દોડવા લાગ્યો.વાંદરાઓ તેની પાછળ દોડ્યા.

યુવાન આગળ આગળ અને વાંદરા પાછળ પાછળ દોડતા હતા.યુવાનને દોડતો જોઇને કોઈ તેની મદદમાં ન આવ્યું; ઉલટું બધા આ તમાશો જોઇને રાજી થતાં હતાં અને ગભરાયેલા યુવાનની મજાક ઉડાવતા હતા. યુવાન થેલી છાતીએ લગાડીને દોડી રહ્યો હતો, વાંદરાઓ પાછળ દોડી રહ્યા હતા અને આ તમાશો જોનારા હસી રહ્યાં હતાં ત્યાં એક  સાધુનો  અવાજ બધા અવાજ ચીરીને આવ્યો, ‘યુવાન ભાગ નહિ …’ અને યુવાનના દોડતા પગ અટકી ગયા.યુવાન જ્યાં હતો ત્યાં ઊભો રહી ગયો અને તેને ઊભો રહેલો જોઇને વાંદરાઓ પણ જ્યાં હતા ત્યાં ઊભા રહી ગયા અને યુવાન સામે જોવા લાગ્યા કે તે શું કરે છે…વાંદરાઓએ યુવાન પર હુમલો કર્યો નહિ. સાધુ પાસે આવ્યા અને ફરી બોલ્યા, ‘થેલી ખોલ અને જે હોય તે આપી દે.’ યુવાને થેલીમાંથી ફળ કાઢ્યાં અને સાધુને આપ્યાં.સાધુએ કહ્યું, ‘મને નહિ, આ વાંદરાઓને આપી દે..

યુવાને ફળો વાંદરાઓ તરફ ફેંક્યા.વાંદરઓ તેને પ્રેમથી ખાવા લાગ્યાં.  યુવાને થેલીમાંથી પાણી પીધું અને વાંદરાઓને ફળ ખાતાં જોઈ રાજી થયો અને પછી સાધુને પ્રણામ કરી કહ્યું, ‘બાબા, તમે બચાવી લીધો. આભાર.’ સાધુ હસ્યા અને બોલ્યા, ‘માણસ જ્યાં સુધી ભાગવાનું બંધ નહિ કરે અને છોડતા નહિ શીખે ત્યાં સુધી બચી નહિ શકે.’ યુવાનને સાધુની વાત સમજાઈ નહિ. તેણે કહ્યું, ‘બાબા, એટલે શું?’ સાધુએ કહ્યું, ‘યુવાન, સમજ, પહેલી વાત  જ્યાં સુધી તું ભાગતો હતો, વાંદરાઓ તારી પાછળ ભાગતા હતા અને તે મુશ્કેલીથી તું ડરી ગયો હતો.બસ આમ જ જીવનમાં માણસ મુશ્કેલીઓના ડરથી ભાગતો ફરે છે અને મુશ્કેલી તેનો પીછો છોડતી નથી,

પણ જો તે અટકીને તેનો સામનો કરે તો મુશ્કેલી તેનાથી હારી જાય છે.બીજી વાત માણસ સ્વાર્થ અને મોહમાં કંઈ જ છોડી શકતો નથી અને એટલે જ તેના જીવનમાં મુશ્કેલીઓ વધે છે.તેં થેલીને છેલ્લે સુધી છોડી નહિ એટલે વાંદરાઓએ પણ તારો પીછો છોડ્યો નહિ.જેવી તેં થેલી છોડી અને ફળો આપ્યાં તેઓ ખુશીથી ખાવા લાગ્યા તે જોઈ તને પણ ખુશી મળી બરાબર ને..’ યુવાને હા પાડી. સાધુ બોલ્યા, ‘યુવાન યાદ રાખજે, કોઈ દિવસ મુશ્કેલીઓથી ભાગતો નહિ અને સ્વાર્થ અને મોહ છોડી જે હોય તેમાંથી જે અપાય તેટલું આપતો રહેજે.’ સાધુએ જીવનસમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top